12 August, 2025 02:23 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
૨૦૨પનું વર્ષ પૂરું થવાને હજી સાડાચાર મહિના બાકી છે, પણ વીતેલા સાડાસાત મહિના જાણે આપત્તિઓની સાડાસાતી લઈને આવ્યું છે. પહલગામ અટૅકથી લઈને ઍર-ક્રૅશ સુધીની કેટલીક ઘટનાઓમાં ‘અટકાવી શક્યા હોત’ના હજી કોઈ વિરોધ સૂર કાઢે છે તો બીજી તરફ ઢગલાબંધ કુદરતી હોનારતોએ દુનિયાને ભીંસમાં લીધી છે. છેલ્લે ઉત્તરાખંડની હોનારત કંપાવી ગઈ. બુદ્ધિમાનોએ કોઈ સ્પિરિચ્યુઅલ વિચારધારા પણ ચાલુ કરવી જોઈએ. કાળ, કર્મ અને કુદરત આ ત્રણ બહુ તાકાતવાન તત્ત્વો છે જેની સામે માણસ બરાબરનો પડ્યો છે. પૃથ્વી, પાણી, પવન વગેરે પરિબળોનું શોષણ છેલ્લા દાયકાઓમાં તેણે ખૂબ વધાર્યું છે. જૈન દર્શનની ષડ્જીવનકાય રક્ષાની વિભાવના અહીં એક વિચાર રૂપે પ્રસ્તુત કરું છું. પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ અને પ્રાણીગણ આ છની રક્ષાવાર્તા ધર્મ કે ગુણની દૃષ્ટિએ નહીં, પણ ફરજની દૃષ્ટિએ પણ સમજવી પડશે. અન્યથા વધતા વિનાશ માટે તૈયાર રહેવું પડશે. કુદરતના પરિબળની સામે તમે પડો ત્યારે એ પરિબળ સામું ત્રાટકે.
(૧) પૃથ્વીનાં પેટાળો સુધીના ખોદકામ, પેટાળમાંથી ખનીજોની બેફામ આયાત દ્વારા માણસ પૃથ્વી પર ત્રાટકે છે ત્યારે ભૂકંપ દ્વારા પૃથ્વી સામી ત્રાટકે છે અને દાયકાઓના દરદનો હિસાબ ગણતરીની ક્ષણોમાં કરી લે છે.
(૨) ભૂગર્ભનાં જળ ભંડારોનું શોષણ, બેફામ જળ વેડફાટ દ્વારા માણસ પાણી પર ત્રાટકે છે તો જળપ્રલય, પૂર જેવી હોનારતો એ પાણીનો વળતો પ્રહાર છે.
(૩) વીજળીનો બેફામ ઉપયોગ માણસ દ્વારા થયેલો અગ્નિ તત્ત્વ પરનો અપરાધ છે. આગના અગણિત બનાવો અગ્નિ તત્ત્વની માણસ સામે સેકન્ડ ઇનિંગ છે.
(૪) વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવીને બગાડેલો ઍર-ઇન્ડેક્સ જો પવન ઉપરનો માનવ અપરાધ છે તો વાવાઝોડા અને સાયક્લોન પવનનો માણસને આપવામાં આવેલો સણસણતો જવાબ છે.
(૫) જંગલો, વૃક્ષોના આડેધડ નિકંદનના માનવ અપરાધ સામે દુકાળ અને અન્નની અછત વનસ્પતિ તત્ત્વનું બૂમરૅન્ગ છે.
(૬) કતલ, મચ્છીમારી, ઈંડાં, પૉલ્ટ્રી જેવાં પ્રાણીવધનાં ઘોર પાપ સામે વાઇરસ અને બૅક્ટેરિયાનો આતંક પણ એક જવાબ છે. પહેલવાન સામે કુસ્તીમાં ઊતરાય પણ પ્રકૃતિ સામે કુસ્તીમાં ટકી શકે તેવો કોઈ પહેલવાન પૃથ્વી પર ક્યારેય પાક્યો નથી અને પાકશે પણ નહીં. બનતી દુર્ઘટનાઓ અને હોનારતો એ કુદરતની આગામી હૉરર ફિલ્મનાં ટીઝર હોઈ શકે. ચેતી જવાની જરૂર ખરી.