અનીસ બઝ્મીઃ આજે પ્રોફેશનલિઝમ વધ્યું પણ આઉટડોર શૂટ્સ પર પરિવાર જેવી ફીલિંગ નથી આવતી

27 June, 2022 06:32 PM IST  |  Mumbai | Chirantana Bhatt

કૉમેડી ફિલ્મો બનાવવામાં અનીસ બઝ્મીને કોઇ ન પહોંચી વળે. કૉમેડી કોઇની નેચરલ ટેલેન્ટ હોય અથવા તો તે વ્યક્તિએ જીવનમાં એટલી પીડા જોઇ હોય કે એક વખત પછી કૉમેડીનો આશરો લેવું સ્વભાવિક બની જાય

અનીસ બઝ્મી - તસવીર સૌજન્ય - પીઆર

ભૂલભુલૈયા 2ના દિગ્દર્શક અનીસ બઝ્મી માટે આ ફિલ્મ બનાવવી એક અનોખો પડકાર હતો. ભૂલભુલૈયા2 ફિલ્મે બૉક્સઑફિસ પર સફળ થઇ છે અને હવે તે ઓટીટી પર પણ દર્શકો જોઇ શકશે. ફિલ્મની સફળતા અને તે બનાવવામાં આવેલા પડકારો અંગે અનીસ બઝ્મીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી.

તેમણે કહ્યું કે, “આ ફિલ્મ બનાવવાની વાત થઇ ત્યારે મારે ખાસ્સો વિચાર કરવો પડ્યો હતો. એક કેલ્ક્યુલેટિવ રિસ્ક હતું અને અક્ષય કુમારની જેવા મોટા સ્ટારની સામે મારે તેમની સરખામણીએ નવા કહી શકાય તેવા કાર્તિક આર્યન સાથે કામ કરવાનું હતું. મને તેનું કામ ગમ્યું હતું અને તેણે બહુ સારી રીતે પોતાનો રોલ ભજવ્યો.” પહેલી ભૂલભુલૈયા સાથે સરખામણી થવાની વાત અંગે તેમણે કહ્યું, “પહેલી ફિલ્મ સાયકોલૉજિકલ થ્રિલર હતી અને મેં નક્કી કર્યું હતું કે મારે તેનાથી અલગ ફિલ્મ જ બનાવવી છે. કૉમેડી મારું કમ્ફર્ટ ઝોન છે અને મેં હોરર કૉમેડી બનાવવાનું જ નક્કી કર્યું હતું. ફિલ્મનો માહોલ પહેલી ફિલ્મને મળતો જ આવે છે પણ તેનું હાર્દ હોરર છે. લોકોએ ફિલ્મને બહુ જ સારો પ્રતિભાવ આપ્યો છે.”

અનીસ બઝ્મીનું ગુજરાત કનેક્શન એ છે કે તેમનું વતન મોડાસા છે. ગુજરાતી ભાષા સાથેની કડી અંગે તેમને પુછતાં તે કહે છે, “તમે માનશો કે મારાં પત્નીને હું મળ્યો પછી હું ગુજરાતી બોલવા માંડ્યો, પહેલાં મને ગુજરાતી ભાષા ન આવડતી. લગ્ન તો માતા-પિતાએ જ નક્કી કર્યા હતા અને આજે 30 વર્ષ થયા અમારા સંગાથને, તે મારે માટે હિંદી બોલતા શીખી અને હું ગુજરાતી શીખ્યો – આજે પણ ભાષામાં પાવરધો છું એવું તો નહી કહું પણ મારી પત્ની જે કહે તે સમજી શકુ છું.” પોતાના માતા-પિતાની વાત નિકળતા તેમણે યાદ કર્યું કે એક સમયે જ્યારે તે મોડી રાત સુધી લખતા રહેતા ત્યારે તેમનાં માં તેમને માટે ચ્હા મુકવા ખાસ જાગતાં અને પોતે તેમને આમ ઉજાગરા કરવા માટે ટોકતા. પોતે આજે જે પણ છે તે તેમના જીવનની આ બે મહત્વની સ્ત્રીઓ – માતા અને પત્નીને કારણે જ છે તેવું તેમણે ખાસ કહ્યું.

કૉમેડી ફિલ્મો બનાવવામાં અનીસ બઝ્મીને કોઇ ન પહોંચી વળે. કૉમેડી કોઇની નેચરલ ટેલેન્ટ હોય અથવા તો તે વ્યક્તિએ જીવનમાં એટલી પીડા જોઇ હોય કે એક વખત પછી કૉમેડીનો આશરો લેવું સ્વભાવિક બની જાય. આ વિશે વાત છેડતાં તેમણે કહ્યું, “જેણે પારાવાર પીડા જોઇ હોય તેને કૉમેડી કરવાનો, કહેવાનો પુરો અધિકાર હોય અને તે જ કૉમેડી પરફેક્ટલી કરી શકે. મારી સ્ટ્રગલ તો બહુ લાંબી રહી છે, ઘણીવાર તો બપોરે જમ્યા હોઇએ તો સાંજે શું થશે તેની ખબર ન હોય. ત્યારે મારો એક મિત્ર હતો, શાહિદ એનું નામ – હું અને મારો એક બીજો દોસ્તાર એની પાસે જતા અને તેને કહેતા કે અમે તેની કવિતાઓ સાંભળવા આવ્યા છીએ. તે કવિતાઓ કહેતો જાય અને પછી અમે તેને વાત વાતમાં કહીએ કે કવિતા સંભળાવે છે ક્યારનો પણ હવે કંઇ જમાડી પણ દે દોસ્ત.”

સંઘર્ષની વાત પણ હસતા હસતા કહી દેતા અનીસ બઝ્મી કહે છે કે પોતે એક સાથે ત્રણ-ચાર પ્રોજેક્ટ પર કામ કરતા હોય છે, એમાંથી કોઇ એક સ્ક્રીપ્ટનું કૉલિંગ જ એવું હોય કે એ જ ફિલ્મ પહેલા બને. હાલમાં તે નો એન્ટ્રીની સિક્વલ પર પણ કામ કરી રહ્યા છે અને તેના રશીઝ બધાંને ગમ્યાં છે. તેમણે પોતાના ફેન્સ માટે ખાસ સંદેશો એમ આપ્યો કે, “મારી ફિલ્મો વચ્ચે હવે લાંબો ગૅપ નહીં રહે તે ચોક્કસ. અજય દેવગન સાથે કરેલી સાયકૉલૉજિકલ થ્રિલર દિવાનગી જેવી ફિલ્મ ફરી બનાવવાનો વિચાર છે કારણકે અજયને પણ એવા પ્રોજેક્ટમાં રસ છે, જો કે કૉમેડી બનાવવી મારે માટે સરળ છે, દિવાનગી જેવી ફિલ્મ બનાવવાની હોય તો મારે નકારાત્મક ડાર્ક ઝોનમાં મારી જાતને વિચારતી કરવી પડે, એ દિશામાં પણ વિચારીશ.”

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તનો જેમણે નજીકથી નિહાળ્યા છે તેવા અનીસ બઝ્મી કહે છે, “ટૅક્નૉલૉજી વગેરેની દ્રષ્ટીએ તો બધું બહુ સરસ થઇ ગયું છે, મને એક વાત ખૂંચે છે. પહેલાં આઉટડોર શૂટ્સ થતાં તો કામ પતે પછી બધાં ભેગા એક પરિવારની જેમ એકબીજાની કંપની માણતા, હવે બધા પોત પોતા રૂમમાં અને ફોનમા બિઝી થઇ જાય છે. બધાંને પોતાની સ્પેસની બહુ પરવા હોય છે. એક મહિનાના શૂટિંગ બાદ પણ તમને ક્રુ મેમ્બર્સ કલાકારો સાથે તાદાત્મ્ય ન લાગે, બધાં અજાણ્યા લાગે. ફિલ્મ બનવાની જર્ની બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હો પ્રોફેશનલિઝમ બહુ વધી ગયું છે અને તે ખરેખર વખાણવા લાયક છે. એક્ટર્સ પણ હવે સમય પર આવતા થઇ ગયા છે, ટેક્નિકલી બધું સુપર્બ છે અને કામમાં સરળતા વધી છે.”

anees bazmee bhool bhulaiyaa kartik aaryan entertainment news bollywood news