કો-ઑર્ડિનેશન કમિટી ઑફ ધ એમ ઍન્ડ ઈ ઇન્ડસ્ટ્રીએ મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલા લૉકડાઉનને ટેકો આપતાં કેટલીક ડિમાન્ડ

16 April, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે એક પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે

પ્રતીકાત્મક તસવીર

વર્તમાનમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે એને જોતાં મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન લાગુ કર્યું છે, એને કો-ઑર્ડિનેશન કમિટી ઑફ ધ એમ ઍન્ડ ઇ ઇન્ડસ્ટ્રીએ પૂરો ટેકો આપ્યો છે. તેમણે એક પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. એ કમિટીમાં અનેક ખ્યાતનામ હસ્તીઓ સામેલ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં જે પ્રકારે કોરોનાનો આતંક ફેલાયો છે એને જોતાં કોરોનાના ખાતમા માટે અમે પૂરી રીતે તમને ટેકો આપીએ છીએ. આશા રાખીએ છીએ કે તમે જે પણ પગલાં લેશો એમાં આપણને સફળતા મળશે. તમે આપેલા દિશાનિર્દેશોનું ઇન્ડસ્ટ્રીમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે એની અમે ખાતરી આપીએ છીએ. હાલમાં તો આગામી ૧૫ દિવસો માટે એમ ઍન્ડ ઈ ઇન્ડસ્ટ્રી પૂરી રીતે બંધ કરવામાં આવી છે. આમ છતાં અમારી કેટલીક માગણીઓ પર ધ્યાન દોરવામાં આવે એવી વિનંતી છે.

- પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી જે શોનું પહેલેથી શૂટ થઈ ચૂક્યું છે એનું એડિટિંગ થઈ શકે. સાથે જ લોકો ઘરમાં રહીને અમારા ફ્રેશ એપિસોડ્સ પણ જોઈ શકશે. એના કારણે તેમનો તનાવ પણ મહદ્ અંશે ઘટી જશે.

- શોના‍ એવા ઘણા સેટ્સ છે જે બનીને તૈયાર છે. લૉકડાઉનને કારણે એનો ઉપયોગ ન થતાં પ્રોડ્યુસર્સને ઘણું નુકસાન થશે. સાથે જ તમામ નિયમોનું પાલન કરતા વર્કર્સને સેટ પર જ રહેવાની પરવાનગી આપવામાં આવતાં અનેક માઇગ્રન્ટ વર્કર્સને સલામતીની સાથે જ આ કપરા સમયમાં આવક પણ મળી રહેશે.

- જરૂરતમંદ લોકો માટે તમે જે ફાઇનૅન્શિયલ પૅકેજ જાહેર કર્યું છે એમાં એમ ઍન્ડ ઈ ઇન્ડસ્ટ્રીના રોજની આવક રળતા વર્કર્સ, ટેક્નિશ્યન્સ અને ઍક્ટર્સનો ઉલ્લેખ નથી. અમારી વિનંતી છે કે તેમને પણ આ સુવિધાનો લાભ મળવો જોઈએ.

- તમે વર્કર્સને વૅક્સિન આપવા પર ભાર મૂક્યો છે તો ફિલ્મસિટી, મીરા-ભાઈંદરમાં આવાં સેન્ટરને ઊભાં કરવાની ગરજ અમે પૂરી કરી શકશું. સ્પેશ્યલી ફિલ્મ અને ટીવી વર્કર્સને આપવામાં આવે એના પક્ષમાં છીએ.

- અમને લાગી રહ્યું છે કે કોરોના સામેનો જંગ ખૂબ લાંબો ચાલી રહ્યો છે. અમે પણ એ દિશામાં કામ કરી રહ્યા છીએ. હાલમાં અમે રાજ્યમાં લાગેલા લૉકડાઉનને પૂરી રીતે સમર્થન આપીએ છીએ.

entertainment news bollywood bollywood news coronavirus covid19 lockdown