પોલૅન્ડથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં અમિતાભે

15 May, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીની હૉસ્પિટલો માટે વેન્ટિલેટર્સ પણ ડોનેટ કરશે બિગ બી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને કોરોનાની હાડમારીનો સામનો કરી રહેલા લોકો માટે પોલૅન્ડથી ૫૦ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં છે. આ કૉન્સન્ટ્રેટર્સ વહેલાસર આપણા દેશમાં આવી જવાનાં છે. 
સૌને ઈદની શુભેચ્છા આપતાં તમામ માહિતી બ્લૉગ પર આપતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘લડાઈ આપણી યથાવત છે અને બધા પાસેથી શબ્દો અને નેક કાર્યો દ્વારા આશીર્વાદ મળી રહ્યા છે. લોકો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરી રહ્યા છે. એવાં સ્થાનોમાં જ્યાં મેડિકલ હેલ્પ અને સહયોગની વધુ જરૂર છે ત્યાં વધારે મદદ કરવામાં આવે છે. હું પોલૅન્ડની સરકાર અને રૉક્લોના મેયર, વૉર્સોમાં ભારતના ઍમ્બૅસૅડર અને પૉલિશ ઍરલાઇન્સે કરેલા સહયોગ બદલ તેમનો આભાર માનું છું. મેં ૫૦ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ ત્યાંથી ખરીદ્યાં છે અને એ વહેલાસર આવી જવાનાં છે. ખાસ વાત એ છે કે ભારતને મદદ કરવાના આશયથી આ કૉન્સન્ટ્રેટર્સ ઇક્વિપમેન્ટની ડિલિવરી માટેનો ફ્રેટ ચાર્જિસ પૉલિશ ઍરલાઇને જતો કર્યો છે. 
સંકટની આ ઘડીમાં આવી રીતે મદદ કરવાની જે પહેલ તેમણે કરી છે એ ખરેખર પ્રશંસનીય છે. સાથે જ મેં બીએમસીને પણ વેન્ટિલેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. મેં જ્યારે બીએમસીને વાત કરી કે હું તેમને કંઈક ડોનેટ કરવા માગું છું તો તેમણે કહ્યું કે પૈસા નહીં પરંતુ વેન્ટિલેટર્સ આપવાની મદદ કરજો. મેં ૨૦ વૅન્ટિલેટર્સ ઑર્ડર કર્યાં છે, એમાંનાં ૧૦ આજે આવી ગયાં છે. હું ખુશ છું કે હું એને બીએમસી હૉસ્પિટલમાં આપવાનો છું. બાકીનાં ૧૦ ટૂંક સમયમાં આવી જવાનાં છે. એને પણ અન્ય હૉસ્પિટલમાં ડોનેટ કરવામાં આવશે.’

રજનીકાન્ત અને અજિતે કર્યું તામિલનાડુ સીએમ ફન્ડમાં ડોનેશન

રજનીકાન્ત અને અજિતે તામિલનાડુ સીએમ રિલીફ ફન્ડમાં ડોનેશન આપ્યું છે. થોડા સમય પહેલાં સૂર્યા અને સિવકુમારે પણ સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કર્યું હતું. હવે રજનીકાન્તે તામિલનાડુ ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં ૧ કરોડનું દાન આપ્યુ છે. તેમની દીકરી સૌંદર્યાએ તામિલનાડુના સીએમ એમ. કે. સ્ટાલિનને ચેક આપ્યો હતો. અજિતે ઑનલાઇન ટ્રાન્સફર દ્વારા ૨૫ લાખ રૂપિયા સીએમ રિલીફ ફન્ડમાં આપ્યા છે.

entertainment news bollywood news bollywood bollywood gossips amitabh bachchan