ફ્રન્ટલાઇન વર્કર્સના જોશ અને નિઃસ્વાર્થ સેવાને કારણે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ રહ્યા છીએ: અમિતાભ બચ્ચન

13 May, 2021 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને કોરોનાકાળમાં લોકોનું મનોબળ વધારતો મેસેજ આપ્યો છે. તેઓ સતત લોકોને સલાહ અને જીવન જીવવાનો માર્ગ દેખાડે છે. તેમણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે ‘નમસ્કાર, આશા એ કંઈ રણનીતિ નથી. એક લેખકે કહ્યું છે કે શબ્દો કરતાં કાર્યો વધારે સચોટ હોય છે. હા, કેટલાંક એવાં કારણો હોય છે, પરંતુ કેટલાક સંતો કહી ગયા છે કે આશા એ કંઈ શરૂઆત નથી. એનો હંમેશાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે અનેક વખત આશાને ગુમાવી ચૂકીએ છીએ. હા આશા એકમાત્ર રણનીતિ નથી. જોકે આશા આપણું માર્ગદર્શન કરે તો મહાન કાર્યો પણ શક્ય બની જાય છે. દરરોજ આપણે એવા અનેક લોકો વિશે સાંભળીએ છીએ કે તેઓ જરૂરતમંદ લોકોની મદદ માટે આગળ આવે છે. દરરોજ આપણને ફ્રન્ટલાઇન વર્કર્સ અને કોવિડ વૉરિયર્સનાં અજેય જોશ, નિઃસ્વાર્થ સેવાના પુરાવા મળે છે. દરરોજ આપણે અંધકારમાંથી અજવાળા તરફ જઈએ છીએ. એવા લોકોને કારણે જેઓ સાથે મળીને આગળ વધવામાં અને સાથ આપવામાં માને છે. આજની સાંજે આપણે ફરીથી એકસાથે આવ્યા છીએ. એ પણ આશાના માર્ગદર્શક દ્વારા. ભારતમાં આપણે આ લડાઈ જીતવા માટે સાથે યોગદાન આપીએ છીએ. એક વાતમાં આપણને સૌને વિશ્વાસ છે કે જ્યારે આપણે સાથે મળીએ તો અનેક અશક્ય બાબતો શક્ય બની જાય છે. ઇતિહાસમાં એ વાતના પુરાવા છે કે આપણે જ્યારે પણ એકતાની તાકાત દેખાડી છે તો આપણે ધાર્યું પરિણામ મેળવવામાં સફળ થયા છીએ. આજે આપણી સામે મોટો પડકાર છે. જોકે એમાં પણ આપણે સાથે મળીને જીતવાના છીએ. એથી હું સૌને કહેવા માગું છું કે આશા કોઈ રણનીતિ નથી. ચાલો આશા આપણું માર્ગદર્શન કરે એવી આશા રાખીએ. ચાલો આપણે બધા ભારત માટે સાથે આવીએ. નમસ્કાર.’

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘વી ફાઇટ. વી ફાઇટ. ચાલો એકતા દેખાડીએ. આપણે જીતી જઈશું.’

entertainment news bollywood bollywood news coronavirus covid19