24 August, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને અમરીશ પુરી
અનિલ કપૂર અને શ્રીદેવીની ૧૯૮૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં અમરીશ પુરીએ ભજવેલું ‘મોગૅમ્બો’નું પાત્ર ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી યાદગાર વિલનોમાં એક ગણાય છે. આ પાત્રને અમરીશ પુરીએ અમર બનાવી દીધું હતું. જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે આ રોલ સૌથી પહેલાં અનુપમ ખેરને ઑફર કરવામાં આવ્યો હતો, પણ પછી તેમને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
‘મિસ્ટર ઇન્ડિયા’માં કામ કરવાનો ચાન્સ ગુમાવ્યા પછીની લાગણી વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં મને બદલીને અમરીશ પુરીને ‘મોગૅમ્બો’ના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે મને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી. મને આ વાતનું બહુ ખરાબ લાગ્યું હતું. મને બહુ લઘુતાગ્રંથિ અનુભવાઈ હતી. હું વિચારતો હતો કે મને શા માટે હટાવવામાં આવ્યો? આ રોલ તેમને કેવી રીતે મળી ગયો? મારી જગ્યાએ તેમને શા માટે લેવામાં આવ્યા? મને ખૂબ દુઃખ થયું હતું કે મને આ ફિલ્મ ન મળી. જોકે જ્યારે મેં ફિલ્મ જોઈ ત્યારે સમજાયું કે અમરીશ પુરીએ ‘મોગૅમ્બો’નું પાત્ર જે રીતે ભજવ્યું છે એ રીતે હું કદાચ ક્યારેય ભજવી શક્યો ન હોત.’