ભારતમાં સ્ત્રી ચીટ કરતી હોય એવા કિસ્સા ખૂબ વધી રહ્યા છે?

પ્રતિમા પંડ્યા - લેડિઝ સ્પેશિયલ | મુંબઈ ડેસ્ક | Jul 11, 2019, 10:39 IST

કેટલાક સર્વેક્ષણો કહે છે મહિલાઓ દ્વારા પતિ સાથે છેતરપિંડી કરીને લગ્ન બાહ્વસંબંધો વધી રહ્યા છે. બે નિષ્ણાતો આ વિષય પર મહિલાઓની માનસિક અને સામાજિક સ્થિતિનું વિવરણ કરે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લેડિઝ સ્પેશિયલ

પશ્ચિમના દેશોના લોકોની સમયપાલનની, સ્વચ્છતાની, એવી કેટલીક ખાસ બાબતો આપણે અનુસરવા જેવી છે, જેના પર ધ્યાન ઓછું અપાય છે. એને બદલે યુરોપની સ્વચ્છંદતા, પુરુષ-સ્ત્રીના સંબંધમાં મોકળાશ, છોછ વગરના લગ્નેતર સંબંધો જેવાં દૂષણો આપણે ત્યાં ઝડપથી ફેલાય છે. સ્ત્રીઓનું આપણા સમાજમાં એક વિશિષ્ટ સ્થાન છે. એક આગવી ગરિમા છે. સ્ત્રીઓ પુરુષની જેમ મગજને નહીં, પણ પોતાના હૃદયને અનુસરે છે. સ્ત્રીનું સમગ્ર વ્યક્તિત્વ એની પોતાની સંવેદનાના આભામંડળ સાથે જોડાયેલું હોય છે. મુંબઈ જેવા શહેરની સ્ત્રી વાંચે છે, વિચારે છે, ઉચ્ચ અભ્યાસ કરે છે, કમાય છે અને પરિવારને સાચવે છે. તાજેતરનો એક સર્વે જણાવે છે કે સ્ત્રી પોતાના પતિને છેતરીને બીજા તરફ આકર્ષાઈ હોય એવા બનાવો વધી ગયા છે. યુરોપમાં આ આંકડા ૩૬થી ૪૬% જેટલા છે, જ્યાં મહિલાએ એકાદ વાર પણ પોતાના લાઇફ પાર્ટનરને છેતર્યો હોય. મુંબઈ જેવા શહેરમાં પરિસ્થિતિ કેવી છે એ જાણવાનો પ્રયત્ન કરીએ.

અનેક કારણ

પતિને છેતરવા સુધી સ્ત્રી જાય છે એનાં ઘણાં કારણો હોઈ શકે છે. ઍડવોકેટ અને લીગલ ઍડવાઇઝર રાજવી જોશીએ ઘણા બધા કેસ નજીકથી જોયા છે. તેઓ કહે છે, ‘મોટા ભાગની ભારતીય સ્ત્રીઓ પોતાના પતિને વફાદાર રહે છે, પણ કેટલાંક કારણોસર થોડી સ્ત્રીઓ લગ્નબાહ્ય સંબંધોનો આશરો લે છે. માનસિક કે શારીરિક અસંતોષ, પોતાના લાઇફ પાર્ટનર સાથેના શારીરિક સંબંધો એને ખુશી ન આપતા હોય કે પતિ એની અપેક્ષા પ્રમાણેનું ન કમાતો હોય... આ એવાં કારણો છે જ્યારે સ્ત્રી બહાર નજર દોડાવે છે. કેટલીક વાર તો યુવાન સ્ત્રીનાં સાસુ-સસરા એની સાથે ઘરમાં યોગ્ય વર્તન ન કરતાં હોય એવા કેસમાં પણ એ સ્ત્રી, એની સાથે સહાનુભૂતિ કે પ્રેમપૂર્વક વાત કરનારા, કોઈક પુરુષ તરફ આકર્ષાય છે.’

સોશિયલ મીડિયા

જાણીતાં સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર ડૉ. કાનન ખટાઉ ચિખલ જણાવે છે, ‘સોશ્યલ મીડિયા અને નવી ટેક્નોલૉજી દ્વારા પોતાના જીવનસાથીને છેતરવાનું પ્રમાણ વધ્યું છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ! સ્ત્રીને ફેસબુક અને વોટ્સએપ પર લાઇક મળતી રહે તો ઘણી વાર એને એ પ્રેમ માની બેસે છે. દિવસની હાઈપ્રેશર જૉબ અને ઘરનું તંગ વાતાવરણ એને આ વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ ધકેલે છે, જ્યાં એને ભ્રામક ખુશી દેખાય છે. સ્ત્રીના લગ્નબાહ્ય સંબંધોમાં બે બાબત મુખ્ય છે, કોઈ પણ પ્રકારનો અસંતોષ અથવા તો આવા સંબંધો દ્વારા કોઈક વધારાની ઉત્તેજના મેળવવાની ઇચ્છા! પતિ જો પત્નીને આદર ન આપતો હોય, વાતે વાતે તુચ્છકારતો હોય કે બંને વચ્ચે જોઈએ એટલો સંવાદ ન થતો હોય ત્યારે આવી છેતરપિંડીનું પ્રમાણ વધી જાય છે.’

રાજવી જોશી પોતાની પાસે આવેલો એક કેસ ટાંકે છે, ‘એક સ્ત્રીને પાંચ અને સાત વર્ષનાં બે બાળકો છે અને તેનો પતિ ગલ્ફમાં જૉબ કરે છે. એની ગેરહાજરીમાં સ્ત્રીએ બીજા એક યુવક સાથે સંબંધો ડેવલપ કર્યા. પાંચેક વર્ષે જ્યારે પતિને આ વાતની ખબર પડી ત્યારે સ્ત્રીએ પતિને સંભળાવી દીધું કે મારે જે જોઈએ છે એ તું કદી આપી શક્યો જ નથી. આ માથાભારે સ્ત્રીએ છૂટા થવા માટે પતિ પાસે ભરણપોષણ પેટે મોટી રકમ માગી. ત્રણ મહિનાના કાઉન્સેલિંગ પછી પણ સ્ત્રીના સ્વભાવમાં બદલાવ ન આવ્યો અને એ બંનેનો કેસ હજી પણ કોર્ટમાં ચાલે છે.’

આને મૂર્ખામી કહેવાય

રાજવી જોશી બીજી એક યુવતીની મૂર્ખાઈનો કિસ્સો વર્ણવતા કહે છે, ‘એક છોકરી લગ્ન અગાઉ કોઈ બીજાને ચાહતી હતી. માતા-પિતાના દબાણને કારણે એણે એક યુવક સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી પણ એણે પોતાના પ્રેમી સાથેના સંબંધો ચાલુ રાખ્યા. એને મનમાં એમ કે લગ્ન પછી છ-આઠ મહિને પતિને છોડીને પ્રેમી પાસે જતી રહીશ. એના પતિએ એને સ્પષ્ટ કહ્યું કે હું તને ડિવૉર્સ આપવાનો નથી. તું મારી અને મારા પરિવાર સાથે રમત રમે એ મને મંજૂર નથી. તારો અફેર છે એ કોર્ટમાં હું સાબિત કરીશ. એ છોકરીએ છેવટે આત્મહત્યા કરી લીધી. અને પેલી ત્રીજી વ્યક્તિ કોઈ જવાબદારી લીધા વગર બાજુ પર થઈ ગઈ!’

ટ્રસ્ટ ઘટ્યો

આજના સમયમાં પત્ની પતિને છેતરે એ પ્રમાણ કેમ વધતું જાય છે? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. કાનન કહે છે, ‘પતિ-પત્ની વચ્ચે સંવાદ અને ટ્રસ્ટનું વાતાવરણ હોવું જરૂરી છે. એટલું જ નહીં, બંને વચ્ચે અનકંડિશનલ લવ એટલે કે કોઈ પ્રકારની અપેક્ષા વગરનો પ્રેમ હોવો બહુ જરૂરી છે. ચીપ્સના પૅકેટમાં હવા વધારે ને ચીપ્સ ઓછી હોય એવું આજકાલ સંબંધોમાં થઈ ગયું છે. જૂના વિજાતીય મિત્રો, જૂનો પ્રેમ સોશ્યલ મીડિયામાં ભટકાઈ જાય છે અને સામાન્ય સંદેશાની આપ-લે, ક્યારે સેક્સ ચૅટમાં ફેરવાઈ જાય એની જાણ થતી નથી.’

જોકે રાજવીનું નિરીક્ષણ અલગ છે. એ કહે છે, ‘આવા કેસ ચોક્કસ વધ્યા છે, પણ પૂર્ણપણે સોશ્યલ મીડિયાને હું બ્લેમ નહીં કરું, કારણ એ સ્ત્રી પર અવલંબે છે કે એ આ માધ્યમનો કઈ રીતે ઉપયોગ કરે છે. આ પ્રકારના કેસ વધવાનું કારણ એ છે કે સ્ત્રીને વિવિધ અસંતોષ રહેવાનાં કારણો વધ્યા છે. સ્ત્રી બહાર નીકળતી થઈ છે એટલે એના સંપર્ક પણ વધ્યા છે. કોઈનો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કે પ્રેમપૂર્ણ વ્યવહાર એને ‘કંઈક ખાસ’ હોવાની ફીલિંગ જન્માવે છે. એ અનુભૂતિ જો એને પતિ પાસેથી ન મળતી હોય તો એ અન્ય પાસેથી મેળવવાની અપેક્ષા રાખે છે.’

સ્ત્રી જ્યારે આ દિશામાં આગળ વધે છે ત્યારે તે સિરિયસ રિલેશનશિપ ઇચ્છે છે કે ફક્ત કંઈક એક્સાઇટમેન્ટ મેળવવાની ભાવનાથી પતિને છેતરે છે? એવા મારા પ્રશ્નના જવાબમાં ડૉ. કાનન કહે છે, ‘ડોપામાઇન નામનું એક રસાયણ આપણા મગજમાં હોય છે. જ્યારે કોઈ તમારાં વખાણ કરે ત્યારે મગજમાં એ ઝરે છે, જેના કારણે તમને ખુશીની લાગણી થાય છે. પુરુષ એ જ રિલેશનશિપને ગંભીર રીતે લેતો હોય એ જરૂરી નથી.’

સ્ત્રી પોતાના લગ્નબાહ્ય સંબંધોની વાત પોતાની ખાસ સખી સાથે શૅર કરે છે ખરી? એમ પૂછતાં રાજવી જોશી કહે છે, ‘હા, મોટા ભાગે સ્ત્રી આવા સંબંધોની જાણ પોતાની ખાસ સહેલીને કરતી હોય છે, જેથી જરૂર પડ્યે એને એની સપોર્ટ સિસ્ટમ મળી રહે.’

પરિવાર પર અસર

લગ્નબાહ્ય સંબંધોની પરિવાર પર થતી અસર અને આવા સંબંધો ડેવલપ ન થાય એ માટેના પ્રયત્નો બાબત ડૉ. કાનન જણાવે છે, ‘સ્ત્રી હોય કે પુરુષ, જ્યારે એને રિલેશનશિપમાં યોગ્ય માન, આદર કે વૅલ્યુ નથી મળતાં એવું લાગે ત્યારે એ ત્રીજી વ્યક્તિ તરફ નજર દોડાવે છે. પતિ-પત્ની વચ્ચેની બેવફાઈ જ્યારે જાહેર થાય છે ત્યારે એ ફક્ત બંનેને જ નહીં, પણ બાળકો તથા સમગ્ર પરિવારને હચમચાવી નાખે છે. ત્રીજી વ્યક્તિનો એક નાનકડો ટેક્સ્ટ મેસેજ પણ ઘરનું વાતાવરણ બગાડવા માટે પૂરતો છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર આવી આ રિયલ વર્લ્ડમાં પતિ-પત્નીએ રહેવું જોઈએ. પોતાનું સમગ્ર વ્યક્તિત્વ અને પોતાનો સંપૂર્ણ સમય પોતાના લાઇફ પાર્ટનર માટે જ છે એવો અહેસાસ એકબીજાને કરાવવો જરૂરી છે.’

છેલ્લે રાજવી જોશી કહે છે, ‘સ્ત્રી એક જબરજસ્ત પાત્ર છે, સંવેદનાથી ભરેલું. લગ્નબાહ્ય સંબંધોમાં એને ખેંચી જવા પુરુષો તો તત્પર બેઠા હોય છે એટલે સ્ત્રીએ પોતાની સંવેદનાઓ અને લાગણીઓ પર કાબૂ રાખી પગલું માંડવું જોઈએ. ઘણી વાર તો ન હોય એવા સંબંધોનો આરોપ સ્ત્રી પર લગાડવામાં આવે ત્યારે બદલાની ભાવનાથી પણ સ્ત્રી પતિને છેતરે છે. હું ઘણી વાર કહું છું કે તમારા વિચારો જ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એટલે સ્ત્રી હોય કે પુરુષ, સારા વિચારો વચ્ચે રહો એ અગત્યનું છે. દાદા ભગવાન કહેતા કે પુરુષો પોતાની ઘરવખરીની જેમ સ્ત્રીને રાખે છે એવું થવું ન જોઈએ. સ્ત્રી સાથે એનો પતિ સંવાદ, હૂંફ, લાગણી રાખશે તો લગ્નબાહ્ય સંબંધોથી ઘરનું વાતાવરણ નહીં ડહોળાય.’

આ પણ વાંચો : વરસાદમાં કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્ને જોઈતાં હોય તો પહેરો સ્કર્ટ

સ્ત્રી હોય કે પુરુષ, જ્યારે એને રિલેશનશિપમાં યોગ્ય માન, આદર કે વૅલ્યુ નથી મળતાં એવું લાગે ત્યારે એ ત્રીજી વ્યક્તિ તરફ નજર દોડાવે છે. - ડૉ. કાનન

મોટા ભાગની ભારતીય સ્ત્રીઓ પોતાના પતિને વફાદાર રહે છે, પણ કેટલાંક કારણોસર થોડી સ્ત્રીઓ લગ્નબાહ્ય સંબંધોનો આશરો લે છે. - રાજવી જોશી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK