નુસરતની ઍક્ટિંગે કર્યો બેડો પાર

27 November, 2021 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓરિજિનલ ફિલ્મની દૃષ્ટિએ સ્ટોરીમાં કોઈ નવીનતા નથી અને ફિલ્મને ખૂબ જ લાંબી અને ધીમી બનાવવામાં આવી છે : કૅમેરા વર્ક અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મદદરૂપ રહ્યું છે

નુસરતની ઍક્ટિંગે કર્યો બેડો પાર

છોરી
કાસ્ટ : નુસરત ભરૂચા, મીતા વશિષ્ઠ, સૌરભ ગોયલ અને રાજેશ જૈશ
ડિરેક્ટર : વિશાલ ફુરિયા
  
નુસરત ભરૂચાની ‘છોરી’ હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. આ એક હૉરર સ્ટોરી છે, પરંતુ એમાં એક સોશ્યલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી મરાઠી ફિલ્મ ‘લપાછપી’ની હિન્દી રીમેક છે. આ મરાઠી ફિલ્મને વિશાલ ફુરિયાએ ડિરેક્ટ કરી હતી અને હિન્દી ફિલ્મને પણ તેણે જ ડિરેક્ટ કરી છે.
નુશરતે સાક્ષીનું પાત્ર ભજવ્યું છે જે બાળકો માટેનું એક એનજીઓ ચલાવતી હોય છે. તે આઠ મહિનાની પ્રેગ્નન્ટ હોય છે. તેના પતિ હેમંતનું પાત્ર સૌરભ ગોયલે ભજવ્યું છે. તેમના ઘરે એક દિવસ લોકલ ગુંડાઓ આવીને હેમંતની ખૂબ જ પિટાઈ કરે છે. હેમંતે તેની પાસે બિઝનેસ કરવા માટે વ્યાજે પૈસા લીધા હોય છે જે ચૂકવી નથી શકતો. આથી તેના ડરથી તે પ્રેગ્નન્ટ પત્નીને લઈને થોડા દિવસ માટે ઘરેથી ભાગી જાય છે. તે તેના ડ્રાઇવર કાજલાના ગામ જાય છે. કાજલાનું પાત્ર રાજેશ જૈશે ભજવ્યું છે. તેનું ગામ ૩૦૦ કિલોમીટર દૂર આવેલું હોય છે. તેમના ગામમાં પાંચ જ ઘર હોય છે, જેમાંથી બે ઘર તેમનાં પોતાનાં હોય છે. આથી તેમને કોઈ શોધી ન શકે એ હેતુથી તેઓ ત્યાં જાય છે અને અહીંથી સ્ટોરીની શરૂઆત થાય છે. અહીં સુધી ફિલ્મ નૉર્મલ હોય છે, પરંતુ ત્યાર બાદ હૉરર ધીમે-ધીમે શરૂ થાય છે.
ડિરેક્શનની સાથે સ્ટોરી આઇડિયા પણ વિશાલ ફુરિયાનો હતો. જોકે ડાયલૉગ તેણે વિશાલ કપૂર સાથે મળીને લખ્યા છે. વિશાલે ચાર વર્ષ પહેલાં જે સ્ટોરી બનાવી હતી એ જ સ્ટોરી આ ફિલ્મમાં પણ છે. એમાં અમુક પ્લૉટ ટ્વ‌િસ્ટ કરવા સિવાય કોઈ નવીનતા નથી. બજેટ થોડું વધુ હોવાથી તેણે ફિલ્મને થોડો આર્ટિસ્ટ‌િક લુક આપ્યો છે. ફિલ્મનો પહેલો હાફ ખૂબ જ ધીમો છે. તેમ જ ફિલ્મ ખૂબ જ લાંબી રાખવામાં આવી છે. બે કલાકથી વધુની આ ફિલ્મ થોડી નાની કરી સ્ટોરી સ્પીડમાં કહેવાની જરૂર હતી. જોકે લોકેશનને આધારે ફિલ્મમાં સેટની જરૂર ખૂબ જ ઓછી પડી હતી. જોકે એમ છતાં સિનેમૅટોગ્રાફરે કમાલ કરી દેખાડી છે. શેરડીના ખેતરમાં પણ કૅમેરા વર્ક દ્વારા ફિલ્મને હૉરર દેખાડવાની ગજબની કમાલ કરી દેખાડવામાં આવી છે.
નુસરત ભરૂચાએ સાક્ષીના રૂપમાં ગજબનું કામ કર્યું છે. તે હંમેશાંથી અર્બન લુકમાં જોવા મળી છે. જોકે તે તેની ફિલ્મોની પસંદગી દ્વારા તેની આ ઇમેજ ચેન્જ કરી રહી છે. આ ફિલ્મ દ્વારા તેણે એ સાબિત કરી દેખાડ્યું છે કે તે કોઈ પણ પ્રકારનું કામ કરી શકે છે. તેણે તેનાં એક્સપ્રેશન અને બૉડી લૅન્ગ્વેજ દ્વારા ખૂબ જ સારી ઍક્ટિંગ કરી છે. તે ખરેખર પ્રેગ્નન્ટ હોય એવું જ લાગે છે અને એ તેની ઍક્ટિંગની કમાલ છે. નુસરતની સાથે મીતા વશિષ્ટે ભજવેલું ભન્નોદેવીનું પાત્ર પણ ખૂબ જ કમાલનું છે. એક ખરી અદાકારી દ્વારા તેઓ હંમેશાં પોતાની ટૅલન્ટને દેખાડતાં આવ્યાં છે. કૅરિંગથી લઈને સમયે-સમયે પોતાના પાત્રના શેડને તેઓ બદલતાં રહ્યાં છે. રાજેશ અને સૌરભ ગોયલને ખૂબ જ લિમિટેડ સમય મળ્યો હોવાથી તેઓ પોતાની જાતને એટલી સાબિત નથી કરી શક્યા.
ફિલ્મમાં કૅમેરા વર્કની સાથે સૌથી મહત્ત્વનું પાસું બીજું કંઈ હોય તો એ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક છે. થિયેટર્સમાં ન હોવા છતાં હેડફોન પહેરીને બેઠા હોય તો પણ મ્યુઝિક દ્વારા ડર ક્રીએટ કરવાની કોશિશ સફળ રહી છે. તેમ જ એક પણ ગીત વગરની ફિલ્મ રાખવાનો નિર્ણય પણ સારો રહ્યો હતો. ફિલ્મમાં સોશ્યલ મેસેજ સારો આપવામાં આવ્યો છે, પરંતુ ચાર વર્ષ પહેલાં આવેલી સ્ટોરીમાં કોઈ નવીનતા નથી.

bollywood news bollywood bollywood gossips entertainment news harsh desai