ડિજિટલ સ્ટાર્સ

10 December, 2020 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ સ્ટાર્સ

શાહરુખ ખાન

ફૉર્બ્સ એશિયાના 100 ડિજિટલ સ્ટાર્સના લિસ્ટમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષયકુમાર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને હૃતિક રોશનનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા-પૅસિફિકના ફૉર્બ્સના આ લિસ્ટમાં તેમનો સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉમેરો કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કૅટરિના કૈફ, અનુષ્કા શર્મા, જૅકલિન ફર્નાન્ડિસ, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત નેને, શ્રેયા ઘોષાલ અને નેહા કક્કરને પણ સ્થાન મળ્યું છે. આ બધી સેલિબ્રિટીઝ જે પ્રકારે સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ હતી, લોકો સાથે સંપર્કમાં હતી, વિવિધ મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જાગૃતિ લાવતી હતી અને કોરોના દરમ્યાન લોકોને મદદ કરી હતી એને જોતાં તેમને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે કોઈને રૅન્ક નથી આપવામાં આવી. આ વર્ષે અમિતાભ બચ્ચને કોરોનાકાળમાં મદદ કરવા માટે 7 મિલ્યન ડૉલરની રાશિ એકઠી કરી હતી. આ સિવાય અક્ષયકુમારે 4 મિલ્યન ડૉલરની રકમ ભારતમાં દાન કરી હતી. સાથે જ મેમાં તેણે ફેસબુક લાઇવની ‘આઇ ફૉર ઇન્ડિયા’ની ફન્ડ રેઝિંગ કૉન્સર્ટ દ્વારા 7 મિલ્યન ડૉલરનું ભંડોળ એકઠું કર્યું હતું. હૃતિક રોશને પણ આ ફન્ડ રેઝિંગ કૉન્સર્ટમાં ધનરાશિ જમા કરીને કોરોના વર્કર્સને મદદ કરી હતી. આ કૉન્સર્ટને લઈને તેણે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરી હતી એને 2 મિલ્યન વ્યુઝ મળ્યા હતા. આ લિસ્ટમાં ઇન્ટરનૅશનલ સ્ટાર હ્યુ જૅકમૅન, ક્રિસ હેમ્સવર્થ, સાઉથ કોરિયન ગર્લ બૅન્ડ બ્લૅકપિન્ક, બૉય બૅન્ડ બીટીએસ, ઍક્ટર અને સિંગર આતિફ અસલમ અને ટ્રૉય સીવનનો પણ સમાવેશ થયો છે. આ રીતે ફૉર્બ્સ એશિયાના 100 ડિજિટલ સ્ટાર્સના લિસ્ટમાં કૅન્ડિડેટની સોશ્યલ મીડિયામાં પહોંચ અને લોકો સાથે કેવો સંપર્ક છે, તેમનું હાલનું કામ, બ્રૅન્ડ એન્ડૉર્સમેન્ટ અને બિઝનેસ પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. લોકલ, રીજનલ અને વિશ્વ સ્તરે તેમની કેવી ઓળખ છે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

entertainment news bollywood bollywood news social networking site Shah Rukh Khan akshay kumar ranveer singh alia bhatt hrithik roshan