પશ્ચિમ બંગાળ ચૂંટણી વિશે વિવાદિત પોસ્ટ કરતા કંગના રનોટનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ

04 May, 2021 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ આવ્યાં બાદ અભિનેત્રીએ વીડિયો પોસ્ટ કર્યો હતો અને રડતાં રડતાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી હતી

કંગના રનોટની ફાઈલ તસવીર

ટ્વિટર પર સતત વિવાદિત પોસ્ટ કરીને ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)નું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અભિનેત્રિએ આ પ્લેટફોર્મનાં નિયમોનું ઉલ્લંધન કરતા અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ અભિનેત્રીએ કેટલાક વિવાદિત પોસ્ટ કર્યા છે. જે પછી અભિનેત્રી પર કેસ પણ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અભિનેત્રી ટ્વિટર પર કંગના રનોટે અનેક વિવાદિત પોસ્ટ કર્યા હતા. જેને લઇને તેની સામે  કેસ નોંધાયો છે. વિવાદિત પોસ્ટ બાદ કોલકાતા પોલીસે કંગના વિરુદ્ધ પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં ફરિયાદ કરી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલના માધ્યમથી કોલકત્તા પોલીસ કમિશ્નર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના મેલમાં કંગનાના પોસ્ટની ત્રણ લિંક્સ પણ શૅર કરી હતી. સુમીત ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે કંગનાએ બંગાળના લોકોનું અપમાન કર્યું છે.

ટ્વિટર પર શૅર કરવામાં આવેલા છેલ્લાં વીડિયોમાં કંગના રનોટ રડતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું, ‘મિત્રો, આપણે બધા જોઈ રહ્યાં છીએ કે બંગાળથી સૌથી ડિસ્ટર્બ કરનારા સમાચાર આવી રહ્યાં છે. વીડિયો તથા ફોટોઝ આવે છે. લોકોની હત્યા થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે. ઘરોને સળગાવવામાં આવી રહ્યાં છે અને એક પણ લિબરલ કંઈ બોલતા નથા.` કંગનાએ દાવો કર્યો હતો કે કોઈ પણ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ આને કવર કરતું નથી. તેણે કહ્યું હતું, `ખબર નથી પડતી કે તેમની ભારત માટે શું કોન્સપિરેસી છે? તે આપણી સાથે શું કરવા માગે છે. હિંદુ એટલા સસ્તા છે કે કોઈ પણ બહુ જ મોટી કોન્સપિરેસીનો આપણે શિકાર થઈ જઈએ’.

આ પહેલા પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ અભિનેત્રીએ એક પોસ્ટમાં કહ્યું હતું, ‘પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે હિંદુ ત્યાં બહુમતીમાં નથી. ડેટા પ્રમાણે, બંગાળી મુસ્લિમ ઘણાં જ ગરીબ તથા વંચિત છે. સારું છે કે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે’.

કંગના રનોટે અનેક વિવાદિત પોસ્ટ કર્યા હતા. એક ટ્વીટમાં તેને લખ્યું હતું કે, ‘આ ભયાનક છે. આપણે ગુંડાઈને મારવા માટે સુપર ગુંડાઈની જરૂર છે. તે એક રાક્ષસની જેમ છે. મોદીજી તેમને વશમાં કરવા માટે મહેરબાની કરીને પોતાનું વર્ષ 2000 વાળું વિરાટ રૂપ બતાવો’.

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut twitter