16 August, 2026 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગનને તેના જુહુના બંગલાનું દર મહિને મળશે ૧૬ લાખ રૂપિયા ભાડું
અજય દેવગન અને તેની મમ્મી વીણા દેવગને જુહુમાં આવેલો એક બંગલો ભાડે આપ્યો છે જેનું શરૂઆતનું માસિક ભાડું ૧૬ લાખ રૂપિયા છે. લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ સત્તાવાર રીતે ઑગસ્ટમાં રજિસ્ટર કરવામાં આવ્યું હતું. આ દસ્તાવેજ પ્રમાણે અજય દેવગન અને વીણા દેવગને જુહુની કપોળ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આવેલો એક બંગલો ભાડે આપ્યો છે. આ રેન્ટલ એગ્રીમેન્ટમાં ૪૮ લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સામેલ છે. બંગલાનો બિલ્ટ-અપ એરિયા ૭,૮૦૩ સ્ક્વેર ફુટ છે.
દસ્તાવેજ પ્રમાણે આ લીઝનો સમયગાળો ૬૦ મહિના એટલે કે પાંચ વર્ષનો છે. પહેલા વર્ષમાં માસિક ભાડું ૧૬ લાખ રૂપિયા રહેશે અને દર વર્ષે એમાં પાંચ ટકાનો વધારો થશે. આ રીતે પાંચમા વર્ષે માસિક ભાડું વધીને લગભગ ૧૯.૪૫ લાખ રૂપિયા થઈ જશે. સમગ્ર લીઝ સમયગાળા દરમ્યાન કુલ રેન્ટલ વૅલ્યુ અંદાજે ૧૦.૬૧ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે.