કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે ગુરદ્વારામાં બે કરોડનું દાન કર્યું અમિતાભ બચ્ચને

11 May, 2021 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હોવાથી બિગ બીએ પોતાના દ્વારા કરવામાં મદદની વિગત જાહેર કરી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને કોરોનામાં લોકોની મદદ માટે બે કરોડ રૂપિયાનું દાન કર્યું છે. રોહિત શેટ્ટીએ હાલમાં જ દિલ્હીમાં ગુરુ તેગબહાદુર કોવિડ સેન્ટરમાં ૨૫૦ હૉસ્પિટલ બેડની મદદ કરી છે. તેના બાદ અમિતાભ બચ્ચને પણ સિખ કમ્યુનિટી દ્વારા કરવામાં આવી રહેલી મદદ જોઈને તેમના દ્વારા લોકોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. જોકે તેઓ આ મદદ વિશે લોકો સમક્ષ જણાવવા નહોતા માગતા, પરંતુ તેમને અને તેમની ફૅમિલીને લોકો દ્વારા સોશ્યલ મીડિયા પર સતત ગાળો આપવામાં આવતી હતી. લોકો તેમને કહી રહ્યા હતા કે તેઓ મદદ કેમ નથી કરી રહ્યા. આ વિશે સાંભળીને અમિતાભ બચ્ચને બ્લૉગ પર તમામ માહિતી આપી હતી. આ વિશે જણાવીને પણ તેમને શરમ આવી રહી હતી, પરંતુ સોશ્યલ મીડિયા પર લોકોને ચૂપ રાખવા માટે આ જણાવવું તેમના માટે જરૂરી હતું. તેમણે અત્યાર સુધી ૧૫૦૦ ખેડૂતોની બૅન્ક લોન ચૂક્વીને તેમને સુસાઇડ કરતા બચાવ્યા છે.

તેમણે ગયા વર્ષે ઇન્ડિયામાં ચાર લાખ લોકોને એક મહિના સુધી ભોજન પૂરું પાડ્યું હતું જેમાંથી પાંચ હજાર મુંબઈના હતા. તેમણે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે માસ્ક, પી.પી.ઈ. યુનિટ જેવી વગેરે મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે ૩૦ બસ બુક કરી હતી જેમાં ઓવરનાઇટ ટ્રાવેલ માટે ભોજન અને પાણી આપવામાં આવ્યું હતું. તેમ જ જેમની પાસે પગમાં પહેરવા કંઈ નહોતું તેમને એની સહાય પણ કરવામાં આવી હતી. ૨૮૦૦ લોકોને મુંબઈથી ઉત્તર પ્રદેશ મોકલવા માટે તેમણે ટ્રેન પણ બુક કરી હતી.

જોકે ઉત્તર પ્રદેશની સરકારે ટ્રેનને આવવા માટે પરવાનગી ન આપતાં તેમણે તરત ત્રણ ઇન્ડિગો ફ્લાઇટ બુક કરી હતી. દરેકમાં ૧૮૦ પૅસેન્જરને મોકલવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ દ્વારા તેમણે લોકોને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર મોકલ્યા હતા. તેમણે બીએમસીને ૨૦ વેન્ટિલેટર્સની મદદ કરી છે. તેમ જ દિલ્હી સિખ ગુરદ્વારા મૅનેજમેન્ટ કમિટી દ્વારા રકાબગંજ સાહિબ ગુરદ્વારામાં શરૂ કરવામાં આવેલી કોવિડ ફૅસિલિટીમાં પણ દાન કર્યું છે. આ સાથે જ મા-બાપને ખોનાર બે બાળકોની દસમા ધોરણ સુધીના અભ્યાસની તમામ જવાબદારી તેમણે ઉઠાવી છે.

coronavirus covid19 bollywood bollywood news amitabh bachchan