21 July, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને બોબી દેઓલ
‘વેલકમ ટુ ધ જંગલ’ પછી અક્ષય કુમાર હવે ‘હૈવાન’માં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર્સ પણ રિલીઝ કરવામાં આવ્યાં છે. લાંબા સમયથી અક્ષય કુમાર આ ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને ખુલાસો કર્યો છે કે આ પાત્ર માટે અક્ષય કુમાર તેની પ્રથમ પસંદગી નહોતો. આ રોલ અક્ષય કુમાર પહેલાં બૉબી દેઓલ અને અક્ષય ખન્નાને ઑફર કરવામાં આવ્યો હતો. જોકે બૉબીના ઇન્કાર પછી આ રોલ માટે અક્ષય કુમારને સાઇન કરવામાં આવ્યો છે.
અક્ષય કુમારની પસંદગીનો ઘટનાક્રમ જણાવતાં પ્રિયદર્શને ખુલાસો કર્યો હતો કે ‘જ્યારે મેં સૈફ અલી ખાનને ‘હૈવાન’ની વાર્તા સંભળાવી ત્યારે તેણે મને પૂછ્યું કે ફિલ્મમાં બીજા નેગેટિવ પાત્ર માટે કોને લેવામાં આવશે. ત્યાર બાદ મેં બૉબી દેઓલનો સંપર્ક કર્યો અને તેને સ્ક્રિપ્ટ સંભળાવી, પણ તેને સ્ક્રિપ્ટ પસંદ ન આવી અને તેણે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો. એમાં તેનો કોઈ વાંક નહોતો. આ પછી મેં અક્ષય ખન્નાના નામ પર વિચાર કર્યો. તેની સાથે મારી ફોન પર વાત પણ થઈ હતી અને તેણે મને મળવા પણ બોલાવ્યો હતો. જોકે મને ડર હતો કે જો તે પણ ના પાડી દેશે તો પછી હું સુનીલ શેટ્ટીનો સંપર્ક કરીશ. અક્ષય ખન્નાને મળતાં પહેલાં મેં ‘ભૂત બંગલા’ના શૂટિંગ દરમ્યાન અક્ષય કુમારને ‘હૈવાન’ની વાર્તા સંભળાવી હતી. તેને વાર્તા ખૂબ ગમી હતી અને તેણે તરત જ આ પાત્ર ભજવવામાં રસ દાખવ્યો. આ પછી રોલ માટે અક્ષય કુમારની પસંદગી નક્કી થઈ.’