મન થોડા બાવરા હૈ

Published: Aug 28, 2019, 14:51 IST | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા | મુંબઈ

કોઈએ કડવા શબ્દો કહ્યા હોય તો મન એ શબ્દોને પકડી એ જ વિચારોમાં ગૂંચવાયેલું રહે છે.

મન થોડા બાવરા હૈ
મન થોડા બાવરા હૈ

મન. શરીરમાં વિશેષ સ્થાન ધરાવે છે. મનમાં આપણે જાતજાતની લાગણી અનુભવીએ. આપણે વારંવાર બોલતા હોઈએ છીએ કે મનમાં દુઃખ થયું, મનમાં વિચાર આવ્યો, મનમાં સુખની અનુભૂતિ થઈ, મન આજે પ્રસન્ન છે કે દુઃખી છે. આવાં તો અનેક વાક્યો મન સાથે જોડાયેલાં છે જેના પરથી મન કેટલુંબધું સંઘરી શકે છે એનો અંદાજો લગાડી શકાય. મન એવું સંગ્રહાલય છે જેમાં વિચારો, લાગણી અંદર તો આવે છે પણ બહાર જવાનું નામ નથી લેતાં. એક પછી એક વિચારોની સાંકળ ઠલવાયા જ કરે છે અને આપણે મનના તાબે થઈ જઈએ છીએ. મન પાસે એવું કોઈ બટન નથી જેમાં ઓવરલોડેડ થયા પછી મન સ્ટૉપનું બટન દબાવી અંદર આવતી લાગણીને રોકી શકે. એક સેકન્ડમાં આપણે અઢળક વિચારો કરી લઈએ છીએ. મન એ બધું જ પોતાનો દલ્લો સમજી રાખી લે છે.

કોઈએ કડવા શબ્દો કહ્યા હોય તો મન એ શબ્દોને પકડી એ જ વિચારોમાં ગૂંચવાયેલું રહે છે. તો ક્યારેક ભવિષ્યનાં સપનાં અને ચિંતામાં વિહાર કરવા લાગે છે. મન પાસે આપણને કાબૂમાં રાખવાનું શાણપણ છે. આપણી પાસે મનને કાબૂમાં રાખવાનું ડહાપણ છે, પણ એનો ઉપયોગ આપણે કરતા નથી. ટિકિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે ટિકિટચેકર નીમવામાં આવે છે. મન ટિકિટ-બુકિંગ વગર હજારોના હજારો માઇલ ફરી આવે છે. આપણે વગર ટિકિટ પ્રવાસ કરતા મન માટે ટિક‌િટચેકરની ફરજ નિભાવવાની છે. મનને વારંવાર ચેક કરતા રહીએ તો મનના કેટલાય નકામા પ્રવાસો ટળી જાય.

સ્વજનો પાસે આપણે મન હળવું કરીએ ત્યારે મન પરનો થોડોક ભાર હળવો થયો એમ લાગે. જેવા સ્વજનથી છૂટા પડીએ કે મનમાં વિચારો શરૂ થઈ જાય અને બધી હળવાશ પર પાણી ફરી વળે. શરીરને તાવ આવે અને એ સૂનમૂન પડ્યું રહે એમ મનને તાવ આવે ત્યારે એ સૂનમૂન પડ્યું રહેતું નથી. એને ક્યારેક પ્રેમથી તો ક્યારેક ઠપકો આપી એક જગ્યાએ બેસાડવું પડે છે.

મનને કાબૂમાં કરવું એટલું સહેલું નથી અને એટલું અઘરું પણ નથી. આપણા રોજ લેવાતા શ્વાસનો સીધો સંબંધ મન સાથે થાય છે. મનમાં ઉદ્ભવતી અનેક લાગણી આપણી શ્વાસ પ્રક્રિયાને કન્ટ્રોલ કરે છે. જેમ કે મનમાં ડર હોય તો શ્વાસ જોર-જોરથી ચાલે છે. મનમાં ખુશી હોય તો શ્વાસને ‌રિધમ મળે છે. ગુસ્સે થઈએ ત્યારે શ્વાસની પ્રક્રિયા ઝડપી બને છે. જેમ આપણા મનની વિવિધ લાગણીઓથી શ્વાસની પૅટર્ન બદલાય છે એમ શ્વાસની પૅટર્ન બદલવાથી મનની સ્થિતિ બદલી શકાય છે. શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ ખરેખર ચમત્કાર સર્જી શકે છે.

શ્વાસ લેવાની પૅટર્ન આપણી અંદરની ખામીને બહુ જ સાયન્ટિફિકલી, લાઇવલી મોલ્ડ કરે છે. આપણને આપણી ઓરિજિનાલિટી સાથે મેળાપ કરાવે છે. જેમ શહેરનું વાતાવરણ પૉલ્યુટેડ થઈ જાય છે એમ મનની સ્થિતિ રોજબરોજની ઘટમાળથી પૉલ્યુટેડ થાય છે. આ સ્થિતિને પ્યૉરિફાઇ કરવાનું કામ શ્વાસોચ્છવાસની જુદી-જુદી પૅટર્ન, મેડિટેશન કરે છે. 

ખુશ રહેવું એ ખરેખર મનની સ્થિતિ છે અને મનની સ્થિતિ દરેક વખતે બદલાયા કરે છે ત્યારે એને સ્થિર કરવું જરૂરી થઈ પડે છે. જેમ શરીરને ભૂખ લાગે અને આપણે ખોરાક ખાઈએ એમ મનને શ્વાસની જુદી-જુદી રિધમની સખત જરૂર હોય છે. લયને કારણે પ્રલયબદ્ધ પરિસ્થિતિ અને વ્યક્તિઓ સાથે સહજતાથી ડીલ કરવાની ક્ષમતા વિકસે છે. તમને નવી આંખો અને પાંખો મળે છે.

આ પણ વાંચો : જમવાનું બહારથી ક્યારેય ઘરમાં આવતું જ નહીં એવું કહે છે 100 વર્ષનાં આ બા

જ્યારે આપણા મનની સ્થિતિ થોડી હાલકડોલક હોય ત્યારે જો એવા મિત્રો મળી જાય જે આ સ્થિતિને સમજી શકે અને યોગ્ય દિશામાં જવા માર્ગદર્શન આપે અને તમને બદલ્યા વગર તમારામાં અમુક અંશના બદલાવની સમજણનું બીજ રોપનાર એ દરેક મિત્રનો દિલથી આભાર માનવો રહ્યો. મન સાથેની આ મૌલિક સાધના કરાવનાર એ ખાસ મિત્ર તમારા જીવનમાં છે?

મન... મન કી બાત કરતા હૈ મન થોડા બાવરા હૈ

- સેજલ પોન્દા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK