કોન્ટ્રાક્ટ કેન્સલ થયા છતાં એડ પ્રસારિત કરાતા, પાન મસાલા બ્રાન્ડને અમિતાભ બચ્ચને મોકલી કાનૂની નોટિસ

22 November, 2021 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પાન મસાલા બ્રાન્ડની જાહેરાત માટે ભૂતકાળમાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

અમિતાભ બચ્ચન. તસવીર/એએફપી

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પાન મસાલા બ્રાન્ડની જાહેરાત માટે ભૂતકાળમાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પાછળથી, તેમના 79મા જન્મદિવસે, તેમણે જાહેરાત કરી કે તેમણે તે પાન મસાલા બ્રાન્ડ સાથેનો કરાર રદ કર્યો છે. અમિતાભે એક નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ જાણતા ન હતા કે આ પ્રતિબંધિત પદાર્થની જાહેરાત છે.

હવે જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચને આ પાન મસાલા બ્રાન્ડ વિરુદ્ધ કાનૂની નોટિસ મોકલી છે. હકીકતમાં, અમિતાભનો કોન્ટ્રાક્ટ રદ થયા પછી પણ આ જાહેરાત અલગ-અલગ પ્લેટફોર્મ પર પ્રસારિત થઈ રહી છે. Etimesએ સૂત્રોને ટાંકીને કહયું છે કે “અમિતાભ બચ્ચનની ઓફિસમાંથી જાણવા મળ્યું છે કે ‘કમલા પસંદ બ્રાન્ડ’ને જાહેરાતનું પ્રસારણ તાત્કાલિક બંધ કરવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “તેમણે પાન મસાલા બ્રાન્ડ સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો છે એટલું જ નહીં, પરંતુ આ જાહેરાત માટે મળેલા પૈસા પણ પરત કરી દીધા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી છેલ્લે ઈમરાન હાશ્મી સાથે ચેહરેમાં જોવા મળ્યા હતા. હવે તેમની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, જેમાં મેડે અને ઝૂંડ સામેલ છે. આ સિવાય અમિતાભ બ્રહ્માસ્ત્ર, ગુડ બાય, ઊંચાઈ, ધ ઈન્ટર્ન જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

entertainment news bollywood news amitabh bachchan