હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98મે વર્ષે નિધન

07 July, 2021 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલીપ સાહેબ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ રહ્યાં હતાં. સાયરા દિલીપકુમારની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતાં.

લાંબી માંદગી બાદ હિંદુજા હૉસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા. તે હૉસ્પિટલના નોન-કોવિડ વિભાગમાં સારવાર લઇ રહ્યા હતા

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. તે છેલ્લા એક મહિનાથી શ્વાચ્છોશ્વાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 98 વર્ષિય દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા છે. દિલીપ સાહેબ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ રહ્યાં હતાં. સાયરા દિલીપકુમારની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતાં.

દિલીપકુમારના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  દિલીપ કુમારને 6 જૂને શ્વાસની તકલીફના કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેના ફેફસાંની બહાર એકઠા થયેલા ફ્લુઇડને ડૉક્ટર્સે દૂર કર્યું અને પાંચ દિવસ બાદ તે ઘરે પાછા ફર્યા.

ગયા વર્ષે દિલીપકુમારે તેમના બે નાના ભાઈઓ અસલમ ખાન (88) અને એહસાન ખાન (90) ને કોરોનાવાયરસમાં ગુમાવ્યા હતા. આ પછી તેમણે પોતાનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ઉજવ્યા ન હતાં. જોકે, સાયરા બાનુએ કહ્યું હતું કે, બંને ભાઈઓના મૃત્યુના સમાચાર દિલીપ સહબને આપવામાં નહોતા આવ્યા.

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું મૂળ નામ યુસુફ ખાન હતું. ત્યાર પછી તેમને દિલીપકુમાર તરીકે સિનેમાને પડદે ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેનું નામ બદલ્યું. દિલીપકુમારનું પ્રારંભિક શિક્ષણ નાસિકમાં થયું હતું. બાદમાં તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું અને 1944 ની ફિલ્મ જવારભાટાથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. પ્રારંભિક ફિલ્મોમાં સફળતા ન મળી પણ બાદમાં અભિનેત્રી નૂરજહાં સાથે તેની જોડી હિટ બની હતી. ફિલ્મ જુગ્નુ દિલીપકુમારની પહેલી હિટ ફિલ્મ બની હતી. દિલીપ સાહેબે અનેક એક પછી એક સફળ હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ મુગલ-એ-આઝમ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ઑગસ્ટ 1960 માં રિલીઝ થયેલી આ ફિલ્મ તે સમયે બનાવવામાં આવેલી સૌથી મોંઘી ફિલ્મ હતી.

દિલીપકુમારને આઠ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારનું નામ સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. દિલીપકુમારને 1991 માં પદ્મ ભૂષણ અને 2015 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1994 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 2000 થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1998 માં તેમને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન, નિશાન-એ-ઇમ્તિયાઝ એવોર્ડ પણ મળ્યો હતો.

dilip kumar entertainment news bollywood news saira banu mughal-e-azam madhubala