કૌન બનેગા કરોડપતિમાં ટ્રૅજેડી-કિંગ વિશે અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અનન્ય આદરભાવ

14 August, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દી સિનેમાનો ઇતિહાસ દિલીપકુમાર પહેલાં અને દિલીપકુમાર પછી તરીકે ઓળખાશે

અમિતાભ બચ્ચન

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને દિવંગત અભિનેતા દિલીપકુમાર પ્રત્યે પોતાનો અનન્ય આદરભાવ વ્યક્ત કર્યો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૮મી સીઝનના એક એપિસોડ દરમ્યાન હોસ્ટ અમિતાભ બચ્ચને ફરી એક વાર હિન્દી સિનેમામાં દિલીપકુમારના અજોડ પ્રદાન પર પ્રકાશ ફેંક્યો હતો.
શો દરમ્યાન અમિતાભ બચ્ચન સ્પર્ધક મનજિત સિંહ સાથે હિન્દી ફિલ્મઉદ્યોગ વિશે વાતચીત કરી રહ્યા હતા. બૉલીવુડના ઇતિહાસને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારાં દિગ્ગજ વ્યક્તિત્વો વિશે ચર્ચા કરતી વખતે બિગ બીએ દિલીપસાહેબના વારસાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘જ્યારે પણ હિન્દી સિનેમાનો ઇતિહાસ લખવામાં આવશે ત્યારે અે હંમેશાં ‘દિલીપકુમારજી પહેલાં’ અને ‘દિલીપકુમારજી પછી’ એમ બે ભાગમાં જ જોવા મળશે.’
આ ક્ષણે સ્પર્ધક મનજિતે પણ અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાની અપ્રતિમ શ્રદ્ધા દર્શાવતાં કહ્યું હતું કે ‘સર, દિલીપકુમારજી પછી અમિતાભ બચ્ચનનું નામ આવશે.’ આ સાંભળીને ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજવી મૂક્યું હતું.
જોકે અમિતાભ બચ્ચને અત્યંત નમ્રતાપૂર્વક દિલીપકુમારના અદ્વિતીય સ્થાન પર ભાર મૂકતાં પુનઃ ઉચ્ચાર્યું હતું કે ‘અરે ના-ના સર, માત્ર દિલીપકુમારજી પહેલાં અને દિલીપકુમારજી પછી.’
તેમણે દિલીપસાહેબને હિન્દી સિનેમાના અવિચળ સ્તંભ ગણાવતાં ઉમેર્યું હતું કે તેઓ એક એવો સ્તંભ છે જેમને કોઈ ક્યારેય પરાસ્ત કરી શકે એમ નથી.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચને વર્ષ ૧૯૮૨માં રમેશ સિપ્પીના નિર્દેશનમાં બનેલી સુપરહિટ ફિલ્મ ‘શક્તિ’માં દિલીપકુમાર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

amitabh bachchan dilip kumar kaun banega crorepati indian cinema indian films entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood