Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વેદનાઓ ઓગાળીએ

વેદનાઓ ઓગાળીએ

04 September, 2019 03:57 PM IST |
સોશ્યલ સાયન્સ- સેજલ પોન્દા

વેદનાઓ ઓગાળીએ

વેદનાઓ ઓગાળીએ


ભરપૂર જીવવાની એક મજા હોય છે

વેદનાઓ આપોઆપ ઓગળતી જાય છે



-સેજલ પોન્દા 


જીવન મનુષ્યને મળતી અદ્ભુત દેન છે. ઈશ્વરે આપેલા શ્વાસ થકી આપણે જીવીએ છીએ અને ઈશ્વર પરના વિશ્વાસ થકી આપણે તરી જઈએ છીએ. જીવન છે એટલે દુઃખ, તકલીફ, સંતાપ છે. જીવન છે એટલે સુખ, આનંદ, ખુશાલી છે. સવારથી રાત લગી જીવાતું જીવન રુટીન બની જાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે બહુ થાકી ગયા. માણસને કંઈક કર્યાનો કે કંઈક ન કર્યાનો પણ થાક લાગે. માણસનું શરીર રોજની હાડમારીથી થાકી જાય અને માણસનું મન રોજના વિચારોથી થાકી જાય. શરીરનો થાક માણસને સરસ ઊંઘ આપે, પણ મનનો થાક માણસને ઉજાગરા સિવાય કંઈ જ ન આપે.

જીવવું અને ભરપૂર જીવવું એમાં બહુ મોટો ફરક છે. જે નથી એની સાથે જીવવું એ કળા છે. આપણું મન સુખ ભેગું કરવા દોડતું હોય છે. એટલે આપણે ભૂલી જઈએ છીએ કે સુખ ભેગું કરવાથી સુખી ન થવાય, સુખરૂપ જીવવાથી સુખી થવાય. આપણું ખિસ્સું પૈસા કરતાં સુખથી છલકવું જોઈએ. છલકાઈ જવાની લિજ્જત માણતાં આવડે તો જીવન ઉપવન બની જાય. માણસ અભાવમાં સ્મિતનો ભાવ કેળવે તો ભવ સુધરી જાય. સ્કૂલમાં ભૂગોળમાં ઢ હોઈએ તોય મોટા થયા પછી સુખને સ્ક્વેર ફૂટમાં માપતાં થઈ જઈએ. પરિવારના દરેક સભ્યોનો એક જુદો રૂમ હોય. જુદી જુદી સગવડ વચ્ચે દરેક જણ જુદી જુદી જિંદગી જીવતા હોય. જેને આપણે પ્રાઈવસી કહીએ. આવાં અમુક ઘરોમાં પરિવારના સભ્યો માંડ સાથે ભેગા થાય. ક્યાંક તો વળી ગુડમોર્નિંગ ને ગુડનાઈટ કહેવા જેટલો જ સંબંધ હોય. જેટલા રૂમ એટલી બારી, પણ મન સાવ ખાલી. ચારસો સ્ક્વેર ફૂટના ઘરમાં રહેતા માણસના ઘરમાં એક બારીમાંથીય સુખ પ્રવેશી શકે છે. બારી એક ને સભ્યો અનેક. તોય જીવન ભર્યુંભર્યું.


ભરપૂર જીવવા માટે માણસે શું કરવું જોઈએ? બરફને ઓગાળવો હોય તો એને ફ્રિજની બહાર કાઢી એમ ને એમ મૂકી દેવો પડે. એ જ રીતે વેદનાને ઓગાળવી હોય તો એને બાજુ પર મૂકી ભરપુર જીવવાની કળા કેળવવી જોઈએ. દુઃખને પંપાળવાની આદત આપોઆપ છૂટી જશે ને જે મળે એને વધાવવાની આદત આપોઆપ કેળવાતી જશે. મોબાઇલની બેટરી ચાર્જ થાય એટલે ‘અનપ્લગ ચાર્જર’ એવું મોબાઇલમાં લખાઈને આવે અને આપણે ચાર્જરને મોબાઇલથી અનપ્લગ કરી દઈએ. એ જ રીતે મનમાં જ્યારે વેદના ભરાઈ જાય ત્યારે ચહેરા પર દુઃખ ડિસ્પ્લે થવા લાગે ત્યારે સમજી જવું કે હવે વેદનાઓથી અનપ્લગ થવું જ પડશે. ચહેરો આપણે કેવી રીતે જીવીએ છીએ એ બતાવી આપે છે. 

આ પણ વાંચો: મન થોડા બાવરા હૈ

ઘણા લોકો ફરિયાદ કરે છે કે મારી પાસે જીવવાનું કોઈ કારણ નથી. ઈશ્વરે તમને જે જીવન આપ્યું છે જીવવાનું, એ જ મોટું કારણ હોવું જોઈએ. કોઈ આપણને ગિફ્ટ આપે તો આપણે કેવા સાચવીને વાપરીએ છીએ! તો જીવન ઈશ્વરે આપેલી મહામૂલી ગિફ્ટ છે એને સાચવીને જીવવાની જવાબદારી આપણી છે. જીવન છે તો જવાબદારી છે. રુટીન જવાબદારીની સાથેસાથે ખુશ રહેવાની અને બીજાને ખુશ રાખવાની જવાબદારી પણ આપણી જ છે. આખો દિવસ ફરિયાદ કર્યા કરીએ, સોગિયાં મોઢાં લઈ ફર્યા કરીએ તો લોકો આપણાથી દૂર ભાગે. હૃદયની બેટરી ક્યારે બંધ થઈ જાય એની આપણને ખબર નથી. આપણા માટે જે છે તે આ ક્ષણ છે. એટલે જ જીવો અને ભરપૂર જીવો. નકામું બધું આપોઆપ ઓગળતું જશે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 03:57 PM IST | | સોશ્યલ સાયન્સ- સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK