માતૃભાષામાં લખનારાઓ અને વાંચનારાઓ કેટલા?

24 August, 2019 12:29 PM IST  |  | સેટર ડે સ્પેશ્યલ-પ્રતિમા પંડ્યા

માતૃભાષામાં લખનારાઓ અને વાંચનારાઓ કેટલા?

‘એક ભારતીય હાથીને વિદેશના સર્કસમાં લઈ જવામાં આવ્યો હતો. બેએક વર્ષ બાદ એ હાથીના સ્વભાવમાં પરિવર્તન આવવા માંડ્યું. એ ભુરાયો થતો અને વસ્તુઓ ફગાવવા માંડતો. ઘણા પ્રયત્ન છતાં એ બેકાબૂ બની ગયેલા હાથીને સર્કસના વ્યવસ્થાપકો શાંત પાડી ન શક્યા. એટલે આ મહાકાય પ્રાણીને ગોળીએ દેવાનું તેમણે નક્કી કર્યું. આ વાતની જાણ એક ભારતીય વ્યક્તિને થઈ અને તેણે સર્કસના વ્યવસ્થાપકોને વિનંતી કરી કે મને એક મોકો આપો. હું એ હાથીને શાંત કરી દઈશ. પરમિશન મળતાં તે વ્યક્તિ દૂરથી હાથી સાથે વાતો કરતો-કરતો હાથીની નજીક પહોંચ્યો. હાથી ધીરે-ધીરે શાંત થયો. વ્યક્તિ સતત એની સાથે વાતો કરતો એની સાવ નજીક ગયો અને હાથીની સૂંઢ પસવારી. હાથી સાવ શાંત ઊભો રહ્યો. વ્યવસ્થાપકોએ તેને પૂછ્યું, ‘આ કઈ રીતે શક્ય બન્યું?’ એ વ્યક્તિએ જવાબ આપ્યો, ‘હું ભારતનો છું અને મારી સ્થાનિક ભાષામાં, મારી માતૃભાષામાં મેં હાથી સાથે વાત કરી. એ ભાષા સાંભળવા હાથી ટેવાયેલો છે! છેલ્લાં બે વર્ષથી એ ભાષા એને નથી સંભળાઈ એટલે એ ઉગ્ર બની ગયો છે. માતૃભાષા કાને પડતાં જ એ શાંત બની ગયો છે.’ 

માતૃભાષાની આ તાકાત છે. કવિ માધવ રામાનુજે વિદેશી વાર્તાના આધારે ઉપરનો રસપ્રદ પ્રસંગ ટાંક્યો હતો... માતૃભાષા સાથે આપણે ગળથૂથીનો નાતો છે. કવિ નર્મદના જન્મદિનને માતૃભાષા દિવસ તરીકે ઊજવવો પડે એ છેલ્લાં કેટલાંક વર્ષની ઘટના છે. માતૃભાષા તો આપણા લોહીમાં વહેતી ભાષા છે. માતૃભાષા આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે જોડાયેલી છે. માતૃભાષા દિવસ ઊજવીને આપણે બધા ગુજરાતીઓને યાદ દેવડાવવું પડે કે આપણી ભાષાને જીવતી રાખો! એવું તે શું બની ગયું છેલ્લાં ૩૦ વર્ષમાં? કવિ ઉદયન ઠક્કરે તેમના એક અછાંદસ કાવ્યમાં ગુજરાતી લખતી-વાંચતી એક આખી પેઢી ખોવાઈ જવાની વ્યથા માંડી છે. મુંબઈ જેવા શહેરમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ટપોટપ બંધ થઈ રહી છે. બે-ત્રણ અપવાદને બાદ કરતાં શાળાના ટ્રસ્ટીઓ આંખે પાટા બાંધીને બેઠા છે. એવું નથી કે સાવ ગુજરાતી વિસરાઈ ગઈ છે. જોકે ક્યાંક એવો અનુભવ થયા વિના રહેતો નથી કે નવી પેઢીમાં ગુજરાતી ભાષા ફક્ત બોલચાલની તરીકે રહી ગઈ છે. હકીકત શું છે? જો માત્ર બોલચાલની ભાષા રહે તો ગુજરાતી ભાષાની સાહિત્ય સંપત્તિનું શું થાય? ગુજરાતી ભાષાના ઉમદા સર્જકો આજની સ્થિતિને કઈ રીતે મૂલવે છે એ વિશે વાત કરીએ.

બોચી પકડીને તમે યંગસ્ટર્સને વાંચતા નથી કરી શકતા. તેમનામાં રસ પેદા કરવો પડે છે

માતૃભાષા દિવસની એક સિમ્બૉલિક વૅલ્યુ છે એટલે ઊજવીએ એમાં કાંઈ ખોટું નથી, પણ એક જ દિવસ શા માટે ઊજવવો? માતૃભાષા સાથે તો રોજનો નાતો છે. યુવાનોની વાત કરીએ તો  કવિતાપઠનના કાર્યક્રમોનો મારો અનુભવ જુદો રહ્યો છે. નાટકો અને કવિતામાં યુથ ખાસ્સું એવું આવે છે, સારી સંખ્યામાં આવે છે અને ઉત્સાહથી આવે છે. મેં જોયું છે કે યુવાનોને કહેવામાં આવ્યું હોય કે આ નાટક તો જોવું જ જોઈએ તો એમાં એક પછી એક યુવાનો જોડાતા જાય છે. સમય પ્રમાણે બદલાવ આવે છે. સ્ટૅન્ડઅપ કૉમેડી દ્વારા પણ ભાષા લોકો સુધી પહોંચે છે. આપણી ઘણી જૂની પરંપરા હતી કથા-કથનની, વાર્તાની, વાર્તા સાંભળવાની. એ તરફ આપણે વળવું પડશે. યુટ્યુબ પર ઘણા લોકો કવિતા સાંભળતા હોય છે. બોચી પકડીને તમે યંગસ્ટર્સને વાંચતા નથી કરી શકતા. તેમનામાં રસ પેદા કરવો પડે છે. યુથ જે વાત પ્રત્યે રિસેપ્ટિવ છે, જે વાત ઝીલી શકે છે, એ આપણે આપતા નથી. કોઈક સારી વિદેશી ફિલ્મનો સ્ક્રીનપ્લે અભ્યાસક્રમમાં કેમ ન આપી શકાય? એ જ રીતે કોઈક સારી ગુજરાતી ફિલ્મનો સ્ક્રીનપ્લે સારો હોય તો, મૂકો પાઠ્યપુસ્તકમાં! અને આ જ રીતે યુથ સાથે, યુવાનો સાથે તમે કનેક્ટ કરી શકશો. કોઈ પણ ભાષા શીખવાના ફાયદા અકલ્પનીય હોય છે. એમાંય માતૃભાષા પર તમારી હથોટી હોય એના જેવું ઉત્તમ બીજું કાંઈ નથી. ભાષા પરનો કાબૂ તમારા વિચારોમાં ક્લૅરિટી લાવે છે. ભાષા જ આપણને વિચારતા રાખે છે. હલ્લો બોલાવ્યો, મેં સોચ્યું વગેરે ભાષાની ગરબડ જે બોલનાર કરે છે એ જ ગરબડ તેના વિચારોમાં હોય છે.
- સૌમ્ય જોશી, કવિ અને નાટ્યલેખક

આજે પુસ્તકો ઘણાં છપાય છે, પણ એ બધું જ સાહિત્ય છે એ જરૂરી નથી

દુનિયામાં હજારો ભાષાઓ બની અને હજારો નાશ પામી છે. સંસ્કૃત જેવી ભાષા પણ સમયના પ્રવાહમાં ટકી નથી છતાં ભાષા ટકે એ માટેના પ્રયાસ કરવાનું કાર્ય આપણું છે. આ પ્રયત્નો નિષ્ઠાપૂર્વક, સચ્ચાઈપૂર્વક અને અંચઈ વિનાના હોવા જોઈએ. ઉચ્ચ અભ્યાસનાં પુસ્તકો અંગ્રેજીમાં છે જે ગુજરાતીમાં નથી એટલે વિદેશમાં જેમને જવાની ઇચ્છા છે તેઓ અંગ્રેજી માધ્યમ વધુ પસંદ કરે છે. એ ઉપરાંત અગાઉનાં વર્ષોમાં ગુજરાતી માધ્યમમાં સારું અંગ્રેજી ન ભણાવાયું એને કારણે લોકો અંગ્રેજી માધ્યમ તરફ વળ્યા. માતૃભાષામાં ભણે એ વ્યક્તિ પ્રગતિ ન કરી શકે એવું પહેલાં પણ નહોતું અને આજે પણ નથી છતાં લોકોની માનસિકતા બદલવી એ અઘરું કાર્ય છે. ગુજરાતી ફિલ્મ જોવા બાળક કે યુવાન જાય એમાં મનોરંજન છે એટલે તેને આનંદ આવશે, પણ એને કારણે તે ભાષા શીખશે એવું માનવું ભૂલભરેલું છે. ભાષા તો બાળકને ઘરમાં અને શાળામાં શીખવીને જ પાયો મજબૂત કરવો જોઈએ. આજે પુસ્તકો ઘણાં છપાય છે, પણ એ બધું જ સાહિત્ય છે એ જરૂરી નથી. હાલમાં બધી પ્રાદેશિક ભાષાઓ આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે આપણે મા, માતૃભાષા અને માતૃભૂમિ ત્રણે પર બાળક, માતા-પિતા અને સમાજનું ધ્યાન રહે એવા પ્રયત્ન કરવા જોઈએ.
- ડૉ. દિનકર જોષી, સર્જક-ચિંતક

આ પણ વાંચો: ભારતમાં સ્ત્રી ચીટ કરતી હોય એવા કિસ્સા ખૂબ વધી રહ્યા છે?

 મહાનગરોનો પ્રશ્ન વિકટ છે, પણ ગામડામાં ભાષા જળવાઈ છે

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમ શરૂ થયું છે, પણ હજી ગુજરાતી ભાષા સાથેનો બાળકોનો નાતો જોડાઈ રહ્યો છે. દસમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત છે એટલે ગુજરાતમાં વાંધો નહીં આવે. મુંબઈનો પ્રશ્ન અલગ છે. ભારતનાં મહાનગરોમાં પ્રાદેશિક ભાષાની ઘણી ઉપેક્ષા થઈ છે. જોકે ફેસબુક જેવાં માધ્યમો દ્વારા પ્રાદેશિક ભાષા જીવે એવી શક્યતા છે. ગુજરાતી છાપાં ચાલે છે, સામયિકો છપાય છે, સિરિયલો ચાલે છે એટલે ભાષાને વાંધો નહીં આવે! ફેસબુક પર તો અંગ્રેજી લિપિમાં લોકો ગુજરાતી વાક્ય લખે છે! સાહિત્યની વાત કરીએ તો જે ક્લાસિક કૃતિઓ છે કે મહાન કૃતિઓ છે એ સિરિયલરૂપે કે નાટકરૂપે પણ ટકશે. બાકીની કાળના પ્રવાહમાં વિલીન થઈ જશે. સરવાળે મહાનગરોનો પ્રશ્ન વિકટ છે, પણ ગામડામાં ભાષા જળવાઈ છે. જોકે ગુજરાત હોય કે મુંબઈ‍, બધે જ વાંચન ઘટ્યું છે એ હકીકત છે.  આ પરિસ્થિતિ માટે માતા-પિતા, શિક્ષકો ઉપરાંત શિક્ષણનીતિ જવાબદાર છે. માતૃભાષાના પ્રસાર માટે જે મહેનત કરતા હોય તેમણે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. કોઈ ને કોઈ માધ્યમે તો ભાષા ટકી જ રહેશે.

- રઘુવીર ચૌધરી, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા-સર્જક

દરેક ભાષાના સાહિત્યને માણવા માટે બાળકને વિવિધ ભાષા શીખવવી જોઈએ

હું અંગ્રેજી માધ્યમમાં ભણી છું, પણ ગુજરાતી એક વિષય તરીકે ભણી હતી. મારી સ્ક્રિપ્ટ ગુજરાતી લિપિમાં જ લખું છું. મારા નાટકના કલાકારો પણ ગુજરાતી લિપિમાં લખાયેલી સ્ક્રિપ્ટ વાંચે એવો મારો આગ્રહ હોય છે, કારણ રોમન લિપિમાં લખાયેલી સ્ક્રિપ્ટમાં ઉચ્ચારો યોગ્ય નથી થતા. મારા દીકરાને મેં પાર્લાની સ્કૂલ જમનાબાઈમાં મૂક્યો છે એનું કારણ એ જ છે કે ત્યાં ગુજરાતી સારું શીખવવામાં આવે છે. આજે જેને માતૃભાષા નથી આવડતી તેને એ બોલવામાં શરમ આવે છે, પણ જેને આવડે છે એ તો ગર્વથી કે માનપૂર્વક માતૃભાષામાં જ બોલે છે. અમારી જમનાબાઈ શાળાના પ્રિન્સિપાલે વાલીઓને જણાવ્યું હતું કે અંગ્રેજી તો બાળકો શીખી જ લેશે, પણ ઘરે બાળકને માતૃભાષામાં વધુ ને વધુ વાત કરાવો. બાળકમાં ઘણી ક્ષમતા હોય છે બે-ચાર ભાષાઓ નાની ઉંમરે શીખી લેવાની. જો આપણે આપણી માતૃભાષા તરફ પીઠ કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. દરેક ભાષાના સાહિત્યને માણવા માટે બાળકને વિવિધ ભાષા શીખવવી જોઈએ. આ અલગ-અલગ ફ્લેવરને બાળક જો ન માણી શકે તો ઘણી ઉત્તમ ચીજોથી વંચિત રહે! કોઈ પણ ટીચિંગ પ્રોસેસને મનોરંજક બનાવી શકાય તો બાળકોને યાદ રહી જાય છે અને તેમને મજા પડે છે. શિક્ષકની પણ જવાબદારી છે કે બાળક ભાષાથી ડરે નહીં, પણ તેની નજીક જાય એવા પ્રયત્નો કરે. ભાષામાં, સાહિત્યમાં, આપણા સંગીતમાં શું સુંદર છે એ બાળક માણતાં શીખે. ભાષા જ્યારે લુપ્ત થવાની દિશામાં હોય ત્યારે શિક્ષકોએ વધુ મહેનત કરવી જરૂરી છે. સિરિયલ કે નાટકો લખતી વખતે પણ હું ધ્યાન રાખું છું કે કોઈ ગુજરાતી કૅરૅક્ટર હાંસીપાત્ર ન બને. ગુજરાતીઓ ચાંપલું બોલે કે થેપલાં-ઢોકળાં જ ખાય એવું બધું દેખાડવું મને ગમતું નથી. આપણી પાસે વિવિધ બોલી છે, વિવિધ લહેકા છે એને સારી રીતે પ્રજા સમક્ષ મૂકવાં જોઈએ. ભાષા માટે આપણને ગર્વ હોવો જોઈએ. માતૃભાષા હોય કે અંગ્રેજી હોય, ભાષા સારી રીતે બોલાવી જ જોઈએ. ભાષા તો આપણી ધરોહર છે. આપણે અંગ્રેજીની બારી ભલે રાખીએ, પણ દરવાજો તો ગુજરાતી ભાષાનો જ હોવો જોઈએ!
- સ્નેહા દેસાઈ,
નાટ્યલેખિકા, સિરિયલરાઇટર અને નાટ્યકલાકાર

આ પણ વાંચો: લંગોટ ઇઝ બૅક

સારી કૃતિને મનોરંજનથી લોકો સુધી પહોંચાડાય પણ લખાતું અને વંચાતું સાહિત્ય ઓછું થશે એ હકીકત નકારી ન શકાય

વૉટ્સઍપ, ફેસબુક, ગૂગલને કારણે નવી પેઢીમાં વાંચવાની ટેવ બદલાઈ છે. સાહિત્યની વાત કરીએ તો નવી પેઢીને રસ પડે એવું તાજેતરમાં ઓછું લખાયું છે. આપણને સરસ્વતીચંદ્રથી માંડીને ર. વ. દેસાઈ અને ક. મા. મુનશીનું સર્જન આજે પણ વાંચવાનું ગમે છે. નવી પેઢીને એ ગમે એ જરૂરી નથી. બે-ત્રણ દાયકાથી અંગ્રેજી માધ્યમ તરફ ગાડરિયો પ્રવાહ શરૂ થયો એથી પણ નવી પેઢી આપણી ભાષા અને સાહિત્યથી વિમુખ થઈ. અંગ્રેજી તરફ જનાર વર્ગ અંગ્રેજી સાહિત્ય વાંચે તો ઘણી સારી વાત છે, પરંતુ એ પણ નથી થયું. આપણા સાહિત્યની વાત કરીએ તો કવિ ન્હાનાલાલ બિલકુલ ભુલાઈ ગયા અને નર્મદ ‘જય જય ગરવી ગુજરાત’ પૂરતા યાદ રહ્યા. આજે સ્કૂલમાં સાહિત્યના સારા અંશોનું પઠન વિદ્યાર્થીઓ સમક્ષ વારંવાર કરવાની જરૂર છે. શરૂઆતમાં કદાચ વિદ્યાર્થીઓને રસ ન પડે, પણ ધીરે-ધીરે બાળકોની ટેવ ઘડાતી જાય. બાળકોને સાહિત્યમાં રસ લેતાં કરવાં પડે. સોશ્યલ મીડિયા પર ઘણું બધું ઠલવાય છે, પણ એમાં આપણે જેને સારું ગણીએ છીએ એ ઓછું હોય છે અને બીજા જેને સારું ગણે છે એ વધારે હોય છે! આજના શિક્ષકોએ ભાષા અને સાહિત્ય વિશે સજ્જતા કેળવવી જોઈએ. મનોરંજન દ્વારા બોલચાલની ભાષા અને સાહિત્ય લોકો સુધી પહોંચાડી શકાય. સિરિયલો આજે ઘેર-ઘેર પહોંચી છે એટલે એક સારી કૃતિને આ માધ્યમ દ્વારા પણ લોકો સુધી પહોંચાડી શકાય, પણ લખાતું અને વંચાતું સાહિત્ય ઓછું થશે એ હકીકત નકારી ન શકાય.
- માધવ રામાનુજ, સર્જક.

columnists gujarati mid-day