અક્ષયકુમાર, ‘કુછ જમા નહીં બૉસ’

04 June, 2022 02:29 PM IST  |  Mumbai | Harsh Desai

સમ્રાટ પૃથ્વીરાજની બહાદુરી કરતાં વધુ મહિલા સશક્તીકરણ પર ફિલ્મ હોય એવું લાગે છેઃ અક્ષયકુમાર આ પાત્રમાં જામતો નથી, જ્યારે પણ કમર પર હાથ રાખીને ઊભો હોય છે ત્યારે ‘રાજુ’ જ યાદ આવે છે

અક્ષયકુમાર, ‘કુછ જમા નહીં બૉસ’

સમ્રાટ પૃથ્વીરાજ 

કાસ્ટ : અક્ષયકુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ, સંજય દત્ત, માનવ વીજ, સાક્ષી તનવર, આશુતોષ રાણા
ડિરેક્ટર : ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી
  
લૉન્ગ શૉટ્સથી રાજાનો કિલ્લો દેખાડવામાં આવી રહ્યો હોય, રણભૂમિમાં યોદ્ધાઓ બાણના વરસાદ વચ્ચે પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યા હોય, અતિસુંદર કુંવરી (પ્રિન્સેસ) એક યોદ્ધાને દિલ-ઓ-દિમાગથી ચાહતી હોય - આ કોઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મની વાત નથી થઈ રહી. ગઈ કાલે રિલીઝ થયેલી અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની વાત કરવામાં આવી રહી છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી પહેલી હિસ્ટોરિકલ ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. આ સ્ટોરીનો સ્ક્રીનપ્લે પણ તેમણે જ લખ્યો છે.
સ્ટોરી ટાઇમ
આ ફિલ્મમાં બારમી સદીની વાત કરવામાં આવી છે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી અને તેમની લાઇફ પર આધારિત આ ફિલ્મમાં તમનું પાત્ર અક્ષયકુમારે ભજવ્યું છે. સમ્રાટ પૃથ્વીરાજ હંમેશાં ધર્મને પ્રથમ રાખતા હોય છે અને ધર્મ માટે મરી ફીટવા પણ તૈયાર હોય છે. લાઇફનો કોઈ પણ નિર્ણય તેઓ ધર્મને ધ્યાનમાં રાખીને લે છે. એ દરમ્યાન તેમને એક પણ વાર જોયા વગર તેમને પોતાનું સર્વસ્વ માનનાર સંયોગિતા (માનુષી છિલ્લર) તેમની સાથે લગ્ન કરવા માટે પિતાની વિરુદ્ધ જાય છે. બીજી તરફ સંયોગિતાના પિતા રાજા જયસિંહ તેમના જમાઈ વિરુદ્ધ પ્લાનિંગ-પ્લૉટિંગ કરે છે. આ તમામ વાત વચ્ચે મુહમ્મદ ઘોરીની વાત પણ કરવામાં આવી છે. મુહમ્મદ ઘોરીને પહેલી વારમાં જ સમ્ર્રાટ પૃથ્વીરાજ હરાવી દે છે. જોકે તેને માનપૂર્વક ઘોડા, તલવાર અને ઝવેરાત આપીને છોડી મૂકવામાં આવે છે, પણ તે ફરી બદલો લેવા આવે છે અને ફરી હારી જવાનો ડર હોવાથી છળકપટ કરે છે.
સ્ટોરી અને ડિરેક્શન
સમ્રાટ પૃથ્વીરાજની લાઇફ પર ઘણી થિયરી છે, પરંતુ ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ચંદ બરદાઈના કાવ્ય ‘પૃથ્વીરાજ રાસૌ’ પરથી ફિલ્મ બનાવી છે. ઘણા ઇતિહાસકારોનું કહેવું છે કે ‘પૃથ્વીરાજ રાસૌ’ એકદમ ઍક્યુરેટ નથી, પરંતુ એમ છતાં એના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં પૃથ્વીરાજની બહાદુરી અને ધર્મની લડાઈ કરતાં મહિલા સશક્તીકરણના બોધપાઠ વધુ છે અને એ પણ બારમી સદીમાં, બોલો. આ એ સમયની વાત છે જ્યારે રાજાઓ માટે રાણી કોઈ મોટી વાત નહોતી. તેઓ એકસાથે ઘણી રાણીઓ રાખતા હતા અને એ રાણીઓને દરબારમાં બેસવાની છૂટ પણ નહોતી એ સમયની આ વાત છે. જોકે પૃથ્વીરાજ ચૌહાણે તેમના દરબારમાં મહિલાને એટલે કે સંયોગિતાને બેસવાની છૂટ આપી હતી. આ સાથે જ એવી ઘણી બાબતો છે જે ફિલ્મનું ફોકસ હટાવી દે છે. સમ્રાટ પૃથ્વીરાજના જીવન પરથી ફિલ્મ બની છે, પરંતુ તેમના બાળપણ વિશે નામ પૂરતી જ જાણકારી છે. ‘ચાણક્ય’ જેવા શો ડિરેક્ટ કરનાર ડૉક્ટરસાહેબની કારીગરી આ ફિલ્મના ડિરેક્શનમાં જોવા નથી મળી. પ્રાઇવેટ હૉસ્પિટલનો ચાર્જ હોવા છતાં સરકારી હૉસ્પિટલ જેવી ટ્રીટમેન્ટ મળી છે. તેઓ પહેલાં સની દેઓલ અને ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ફિલ્મ બનાવવા માગતા હતા, પણ બજેટ વધુ હોવાથી લોકોને થિયેટર્સમાં ખેંચી લાવવા માટે અક્ષયકુમારને પસંદ કરવામાં આવ્યો હતો, પણ ફિલ્મ જોયા બાદ સની દેઓલને પસંદ કરવામાં આવ્યો હોત તો વધુ સારું થાત એવું લાગે છે. તેમની પાસે ઘણું રિસર્ચ હતું એવું કહેવામાં આવ્યું છે, પરંતુ એ રિસર્ચને સ્ક્રીનપ્લે પર સારી રીતે દેખાડી નથી શકાયું. સમ્રાટ પૃથ્વીરાજની વાત હોય ત્યાં પણ તેમની બહાદુરીની વાત તો નામ પૂરતી જ કરવામાં આવી છે. તેમનું બૅકગ્રાઉન્ડ, તેમના દિમાગમાં શું ચાલે છે, તેમની રાજનીતિ કેવી હતી, તેમનું યુદ્ધકૌશલ જેવી વાતોને નજરઅંદાજ કરવામાં આવી છે તેમ જ સંયોગિતા અને પૃથ્વીરાજ વચ્ચેનો પ્રેમ પણ એટલો વાસ્તવિક નથી લાગતો જેટલો રિયલમાં હોત. ટૂંકમાં કહીએ તો તેમના પ્રેમને ન્યાય નથી આપી શક્યા.
પર્ફોર્મન્સ
અક્ષયકુમારને આ પાત્રમાં જોવો થોડો વિચિત્ર લાગે છે. ફિલ્મની શરૂઆતથી જ ઘણાં દૃશ્યો એવાં છે જેમાં તેના કૉમિક કૅરૅક્ટરની જ યાદ આવે છે. ઉદાહરણ તરીકે પૃથ્વીરાજ જ્યારે કમર પર હાથ રાખીને ઊભા હોય છે ત્યારે રાજુનું પાત્ર યાદ આવે છે તેમ જ ડાન્સનાં ઘણાં દૃશ્યોમાં પણ તે જોવો નથી ગમતો. તેના ડાયલૉગ પણ એટલા દમદાર નથી લાગતા. સમ્રાટ જેવી વાત તેની ડાયલૉગ-ડિલિવરીમાં નથી. સની દેઓલ જે રીતે ડાયલૉગ બોલી શક્યો હોત એ આ સમ્રાટ નથી બોલી શક્યો. જોકે અક્ષયકુમારે તેનાથી બનતી તમામ કોશિશ જરૂર કરી છે, પરંતુ આ પાત્રને જરૂરી એનર્જી નથી મળી શકી. માનુષી આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહી છે, પરંતુ તેની પાસે પણ એટલું ખાસ કામ નથી લેવાયું. ફિલ્મનો કલરટોન જાળવી રાખીને એને સુંદર બનાવવાની કોશિશ જરૂર કરી છે, પણ પાત્ર દ્વારા ફિલ્મમાં જે ખૂબસૂરતી આવવી જોઈએ એ નથી આવી શકી. સંયોગિતા પણ તેના હક માટે લડતી જોવા મળે છે અને પિતાને ધોકો આપે છે. ફિલ્મમાં નારીશક્તિની વાત કરવામાં આવી છે અને તેઓ પણ પોતાને યોદ્ધા માને છે, પરંતુ અંતે તે પણ જૌહર કરે છે એ વાત થોડી વિચિત્ર લાગે છે. સોનુ સૂદે ચંદ બરદાઈનું પાત્ર ભજવ્યું છે. તે બાળપણથી તેના મિત્ર અને રાજા પૃથ્વીરાજ સાથે હોય છે અને મૃત્યુ સુધી તેમની સાથે રહેવાનું પસંદ કરે છે. જોકે સોનુ સૂદને આવા સાઇડ કૅરૅક્ટરમાં જોવાની મજા નથી આવતી. જોકે તે પોતે પણ સમ્રાટ પૃથ્વીરાજનું પાત્ર ભજવવાને સક્ષમ છે. તેના પાત્રને પણ એટલું ખાસ બનાવવામાં નથી આવ્યુ. સંજય દત્તે કાકાનું પાત્ર ભજવ્યું છે. તેમણે પ્રતિજ્ઞા લીધી હોય છે કે કોઈ પણ વ્યક્તિ સમ્રાટ સામે મૂછોને તાવ આપતો દેખાશે તો તેને હું મોતને ઘાટ ઉતારી દઈશ. આથી પૃથ્વીરાજે તેમને હંમેશાં આંખ પર પટ્ટી બાંધી રાખવાની સજા આપી છે. જોકે તેઓ જ્યારે પત્ની સાથે પ્રેમ કરી રહ્યા હોય કે યુદ્ધમાં હોય ત્યારે પટ્ટી ઉતારી શકે છે એની તેમને છૂટ આપી છે. તે ક્યારે પટ્ટી ઉતારે છે એની જ રાહ જોવાતી હોય છે અને તે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે મજા આવે છે અને કૉમેડી સર્જાય છે. ફિલ્મમાં કોઈ સૉલિડ પાત્ર હોય તો એ છે સાક્ષી તનવરનું. તેનું પાત્ર નાનું અને નામ પૂરતું છે, પરંતુ ઘણું મહત્ત્વનું છે. તેણે એક રાણી અને એક કુંવરીની મમ્મી હોવાની તેની ડ્યુટી ખૂબ સારી રીતે નિભાવી છે અને એ સ્ક્રીન પર જોઈ શકાય છે. આશુતોષ રાણાએ પણ સારું કામ કર્યું છે. મુહમ્મદ ઘોરીનું પાત્ર ભજવનાર માનવ વીજને એક પણ એવું પાત્ર આપવામાં નથી આવ્યું જેનાથી તે આક્રમક સુલતાન હોય એવું લાગે. જોકે તેણે બૉલીવુડમાં સુલતાનોને જે રીતે દેખાડવામાં આવે છે એમાંથી ફ્રેશ બ્રેક લીધો છે અને એ રીફ્રેશિંગ છે. જોકે તેની પાસે ખૂબ ઓછો સ્કોપ હતો.
મ્યુઝિક
સંચિત અને અંકિત બલ્હારાએ આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યું છે. તેમની પાસે એક્સપરિમેન્ટ કરવા માટે ભરપૂર ચાન્સ હતા છતાં તેમણે એક જૂનીપુરાણી પૅટર્ન પકડી રાખી છે. એ. આર. રહમાનનું ‘જોધા અક્બર’ જેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આ ફિલ્મમાં હોત તો એનાથી ફિલ્મમાં ઘણો ફરક પડ્યો હોત. શંકર-અહેસાન-લૉયનાં ગીતો પણ એટલાં ખાસ નથી. ફિલ્મમાં એક પણ ગીત એવું નથી જેને ફરી સાંભળવાની ઇચ્છા થાય, પછી એમાં ભલેને અરિજિત સિંહનો અવાજ કેમ ન હોય.
આખરી સલામ
ભલે, અમિત શાહ અને યોગી આદિત્યનાથે આ ફિલ્મ જોઈને એનાં વખાણ કર્યાં હોય, પરંતુ દીખાવે પે મત જાઓ, અપની અકલ લગાઓ.

harsh desai bollywood news bollywood bollywood gossips entertainment news akshay kumar