આયુષમાન-પરિણીતીની થશે ટક્કર

20 September, 2022 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની ‘ડૉક્ટર G’ અને ‘કોડનેમ : તિરંગા’ એક જ દિવસે થશે રિલીઝ

આયુષમાનની ‘ડૉક્ટર G’ અને પરિણીતીની ‘કોડનેમ : તિરંગા

આયુષમાન ખુરાના અને પરિણીતી ચોપડાની બૉક્સ-ઑફિસ પર ટક્કર થવાની છે, કારણ કે આયુષમાનની ‘ડૉક્ટર G’ અને પરિણીતીની ‘કોડનેમ : તિરંગા’ એક જ દિવસે ૧૪ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આયુષમાનની ‘ડૉક્ટર G’ની વાત કરીએ તો આ ફિલ્મમાં તેની સાથે રકુલપ્રીત સિંહ, શેફાલી શાહ અને શિબા ચઢ્ઢા લીડ રોલમાં દેખાશે. ફિલ્મને અનુભૂતિ કશ્યપે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આયુષમાન ગાયનેકોલૉજિસ્ટના રોલમાં દેખાશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી, ‘ઝિંદગી મેરી હૈ ફુલ ઑફ ગૂગલી. ચાહિયે થા ઑર્થોપેડિક્સ, પર બન ગયા ‘ડૉક્ટર G’. તમારી અપૉઇન્ટમેન્ટ્સ માટે તૈયાર રહો. ‘ડૉક્ટર G’ તમને ૨૦૨૨ની ૧૪ ઑક્ટોબરે થિયેટર્સમાં અટેન્ડ કરશે.’

પરિણીતી ચોપડાની ‘કોડનેમ : તિરંગા’ની વાત કરીએ તો આ એક જાસૂસની સ્ટોરી દેખાડતી ઍક્શન-થ્રિલર રહેશે. આ ફિલ્મમાં પરિણીતી રૉ-એજન્ટના રોલમાં દેખાશે. તેની સાથે સિંગર હાર્ડી સંધુ પણ ઍક્શન કરતો દેખાશે. આ ફિલ્મને રિભુ દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે. ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે સાથે મળીને એ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં શરદ કેળકર, રજિત કપૂર, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, શિશિર શર્મા, સબ્યસાચી ચક્રવર્તી અને દીશ મારીવાલા પણ જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, ‘દેશ, પ્રેમ, બલિદાન ‘કોડનેમ : તિરંગા’માં જોવા મળશે. મારા ફેવરિટ પંજાબી હાર્ડી સંધુ સાથે કામ કરવાની મજા પડી.’

entertainment news bollywood news bollywood parineeti chopra ayushmann khurrana upcoming movie