ગોરા થવા માટે કેટલા કામનું ગ્લૂટથાયોન?

24 April, 2024 12:40 PM IST  |  Mumbai | Sejal Patel

કહેવાય છે કે ત્વચામાં પિગમન્ટેશન પેદા કરવાની પ્રક્રિયામાં એ ફાયદો કરે છે. મતલબ કે જો કોષોમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે પિગમન્ટેશન વધી ગયું હોય તો ગ્લૂટથાયોનથી ડૅમેજ કન્ટ્રોલમાં મદદ થાય.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આ કેમિકલની એટલીબધી પ્રોડક્ટ્સ ભારતીય માર્કેટમાં ઠલવાઈ ચૂકી છે કે ન પૂછો વાત. એનાં ઇન્ટ્રાવીનસ ડ્રિપ્સની બોલબાલા જબરી વધી હોવાથી માત્ર ગ્લૅમર ઇન્ડસ્ટ્રી જ નહીં, સામાન્ય લોકો પણ ઇન્સ્ટન્ટ ફેરનેસ અને ગ્લો માટે ગ્લૂટથાયોન તરફ આકર્ષાઈ રહ્યા છે ત્યારે જાણીએ ઝટપટ ગોરાપણું આપતી આ પ્રોડક્ટમાં કેટલો દમ છે

ભલે આપણે ત્વચાના રંગથી ભેદભાવ ન કરવો જોઈએ એવી શાણી વાતો કરતા હોઈએ, પરંતુ આજે પણ ભારતીયોમાં સુંદરતાનું એક લક્ષણ ગોરી ત્વચા છે જ છે. એક સમય હતો કે માત્ર ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં સક્રિય લોકો જ ગોરા થવા માટે ગ્લૂટથાયોનની પ્રોડક્ટ્સ વાપરતા હતા, પરંતુ હવે તો ભારતમાં ફેરનેસ માટેની ટ્રીટમેન્ટ્સનો જાણે રાફડો ફાટ્યો છે. ઇન્ટરનેટ પર બેફામ ગ્લૂટથાયોનની ટૅબ્લેટ્સ, ક્રીમ્સ, ઇન્જેક્શન્સ મળે છે અને એ પણ કોઈ પ્રિસ્ક્રિપ્શન વિના. ઇન્ટ્રાવીનસ ડ્રિપ દ્વારા એટલે કે ગ્લુકોઝના બાટલાની અંદર આ દવા નાખીને એ ડાયરેક્ટ લોહીમાં ચડાવી આપે એવાં ગ્લો ક્લિનિક્સ પણ અનેક ખૂલ્યાં છે. ફેરનેસ ઇન્ડસ્ટ્રીના દાવા મુજબ લગભગ ૭૦ ટકા અભિનેતા અને અભિનેત્રીઓ સમયાંતરે ગ્લૂટથાયોન વાપરે છે. યાદ હોય તો બિગ બૉસ-17માં સુશાંત રાજપૂતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા જૈન અને તેના પતિ વિકી જૈને મેડિકલ ટ્રીટમેન્ટના નામે ગ્લૂટથાયોન ઇન્જેક્શન્સ લીધાં હતાં અને વિવાદ થયો હતો. માત્ર ગોરા થવાની વાત કરો તો રેસિસ્ટ લાગો એટલે ગ્લૂટથાયોનનાં બીજાં પણ ઘણાં ગુણગાન ગવાઈ રહ્યાં છે. કેવા દાવા થઈ રહ્યા છે અને હકીકત શું છે એ સમજતાં પહેલાં જરાક સમજી લઈએ કે આ ગ્લૂટથાયોન છે શું.

ત્રણ ચીજોનું કૉમ્બિનેશન 
આપણા લિવર દ્વારા કુદરતી રીતે પેદા થતું આ કમ્પાઉન્ડ ત્રણ પ્રકારનાં અમીનો ઍસિડ્સનું સંયોજન છે. ગ્લાયસિન, સિસ્ટીન અને ગુલ્ટૅમિક ઍસિડ એ ત્રણ મળીને ગ્લૂટથાયોન બને. આ સંયોજન ઍન્ટિ-ઑક્સિડન્ટનું કામ કરે છે. શરીરના કોષોમાં ઑક્સિડેશનની પ્રક્રિયાને કારણે પેદા થતા ફ્રી-રૅડિકલ્સને ન્યુટ્રલાઇઝ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે એ તમામ કેમિકલ્સને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કહેવાય. ગ્લૂટથાયોન એક એવું ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે કૅન્સરની સારવારમાં અપાતી કીમોથેરપીની આડઅસરોને ઘટાડવા માટે અપાતું આવ્યું છે. કીમોમાં અપાતી ખૂબ ટૉક્સિન્સવાળી દવાઓથી કોષોમાં જે ઑક્સિડેટિવ ડૅમેજ થયું હોય એ પ્રિવેન્ટ કરવા માટે આ ત્રણ અમીનો ઍસિડ્સના કૉમ્બિનેશનથી બનતું ગ્લૂટથાયોન વપરાવાનું શરૂ થયેલું. હવે કીમોથેરપી સાથે એનો ઉપયોગ ઘણો ‌સીમિત થઈ ગયો છે કેમ કે એનાથી વધુ અસરકારક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ વપરાવાં લાગ્યાં છે. 

ગોરા થવા માટે કેટલું કામનું?
ગ્લૂટથાયોને ફેરનેસ ઇન્ડસ્ટ્રીમાં સારોએવો સિક્કો જમાવી લીધો છે. કહેવાય છે કે ત્વચામાં પિગમન્ટેશન પેદા કરવાની પ્રક્રિયામાં એ ફાયદો કરે છે. મતલબ કે જો કોષોમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે પિગમન્ટેશન વધી ગયું હોય તો ગ્લૂટથાયોનથી ડૅમેજ કન્ટ્રોલમાં મદદ થાય. જોકે કુદરતી રીતે જ ત્વચાને રંગ આપતા મેલૅનિન કણો વધુ હોય તો એ દૂર ન થાય. હા, ટૅનિંગને કારણે કે ટૉક્સિન્સને કારણે મેલૅનિન કણોનું પિગમન્ટેશન ચોક્કસ જગ્યાએ વધી ગયું હોય તો એનાથી ફાયદો થાય. 

બદલાતા સમયમાં હવે ત્વચાના સામાન્ય રંગને એવો જ સ્વીકારવો જોઈએ એવી તટસ્થતા વધી રહી છે ત્યારે ગ્લૂટથાયોનને ડિટૉક્સિફિકેશનના નામે યુઝ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં ડિટૉક્સિ‌ફિકેશનના નામે કોઈ પણ ડાયટ, દવા અને થેરપી ચપોચપ વેચાય છે. પહેલાં માત્ર મૉડલિંગ અને ઍક્ટિંગ ઇન્ડસ્ટ્રીના લોકો જ પોતાની ત્વચાના રંગને નિખારવા આ કૉમ્બિનેશન પાછળ ઘેલા હતા, પરંતુ હવે લગ્ન પહેલાં સુંદર દેખાવા માટે અનેક યુવક-યુવતીઓ ગ્લૂટથાયોન પ્રત્યે આકર્ષાઈ રહ્યાં છે ત્યારે સમજવું પડે કે શું ખરેખર ગ્લૂટથાયોન સેફ છે? જેટલી સહજતાથી હવે લોકો એની તરફ વળી રહ્યા છે એ વર્થ છે ખરું? આ સવાલનો જવાબ આપતાં દસ વર્ષનો અનુભવ ધરાવતા જુહુના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મલય મહેતા કહે છે, ‘યસ, અત્યારે આ વિશેની ઘણી ઇન્ક્વાયરીઝ સામેથી આવતી હોય છે. જોકે પર્સનલી હું એનો હિમાયતી નથી. એનું કારણ એ છે કે આ મૉલેક્યુલથી દરેકને જોઈએ એવાં પરિણામ નથી મળતાં. લગભગ ૫૦-૬૦ ટકા લોકોને જ આ ઇન્જેક્શન્સથી ફૅરનેસમાં ફરક દેખાય છે.’

કઈ રીતે લેવાય?
ગ્લૂટથાયોનની ગોળીઓ હવે ન્યુટ્રાક્યુટિકલ્સ એટલે કે ન્યુટ્રિશન સ‌પ્લિમેન્ટ્સ તરીકે વેચાય છે. ક્રીમ્સમાં પણ એનો ઉપયોગ થાય છે અને ઇન્જેક્શન્સરૂપે પણ. એ બધામાંથી કઈ રીતે આ સપ્લિમેન્ટ લેવાનું ઠીક છે એ વિશે વાત કરતાં ડૉ. મલય મહેતા કહે છે, ‘સૌથી પહેલાં તો વ્યક્તિની જરૂરિયાત શું છે એ જાણીને ડોઝ વગેરે નક્કી થાય. શરૂઆતમાં પંદર દિવસે એક વાર એમ ચારેક સિટિંગમાં ડોઝ અપાય અને એ પછીથી જરૂર પડે તો થોડાક મહિના માટે ઓરલ મેડિસિન ચાલુ રાખી શકાય. અલબત્ત, આ દવાથી આવેલી ફેરનેસ ટેમ્પરરી છે એટલે ફરીથી ચાર-છ મહિનામાં એની અસર જતી રહે એવું બને.’ તો શું આ ટ્રીટમેન્ટ કોને રેકમન્ડ થઈ શકે છે? એના જવાબમાં ડૉ. મલય કહે છે, ‘મારે ત્યાં આવતા પેશન્ટને હું આ માટે સામેથી કદી એન્કરેજ નથી કરતો. છતાં જેમની પ્રોફેશનની જરૂરિયાત હોય અને લેવી જ હોય તો હું આપું છું. હંમેશાં એ વિચારવું જોઈએ કે શું આ જ ટ્રીટમેન્ટ મારી મમ્મી, વાઇફ, બહેન કે પરિવારના અન્ય સભ્યોને રેકમન્ડ કરું? ગ્લૂટથાયોનમાં એનો જવાબ નામાં આવે છે. એનું કારણ એ છે કે એની લાંબા ગાળાની ટ્રાયલ થઈ નથી. સામાન્ય રીતે કોઈ પણ ટ્રીટમેન્ટની લાંબા ગાળાની અસરો શું હશે એ નિ‌શ્ચિત ન થાય ત્યાં સુધી એને માન્યતા મળી શકે નહીં.’

રિસ્ક શું-શું?
ફિલિપીન્સ મેડિકલ બોર્ડ, અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશન અને બ્રિટિશ મેડિકલ અસોસિએશને ઇન્જેક્ટેબલ ગ્લૂટથાયોનની પ્રાણઘાતક સાઇડ-ઇફેક્ટ્સ હોવાનું નોંધ્યું છે એમ છતાં ભારતમાં ખુલ્લેઆમ વિના પ્રિસ્ક્રિપ્શન ગ્લૂટથાયોનનાં ઇન્જેક્શન્સ અને ગોળીઓ વેચાય છે. એની સૌથી ઘાતક સાઇડ-ઇફેક્ટ છે ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાઇસિસ, જેમાં ત્વચા પર રૅશિસ અને ફોડલા નીકળી આવી શકે છે. આ જ કારણોસર કેટલાય દેશોમાં એને સ્કિન લાઇટનિંગ એજન્ટ તરીકે વાપરવા પર પ્રતિબંધ પણ છે. 

નૅચરલી ગ્લૂટથાયોન આ રીતે વધારી શકાય
વે પ્રોટીન : ચીઝ બનાવતી વખતે બાય પ્રોડક્ટ તરીકે નીકળતું વે પ્રોટીન હોય છે એમાં સિસ્ટીન નામનું અમીનો ઍસિડ સારીએવી માત્રામાં હોય છે. 
તરબૂચમાં પણ સિસ્ટીન અમીનો ઍસિડ સારીએવી માત્રામાં હોય છે. ગરમીની સીઝનમાં રોજ તરબૂચ ખાવાથી ટૉક્સિન્સ દૂર થઈને ત્વચા ચોખ્ખી બને છે. 
ચિયા ‌સીડ્સમાં અઢળક માત્રામાં વિવિધ પ્રકારનાં અમીનો ઍસિડ્સ રહેલાં છે. એ ઇનડિરેક્ટ્લી ગ્લૂટથાયોન જેવી અસર કરે છે. 
ગ્રેપફ્રૂટ્સ, સંતરાં, મોસંબી અને લીંબુ જેવાં ખાટાં ફળોથી કોષોમાં રહેલું ગ્લૂટથાયોન રીજનરેટ અને રીસાઇકલ થઈ શકે છે. 
સનફ્લાવર સીડ્સમાં રહેલાં ખાસ અમીનો ઍસિડ્સ શરીરના કોષોમાં પેદા થતું ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે અને લગભગ ગ્લૂટથાયોન જેવું જ કામ આપે છે. 
લસણ, કાંદા, બ્રૉકલી, કાલે જેવી ચીજોમાં સલ્ફર કન્ટેન્ટ વધુ હોય છે. એ પણ ઑક્સિડેશનને કારણે થતા ડૅમેજને અટકાવી શકે છે. 

columnists life and style gujarati community news sejal patel