અનેક નહીં, ‘એક’

28 May, 2022 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુભવ સિંહાએ એકસાથે ઘણા મુદ્દા ઉઠાવવા કરતાં કોઈ એક મુદ્દાને લઈને એની પાછળ સ્ટોરી ગૂંથીને એક હાર્ડ-હિટિંગ ફિલ્મ બનાવવાની જરૂર હતી અને બાકીના મુદ્દા પરથી એની ફ્રૅન્ચાઇઝી પણ બની શકે એમ હતું

અનેક નહીં, ‘એક’

આયુષમાન ખુરાનાની ‘અનેક’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેણે ‘આર્ટિકલ 15’ બાદ ફરી આયુષમાન ખુરાના સાથે કામ કર્યું છે. આ ફિલ્મ પણ સોશ્યલ ઇશ્યુ પર આધારિત છે. નૉર્થ ઈસ્ટમાં રહેતા લોકો સાથે ઇન્ડિયાના અન્ય સ્ટેટ દ્વારા કહો કે લોકો દ્વારા કેવો વહેવાર કરવામાં આવે છે એના પર આ સ્ટોરી બનાવવામાં આવી છે. નૉર્થ ઈસ્ટનાં સાત સ્ટેટને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે, પરંતુ તેમને જ્યારે જરૂર હોય ત્યારે તેમના મોટા ભાઈ (ઇન્ડિયા) તેમની સાથે ફક્ત ભેદભાવ જ કરે છે અને ગણકારતા નથી એના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
આયુષમાન ખુરાના અન્ડરકવર પોલીસ ઑફિસર જોશુઆનું પાત્ર ભજવી રહ્યો છે જેનું સાચું નામ અમન હોય છે. તેનું પોસ્ટિંગ નૉર્થ ઈસ્ટમાં થયું હોય છે. તે ત્યાંની રેબલ પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે શાંતિ ફેલાવવાનું કામ કરતો હોય છે. આ દરમ્યાન તે આઇડાના પ્રેમમાં પડે છે. આઇડા બૉક્સર હોય છે જે ઇન્ડિયાને રેપ્રિઝેન્ટ કરવા માગતી હોય છે. એક તરફ તેના પપ્પા રેબલ ગ્રુપની લીડર જૉનસનની તમામ સ્કૂલો ચલાવતા હોય છે અને તેઓ ઇન્ડિયાના વિરોધી હોય છે. જોકે આઇડા તેની વાત લોકો સુધી પહોંચાડવા માટે બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા માગતી હોય છે. જોશુઆ તેનો ઉપયોગ તેના પિતા સુધી પહોંચવા માટે કરતો હોય છે, પરંતુ તે તેના પ્રેમમાં પડે છે. તેને નૉર્થ ઈસ્ટના લોકોની પીડા સમજાય છે, પરંતુ બીજી તરફ પૉલિટિશ્યન તેની મદદથી રેબલ ગ્રુપના લીડર ટાઇગર સાંઘા સાથે પીસ અકોર્ડ સાઇન કરાવવા માગતા હોય છે. આથી તે દુવિધામાં રહે છે કે ડ્યુટી ભજવવી કે તેને જે સાચું લાગે છે એ કરવું.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
ફિલ્મનું સ્ક્રિપ્ટ-રાઇટિંગ અને ડિરેક્શન અનુભવ સિંહાએ કર્યાં છે. તેમણે આ ફિલ્મનો સ્ક્રીનપ્લે સીમા અગરવાલ અને યશ કેસ્વાની સાથે મળીને લખ્યો છે. તેમણે સ્ક્રીનપ્લેમાં પ્રાણ પૂરવા માટે તમામ મસાલો નાખ્યો છે, પરંતુ એને જોઈએ એ રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા. ઑન પેપર ભલે આ સ્ક્રિપ્ટ ખૂબ જ જોરદાર લાગી હોય, પરંતુ સ્ક્રીન પર એ એટલો રોમાંચ નથી જગાવી શકી. અનુભવ સિંહાએ નૉર્થ ઈસ્ટ પર સ્ટોરી બનાવી છે, પરંતુ તેમણે કોઈ સ્ટેટનું નામ નથી લીધું. તેમણે કારની નંબર પ્લેટ પર પણ નૉર્થ ઈસ્ટના ‘NE’નો ઉપયોગ કર્યો છે. તેમણે પૉલિટિક્સ, અસમાનતા, સરકાર દ્વારા મળતા લાભો અને તેમની સાથે કરવામાં આવતા વ્યવહાર પર કમેન્ટ કરવાની કોશિશ કરી છે. આ સાથે જ ત્યાંના લોકો કેમ પોતાને ભારતીય નથી ગણતા અને તેઓ શું વિચારે છે અને લાઇફમાં શું કરવા માગે છે એ વિશે પણ તેમણે વાત કરી છે. તેમ જ નાના છોકરાના હાથમાં કેવી રીતે હથિયાર આવે છે એ પણ તેમણે સારી રીતે દેખાડ્યું છે. જોકે તેમણે એક જ ફિલ્મમાં ઘણા મુદ્દા ઉઠાવ્યા છે અને એથી જ દરેકને તેઓ પૂરતો ન્યાય નથી આપી શકયા. આ ફિલ્મની ફ્રૅન્ચાઇઝી અથવા તો વેબ-સિરીઝ બની શકે એટલું મટીરિયલ તેમની પાસે હતું, એમ છતાં તેમણે બધું એક ફિલ્મમાં કહેવાનું પસંદ કર્યું છે. તેમના ડિરેક્શનમાં પણ ‘થપ્પડ’ અને ‘આર્ટિકલ 15’ જેવી વાત નથી. ડાયલૉગ પર ઘણી મહેનત કરવામાં આવી છે અને ઘણા ડાયલૉગ પણ સારા છે. જોકે ‘મુલ્ક’ જેટલા હાર્ડ-હિટિંગ ડાયલૉગ પણ નથી. અનુભવ સિંહાએ ઘણા વિષયને પસંદ કર્યા છે, પરંતુ એ દર્શકો સાથે કનેક્ટ થઈ શકે એવી પૂરતી સ્ટોરી તેમણે નથી દેખાડી. નૉર્થ ઈસ્ટના લોકો કેમ ભારતને નફરત કરે છે એને પણ તેઓ પૂરી રીતે જસ્ટિફાય નથી કરી શક્યા. તેમ જ તેઓ ઘણી ફિલ્મોમાં જોરદાર કમેન્ટ કરવા અને તેમના વ્યુ માટે જાણીતા છે, પરંતુ આ ફિલ્મ એક ટેક્સ્ટબુક જેવી લાગી રહી છે.
પર્ફોર્મન્સ
આયુષમાન ખુરાના તેના ખભા પર ફિલ્મ ઉઠાવવા માટે જાણીતો છે અને આ એક ફિલ્મ પણ એવી જ છે. તે પહેલી વાર અન્ડરકવર ઑફિસરના રોલમાં જોવા મળ્યો છે અને એમાં તે ખરેખર અલગ જોવા મળ્યો છે. જોકે તેની ફિલ્મ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે એવી અપેક્ષા આ ફિલ્મ પાસેથી ન રાખી શકાય. આમ છતાં તેણે સારું કામ કર્યું છે અને તેના ડાયલૉગ પણ ઘણા સારા મળ્યા છે. કયો માણસ ક્યાંથી આવ્યો છે એ માટેનું ‘હિન્દી’ ભાષાને લઈને જે દૃશ્ય છે જે ખરેખર સારું છે. આ દૃશ્યમાં તેનો ગુસ્સો અને ફ્રર્સ્ટ્રેશન અને બધું જ જોવા મળે છે. આ દૃશ્યમાં તેની સાથે સાઉથનો ઍક્ટર જે. ડી. ચક્રવર્તી જોવા મળ્યો છે. તેની પાસે ઓછાં પણ સારાં દૃશ્યો છે. આયુષમાનની લૉયલ્ટીને લઈને જ્યારે સવાલ ઊભા થાય ત્યારે તેની એન્ટ્રી પડે છે. શાંતિને લઈને તેના જેટલા પણ ડાયલૉગ છે એ ખરેખર ધ્યાનથી સાંભળવા અને એ પણ બે-ત્રણ વાર સાંભળવાને લાયક છે. ઍન્ડ્રિયા કેવિશુસાએ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. તે ભાંગીતૂટી હિન્દી બોલતી હોય છે, પરંતુ એને કારણે જ તેના પાત્ર સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકાય છે. મનોજ પાહવાએ ઉચ્ચ ઑફિસર અને કુમુદ મિશ્રાએ પૉલિટિશ્યનનાં પાત્ર ભજવ્યાં છે. આ બન્ને પાત્ર તેમના માટે જ હતાં એવું કહેવું ખોટું નથી. તેમને બન્નેને આ પાત્રમાં જોવાની મજા આવે છે અને તેમનાં વધુ દૃશ્ય હોય એવી ઇચ્છા પણ થાય છે. જોકે લોઇટોન્ગબમ દોરેન્દ્રનું પાત્ર સૌથી નબળું છે. ટાઇગર સાંઘા રેબલ ગ્રુપનો લીડર હોય છે. તે શાંતિની માગણી કરતો હોય છે, પરંતુ પડદા પાછળ તમામ ખરાબ કામ કરતો હોય છે. આ પાત્રને વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી.
મ્યુઝિક
આ ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર મંગેશ ધાકડેએ આપ્યો છે. એ ખૂબ જ સારો છે પરંતુ ઘણી જગ્યા પર દૃશ્યો એના પર હાવી થઈ જાય છે. ટાઇટલ ટ્રૅકમાં એટલો દમ નથી, પરંતુ નૉર્થ ઈસ્ટનું જે ફોક સૉન્ગ છે એ સમજમાં ન આવવા છતાં સાંભળવું સારું લાગે છે. શબ્દો ન સમજાતા હોવા છતાં દુખી હોવાની ફીલિંગ આવી જાય છે. જોકે ‘ઓ, મામા’ એટલું જ સારું સૉન્ગ છે. ફિલ્મની હાઇલાઇટ આ સૉન્ગના શબ્દોમાં છે.
આખરી સલામ
ફિલ્મમાં એક ડાયલૉગ છે કે નૉર્થ ઇસ્ટ અને ઇન્ડિયા વચ્ચેની લડાઈમાં બંદૂકની ગોળી પાછળ જેટલા રૂપિયા બન્ને પક્ષ દ્વારા ખર્ચ કરવામાં આવે છે એનાથી તો દરેકનો ઉદ્ધાર થઈ શકે છે. આ ડાયલૉગ ખરેખર ઘણા સવાલો ઊભા કરે છે કે પૉલિટિશ્યન ખરેખર તેમની પાર્ટીના એજન્ડા માટે અમનની વાતો કરતા હોય છે કે તેઓ ખરેખર ઇચ્છે પણ છે.

bollywood news bollywood bollywood gossips bollywood movie review entertainment news harsh desai ayushmann khurrana