લોકો મહામારીનો સામનો કરી રહ્યા હોવાથી ઇન્સ્ટાગ્રામ પરથી બ્રેક લીધો અમિત સાધે

09 April, 2021 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે તેના ફોટો, રીલ્સ અને પોસ્ટ આ સમયે લોકોને એન્ટરટેઇન નહીં કરી શકે એથી તે ઑફલાઇન થયો છે અને લોકોને કાળજી રાખવી વિનંતી કરી છે

અમિત સાધ

અમિત સાધે સોશ્યલ મીડિયાને થોડા સમય માટે બાય બાય કહ્યું છે. સોશ્યલ મીડિયાને હાલપૂરતી બ્રેક લગાવવાનું કારણ એ છે કે દેશ હાલમાં ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શૅર કરીને અમિત સાધે લખ્યું હતું કે ‘હું ઑફલાઇન જઈ રહ્યો છું. વર્તમાનમાં ઘટી રહેલી ઘટનાઓએ મને વિચારવા માટે વિવશ કર્યો છે કે મારે મારા ફોટો અને રીલ્સ શૅર કરવા જોઈએ કે નહીં. ખાસ કરીને તો ત્યારે જ્યારે મુંબઈ શહેર અને આખા રાજ્યમાં કોવિડને લઈને સખત નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આખો દેશ કપરા સમયનો સામનો કરી રહ્યો છે. મારું માનવું છે કે મારી પોસ્ટ અને મારા જિમ સેશન્સની રીલ્સની સાથે કેટલીક વસ્તુઓને હું પોસ્ટ કરીશ તો એનાથી લોકોનું દુઃખ કંઈ ઘટશે નહીં અને કોઈને મનોરંજન નહીં આપી શકે. હું કોઈની ટીકા નથી કરી રહ્યો. જોકે પર્સનલી મને એમ લાગે છે કે વર્તમાન સમયમાં સમજદાર બનીને લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ અને આશા જગાવવી જોઈએ. એવા લોકોની મદદ કરવી જોઈએ જેમને ખૂબ ઓછો પગાર મળે છે. જેમના પગાર માત્ર બે કે ત્રણ ઝીરોવાળો છે. રોજનું કમાઈને ખાતા મજૂરોની સ્થિતિ ખૂબ ખરાબ છે, તેમની મદદ કરવી જોઈએ. જીવન ચાલતું રહેવાનું છે. આ મહામારી છે. મારા તરફથી જે પણ અપેક્ષા રાખવામાં આવશે હું એ કરીશ, જેમ કે હું પોતે તો સાવધ રહીશ, પરંતુ લોકોને પણ અપીલ કરુ છું.’

આ વિશે વધુ જણાવતાં અમિત સાધે કહ્યું હતું કે ‘આશા રાખું છું કે સ્થિતિ સામાન્ય થઈ જશે અને હું ફરીથી પાગલપંતી કરવા લાગીશ. મારા ફૅન્સ માટે ખાસ કહેવા માગું છું કે હું કોઈના પર દબાણ નથી નાખવા માગતો. તમે બધા જાણો છો હું એવું નથી કરતો. તમને જ્યારે કોઈ વિષય પર ચર્ચા કરવી હોય તો હંમેશની જેમ મને મેસેજ કરજો. હું અહીં જ છું. માત્ર ક્વોટ્સ, ફોટો અને રીલ્સ પોસ્ટ નહીં કરું. મારી વૈભવી લાઇફ દેખાડવાનો આ સમય નથી. તમે લોકો મારા માટે દુનિયા સમાન છો. જે લોકો પણ આ વાંચી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે લાપરવા ન બનો, પ્રશાસનની વાત માનો, સાયન્સનું સાંભળો અને એકબીજાની કાળજી રાખો. જો તમારા અકાઉન્ટમાં થોડા વધારે પૈસા હોય તો જરૂરતમંદ લોકોની મદદ કરો, તેમને સમયસર સૅલેરી આપો. આપણો દેશ આવી રીતે રહેશે તો નુકસાન થશે. સારા બનો અને સલામત રહો.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips amit sadh