પ્રેમ અને હૂંફ માગવા કરતાં આપતાં જઈએ તો?

11 September, 2019 09:11 AM IST  |  | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

પ્રેમ અને હૂંફ માગવા કરતાં આપતાં જઈએ તો?

બે વ્યક્તિઓ વચ્ચેનો સૌથી મોટો દુશ્મન ઈગો એટલે કે અહંકાર છે. દિવસ દરમિયાન કેટલી ફાલતુ બાબતોમાં આપણે સમય બરબાદ કરીએ છીએ એના પર ધ્યાન આપ્યું છે? તેં મને ફોન કેમ ન કર્યો? મારા મેસેજનો રિપ્લાય કેમ ન કર્યો? મિસ્ડ કૉલ જોઈને કૉલ બૅક કેમ ન કર્યો? આવા સવાલો પૂછી આપણે સામેવાળાની સાથે આપણી જાત માટે પણ સ્ટ્રેસ ઊભું કરીએ છીએ. 

સામેવાળી વ્યક્તિએ ફોન કે રિપ્લાય ન કર્યો તો તમે કરી લો ને ફરીથી એમાં ક્યાં નીચા થઈ જવાના છો? સાવ સામાન્ય લાગતી આ બાબતો ક્યારે મોટું સ્વરૂપ લઈ લે એ કહેવાય નહીં. ગણતરીઓ કરવાથી સંબંધ હંમેશાં નુકસાનીમાં રહે છે અને આપણા વિચારોમાં નેગેટિવિટીનું પ્રમાણ એટલું ઍક્ટિવ થઈ જાય કે ન પૂછો વાત. એમ પણ ન કહી શકાય કે દરેક કિસ્સામાં સામેવાળી વ્યક્તિ કામમાં હતી એટલે કૉલ બૅક ન કરી શકે. એવાય ઘણા દાખલાઓ છે જેમાં બીજી વ્યક્તિ અવૉઇડ કરતી હોય એટલે જાણી જોઈને જવાબ ન આપે. જ્યારે આવું ફીલ થાય ત્યારે જાતને પહેલાં સવાલો પૂછી લેવાના. શું ખરેખર સામેવાળી વ્યક્તિ પર ભરોસો મુકાય એમ નથી? શું તે મને હર્ટ કરી શકે એવી વ્યક્તિ છે? મને છેતરી શકે એવી વ્યક્તિ છે? શું ખરેખર તે મને અવૉઇડ કરે છે?

જ્યારે સામેથી રિપ્લાય કે રિસ્પૉન્સ ન મળતો હોય ત્યારે સૌથી પહેલાં તો જાતને અલર્ટ કરવી જોઈએ. આપણે સામેની વ્યક્તિને સંભળાવવા તૂટી પડીએ એ પહેલાં જાત સાથે જરા ગોષ્ઠિ કરી લેવાની. મન શાંત રાખવાનો પ્રયત્ન તો કરી જ શકાય. ઘણી વાર આપણે આવેશમાં આવી બીજી વ્યક્તિની પરિસ્થિતિ, સંજોગો સમજ્યા વિના તેને કેટકેટલું સંભળાવી દઈએ છીએ. હકીકતમાં એ વ્યક્તિ ખરેખર ક્યાંક અટવાયેલી હોય એવું પણ બને. અને એવું પણ બને કે એ પછી કૉલ બૅક કરવાનું કે રિપ્લાય કરવાનું ભૂલી ગઈ હોય. આપણે બધા જ મલ્ટિટાસ્કિંગ થઈ ગયા છીએ. એક પછી એક કામ સતત ચાલુ જ હોય છે. એવામાં ઘણી વાર એક એવી દુનિયા જ્યાંથી પ્રેમ અને હૂંફ મળે છે એ વિસરાઈ જતી હોય છે. અને ઘરે પાછા ફરતાં આપણે એ હૂંફમાં સમેટાઈ જવા માગીએ છીએ, પણ ત્યાં પહોંચતાં માત્ર ફરિયાદો જ મળે છે.

આ પણ વાંચો: મન થોડા બાવરા હૈ 

બે વ્યક્તિઓને એકબીજાથી જો કોઈ અલગ કરી શકતું હોય તો એ છે અહંકાર અને બે વ્યક્તિઓને એકબીજાની સાથે જો કોઈ જોડી રાખતું હોય તો એ છે લાગણી. જ્યાં લાગણી છે ત્યાં બીજાને છેતરવાની કે હર્ટ કરવાની ભાવના નથી. ત્યાં ભરોસો છે. સધિયારો છે.આમ પણ સંબંધ ક્યારેય પૂર્ણ નથી હોતો, પરિવર્તનશીલ હોય છે. સંબંધમાં નારાજગી, ગુસ્સો, અબોલા બધું થયા કરે; પણ એને આપણે ક્યાં સુધી ખેંચ્યા કરીએ છીએ, ક્યાં સુધી એ પકડીને બેસીએ છીએ એ પરથી સંબંધની સચ્ચાઈ નક્કી થાય. ભૂલ થયા પછી બીજી વ્યક્તિ સૉરી કહી દે, માફી માગી લે એ પછી જતું કરવાનું હોય. ઘણી વાર એવું પણ બને કે એ વ્યક્તિ મનમાં ને મનમાં ગિલ્ટ ફીલ કરતી હોય, પણ કહી ન શકતી હોય. માફી ન માગી શકતી હોય. એ છતાં નૉર્મલ બિહેવ કરતી હોય તો પછી જૂની વાત ભૂલી આગળ વધી જવું જોઈએ.

સંબંધો પકડવાથી ક્યારેય પકડાતા નથી. સામેની વ્યક્તિના બિહેવિયરને આપણે કન્ટ્રોલ નથી કરતી શકતા કે તેમને આપણી રીતે નુસરવાનું દબાણ નથી કરી શકતા. એવાં દબાણ કદાચ થોડાક સમય સુધી ફૉલો થતાં હોય એ પછી સંબંધ ગૂંગળાઇ જતા હોય છે અને આપણે રિલેશનશિપ સ્ટ્રેસના શિકાર બનીએ છીએ. નાની-નાની વાતે નેગેટિવ થઈ જઈએ, વાંકું પડતું જાય, અપેક્ષા રાખતા થઈ જઈએ અને આપણી રીતે સામેની વ્યક્તિ બિહેવ ન કરે એટલે આપણને સ્ટ્રેસ આવવા લાગે. ખરેખર આવાં સ્ટ્રેસ નકામાં જ હોય છે. સમય બરબાદ કરનારાં.
બે વ્યક્તિની જિંદગીનું સૌથી મોટું સત્ય એટલે બે વ્યક્તિ હંમેશાં ભિન્ન હોય છે. આપણા શોખ મળી શકે, ટેસ્ટ મળી શકે, ગ્રહ મળી શકે, બેઝિક પસંદ-નાપસંદ મળી શકે; પણ સ્વભાવ અને વર્તનની ભિન્નતા ક્યારેય સો ટકા સરખી ન મળી શકે. અહીં આપણી મૅચ્યોરિટી કામ આવે છે. જેમ આપણા ચહેરા, રૂપ, રંગ અલગ હોય છે એમ આપણા સ્વભાવ જુદા હોય છે અને આ જ પરમ સત્ય છે. આ ભિન્ન સ્વભાવ સાથે આપણે કઈ રીતે ડીલ કરીએ છીએ એ જ આપણી ચૅલેન્જ હોય છે.

આ પણ વાંચો: વેદનાઓ ઓગાળીએ

વૉટ્સઍપમાં રિપ્લાય કેમ ન કર્યો એનો કકળાટ એટલે સમયનો સૌથી મોટો વેડફાટ. કોઈ તમારા મેસેજિસના જવાબ આપે છે કે નહીં એ પરથી સંબંધને ચેક ન કરાય. અને એના સિવાય શું બીજું કોઈ કામ નથી આપણી પાસે? શંકા છે તો તરત ફોન કરી પૂછી લેવાનું. શંકા નથી તો સમજદારી દાખવવાની. બાકી જેને છેતરવું જ છે તે તમારા સો પ્રશ્નોનો જવાબ આપશે તો પણ સંતોષકારક નહીં લાગે. અને જ્યાં લાગણી છે ત્યાં આપમેળે કાળજી છતી થાય છે. લાગણી છે ત્યાં ખુલાસાઓ ઓગળી જાય છે.જિંદગીનો દરેક દિવસ, દરેક ક્ષણ ખૂબ સુંદર છે. એને નકામા સવાલો, અપેક્ષા અને ફરિયાદોમાં વેડફવાં નહીં. મનથી જ્યાં ભરોસો મુકાય ત્યાં અવિશ્વાસને સ્થાન આપવું નહીં અને મનથી જ્યાં અવિશ્વાસ આવી ગયો હોય ત્યાં ભરોસો મૂકવામાં તકેદારી રાખવી. સંબંધ સાચવતાં ઉદ્ભવતા સ્ટ્રેસમાંથી કેટલું આપણે જાતે ઊભું કરેલું છે એ જાતને જ પૂછવું પડે.

columnists gujarati mid-day