29 September, 2025 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કોણ છે આ અભિનેતા જે રામલીલામાં બનશે રામ?
દશેરા નિમિત્તે વિવિધ સ્થળોએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીની ‘લવ કુશ રામલીલા’ દેશભરમાં પ્રખ્યાત છે. આ વર્ષની રામલીલા ખૂબ જ ખાસ બનવાની છે. કારણ કે ફિલ્મમાં ખૂબ જ ક્રૂર ખલનાયકનો રોલ કરનાર અભિનેતા આ રામલીલામાં ભાગ લેશે. દશેરાના દિવસે, 2 ઑક્ટોબરે, આ અભિનેતા ભગવાન રામ બની લાલ કિલ્લા મેદાનમાં રાવણનું દહન કરશે. દિલ્હીમાં આ રાવણ દહનની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. રાવણનું દહન કરનાર અભિનેતા બીજું કોઈ નહીં પણ બૉબી દેઓલ છે. ‘લવ કુશ રામલીલા’ સમિતિના પ્રમુખ અર્જુન કુમારે આ અંગે માહિતી આપી છે. દશેરા નિમિત્તે અભિનેતા બૉબી દેઓલને રાવણનું દહન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે આ આમંત્રણ ખૂબ જ ઉત્સાહથી સ્વીકાર્યું છે. સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બૉબીની હાજરી આ વર્ષની રામલીલાને અવિસ્મરણીય બનાવશે.
બૉબી પોતે પણ આ માટે ખુશ અને ઉત્સાહિત છે. "હું દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી ભવ્ય ‘લવ કુશ રામલીલા’માં ભાગ લઈશ. તો ચાલો દશેરા પર મળીએ," બૉબીએ કહ્યું. દર વર્ષે, દશેરાના દિવસે આ ઐતિહાસિક ક્ષણનો અનુભવ કરવા માટે દેશભરમાંથી લાખો લોકો દિલ્હીના લાલ કિલ્લા પર ભેગા થાય છે. બૉબી દેઓલ પણ આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેથી, બૉબીનું નામ સામે આવ્યા પછી ચાહકો પણ ખુશ છે.
બૉબી દેઓલે ફિલ્મ `ઍનિમલ`માં ખૂબ જ ક્રૂર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેનો વિલનનો રોલ હોવા છતાં, તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. `ઍનિમલ` પછી, તેણે દક્ષિણ ફિલ્મ `કંગુવા`માં પણ ખલનાયકની જ ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં, તે આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ `બેડ્સ ઑફ બૉલિવૂડ` દ્વારા દર્શકો સમક્ષ આવ્યો હતો. શાહરુખ ખાનના પુત્ર આર્યન આ વેબ સિરીઝ દ્વારા બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝને કારણે, બૉબી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. આ દરમિયાન, બૉબીને અપેક્ષા મુજબની ઑફરો મળી રહી ન હતી, પરંતુ ફિલ્મ `ઍનિમલ` સાથે તેનું નસીબ ફરી ચમક્યું છે અને તે લોકોના દિલોમાં છવાઈ ગયો છે.
લવ કુશ રામલીલાનો વિવાદ
તાજેતરમાં જાહેરાત થઈ હતી કે દિલ્હીની પ્રખ્યાત લવ કુશ રામલીલામાં રાવણની પત્ની મંદોદરીનો રોલ ભજવવા માટે વિવાદાસ્પદ અભિનેત્રી પૂનમ પાંડેની પસંદગી કરવામાં આવી છે. આટલા મહત્ત્વના રોલ માટે પૂનમની પસંદગી સામે અનેક સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે હવે લવ કુશ રામલીલા કમિટીએ વિવાદ વધતાં લવ કુશ રામલીલામાંથી પૂનમ પાંડેને હટાવવામાં આવી હતી. આ મામલે કમિટીના અધ્યક્ષ અર્જુન કુમારે નિવેદન આપ્યું છે કે તેઓ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માગતા નથી.