ડેડ બૉડ : પુરુષોમાં કસરત ન કરવાનું એક નવું કારણ

02 September, 2019 04:17 PM IST  |  | મૅન્સ વર્લ્ડ - અર્પણા શિરિષ

ડેડ બૉડ : પુરુષોમાં કસરત ન કરવાનું એક નવું કારણ

થોડા સમય પહેલાં પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સાથેના વેકેશનના કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા. ફોટોમાં પ્રિયંકા પર્ફેક્ટ દેખાતી હતી, પણ નિકનું થોડું પેટ બહાર આવેલું હતું અને પ્રિયંકાના ફૉલોઅર્સ આ જ વાતને લઈને તેના પર તૂટી પડ્યા હતા. અમેરિકામાં હાલમાં જેનો ટ્રેન્ડ છે એવી બૉડીટાઇપ એટલે કે ડેડ બૉડ જેવું શરીર નિકનું લાગી રહ્યું છે એવી કમેન્ટ લોકોએ આપી હતી. પાશ્ચાત્ય દેશોમાં હાલમાં એવી પણ હવા છે કે યુવતીઓને સિક્સ પૅક ઍબવાળા પર્ફેક્ટલી ફિટ પુરુષો કરતાં ડેડ બૉડ ધરાવતા પુરુષો વધુ આકર્ષક લાગે છે.

જોકે ફિટનેસ-એક્સપર્ટ અને ન્યુટ્રિશનલિસ્ટોના મતે આ મન મનાવવાની તેમ જ કસરત અને ડાયટ કરવાથી છૂટવાનું એક બહાનું છે. આપણા ગુજરાતી ભાઈઓની જ વાત કરીએ તો મોટા ભાગના કહે છે કે એક્સરસાઇઝ તો કરી લઈશું, પણ ખાવાનું નહીં છોડી શકાય. જોકે એમાં કેટલાક બાકાત એવા પણ છે જે ફિટનેસ માટે ખૂબ સજાગ બની ગયા છે. ચાલો મળીએ એવા કેટલાક ફિટનેસપ્રિય પુરુષોને.

શું છે ડેડ બૉડ?

 ડેડ બૉડ એટલે એવું શરીર જેમાં ફિટનેસનું ધ્યાન જરાય ન રાખવામાં આવતું હોય, થોડી ફાંદ દેખાતી હોય અને ઍબ્સની તો કોઈ નિશાનીએ ન હોય. ટૂંકમાં કન્સેપ્ટ એવો છે કે એક વાર લગ્ન થઈ જાય કે પછી પપ્પા બની ગયા એટલે શરીરનું ધ્યાન રાખવાની શી જરૂર? વળી કેટલાક પુરુષો આ કન્સેપ્ટને બૉડી પૉઝિટિવિટી સાથે જોડી રહ્યા છે. કેટલાક તર્ક તો એવા છે કે પર્ફેક્ટલી ફિટ ઍબ્સ ધરાવતા પુરુષો કરતાં થોડી ફાંદ ધરાવતા પુરુષો વધુ ખુશ અને રિલૅક્સ રહે છે. આ વિશે વધુ જણાવતાં સ્ક્વૉટ ગ્રુપના ફિટનેસ-કન્સલ્ટન્ટ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. અનિકેત જાધવ કહે છે, ‘ડેડ બૉડ એ લોકો માટે છે જેઓ એક્સરસાઇઝ માટે સમય નથી મળતો એવું કહીને પોતાના શરીરને જેમ છે એમ જ એક્સેપ્ટ કરી જીવન ગાળવા માગે છે. જોકે આ કન્સ્પ્ટ જરાય હેલ્ધી નથી. અત્યારે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીજી પણ ફિટનેસને આટલી પ્રમોટ કરી રહ્યા છે ત્યારે પુરુષોએ લાઇફમાં સેટલ થયા બાદ શરીર પર ધ્યાન ન આપવું જોઈએ એ કન્સેપ્ટ જ ખોટો છે. સિક્સ પૅક ઍબ હોવાની જરૂર નથી, પણ ફિઝિકલી ઍક્ટિવ રહેવું જરૂરી છે. આજે જ્યારે બધું જ આંગળીના ટેરવે અવેલેબલ હોય છે ત્યારે લોકો ચીજો ખરીદવા માટે બહાર નીકળવાનું પણ ભૂલી ગયા છે એવામાં ફિઝિકલ ઍક્ટિવિટી-લેવલ ઝીરો થઈ ગયું છે અને પછી આ ટાઇપના અનહેલ્ધી બૉડી કન્સેપ્ટ લોકોને સારા લાગવા લાગે છે. અત્યારના સમયમાં જો તમે ફિઝિકલી ફિટ ન રહો તો તમે તમારી આ જ આદત આગળની પેઢીને ભેટ આપી રહ્યા છો.’

આ પણ વાંચો: હજારો યંગ મમ્મીઓનો પ્રૉબ્લેમ સોલ્વ કરી આપ્યો આ મમ્મીએ

પર્સનાલિટી આપી મને ફિટનેસે :  રજનીકાંત જાદવ

અકાઉન્ટિંગ છોડીને પૂરી રીતે ફિટનેસને સમર્પિત થઈ ગયેલા ૩૧ વર્ષનો રજનીકાંત જાદવ જ્યારે કૉલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે તેનું શરીર એટલું પાતળું હતું કે તેને જ પોતાની પર્સનાલિટી ખટકવા લાગી. આ વિશે જણાવતાં ત કહે છે, ‘પ્રૉપર હાઇટ-બૉડી ન હોય એટલે જિમમાં જઈએ તો ટ્રેઇનર પણ ભાવ ન આપે. મારે બસ મારી પર્સનાલિટી સુધારવી હતી અને એ માટે પ્રૉપર ફિઝિકલ ટ્રેઇનિંગ જરૂરી હતી. જિમ જવાનું શરૂ કર્યું અને જ્યારે પોતાના શરીરમાં બદલાવ દેખાવા લાગ્યો ત્યારે ફિટનેસની આ લેન એટલી પસંદ પડી ગઈ કે મેં અકાઉન્ટિંગ છોડીને પૂરી રીતે ફિટનેસ પર કૉન્સન્ટ્રેટ કરવાનું શરૂ કરી દીધું અને પછી મેં મારી કરીઅર ફિટનેસ-ટ્રેઇનર તરીકે શરૂ કરી. આપણે ગુજરાતી ફૅમિલીઓમાં એક ગેરમાન્યતા છે કે આપણે તો ખાઈ-પીને મજા કરવાની. એ સિવાય પ્રોટીન્સ ન લેવાય, એ શરીર માટે સારાં નહીં, પછી ન લઈએ તો નુકસાન થાય એવી ખોટી માન્યતાઓ લોકોમાં ઘર કરી ગઈ છે, પરંતુ એવું કાંઈ નથી. આજે જેટલી બૉડીની કૅર કરશો અને જરૂરી વિટામિન, મલ્ટિ વિટામિન શરીરને આપશો, ૫૦ પછી એટલું જ તમારું બૉડી સારી રીતે કામ કરશે. ખાવાનો શોખ મને પણ છે, પણ કન્ટ્રોલ કઈ રીતે કરવો એની પણ મને ખબર છે. મહિનામાં એક વાર ચીટ ડે હોય છે. જ્યારે હું જે મન થાય એ ખાઈ લઉં છું. જોકે એક્સરસાઇઝ ક્યારેય ચૂકતો નથી. દરરોજ એકથી દોઢ કલાક વર્કઆઉટ કરવાનું એટલે કરવાનું. જો હું જ ફિટ ન હોઉં તો મારા ક્લાયન્ટ્સને શું સલાહ આપીશ? જે રીતે કસરત કરવી અને ફિઝિકલી ઍક્ટિવ રહેવું જરૂરી છે એ જ રીતે ખાવા પર કન્ટ્રોલ કરવો પણ જરૂરી છે. એમાં એક કલાક વર્કઆઉટ કરવો અને પછી ઘરે આવીને દબાવીને ખાઓ તો એનો કોઈ અર્થ નથી.

 સવાર-સાંજ વૉક પર જાઉં છું, હવે યોગ શરૂ કરવો છે : ધવલ શાહ

બોરીવલીમાં રહેતા ધવલ શાહ આઇટી સેક્ટરમાં સર્વિસ કરે છે. તેમને સાડાચાર વર્ષની એક દીકરી છે. શરીર માટે ફિઝિકલ ઍક્ટિવિટી અને ખાણી-પીણીમાં નિયમ જાળવવા જરૂરી છે, એવું તેમને થોડા મહિના પહેલાં જ સમજાયું. ૩૩ વર્ષનો ધવલ કહે છે, ‘વજન દિવસે-દિવસે વધતું જતું હતું અને એક દિવસ જાણે અંદરથી અવાજ આવ્યો કે હવે બસ, વધુ ચાલવું પડે તો સ્ટૅમિના જ નથી રહેતો. કોઈ ભારે કામ નથી થતાં એટલે હવે વજન ઘટાડવું જ પડશે એવું લાગ્યું. ડાયટિશ્યનની સલાહ લીધી અને તરત જ જન્ક ફૂડ ખાવાનું જાતે જ બંધ કરી દીધું. આજે હું સવારે અને સાંજે જેમ ટાઇમ મળે તેમ વૉક કરવા નીકળી જાઉં છું. એ સિવાય બહારનું ખાવાનું પૂરી રીતે બંધ કરી દીધું છે અને એમાં મારી પત્ની પણ મારો સારી રીતે સાથ આપે છે. નૉર્મલી આપણે ત્યાં ડાયટ કરવી હોય તો ફૅમિલીવાળા ‘જવા દોને! ખાઈ લોને!’ એમ કરીને ડિમોટિવેટ કરતા હોય છે. શરીરની હેલ્થ જાળવવી હોય તો ફિઝિકલી ઍક્ટિવ રહેવું જ પડશે એ મને હવે સમજાઈ ગયું છે. વૉક પર તો જાઉં જ છું, પણ હવે યોગ શરૂ કરવાનું પણ પ્લાનિંગ છે. આ સિવાય હું ખાવાનો પણ ખૂબ શોખીન છું, પણ કન્ટ્રોલ કરતાં શીખી ગયો છું. ક્યારેક એવું થાય કે ફૅમિલી ફંક્શનમાં જવાનું હોય અને ડાયટ ફૉલો ન થાય તો ત્યાં ખાધા પછીના ૬ દિવસ હું સ્ટ્રિક્ટ ડાયટ પાળું છું. બૉડી પૉઝિટિવિટી વગેરે એક્સરસાઇઝ ન કરવાનાં બહાનાં છે. ફિઝિકલી ફિટ રહેવું હોય તો ઍક્ટિવિટી-લેવલ વધારવું જોઈએ.

આ પણ વાંચો: બુલેટપ્રૂફ કૉફી ટ્રાય કરી કે?

દાદરા ચડતાં હાંફી ગયો એટલે સમજાઈ ગયું : જનક પ્રજાપતિ

૩૯ વર્ષના નાહૂરમાં રહેતા જનક પ્રજાપતિ રિયલ એસ્ટેટ ફીલ્ડ સાથે સંકળાયેલા છે. સવારે ઘીવાળાં પરોઠાં પછી ફુલ લંચ, સાંજે ચા સાથે સારોએવો નાસ્તો અને રાતે મસ્ત ફુલ ડિશ ડિનર આ તેમનો એકાદ વર્ષ પહેલાંનો ખાવાનો ક્વોટા હતો. એ સિવાય વચ્ચે ક્યારેક કંઈક ખાવાનું મન થાય તો એ પણ ખાઈ લે. જોકે હવે તેઓ ચા પણ નથી પીતા અને જેટલું તેમના ડાયટમાં જરૂરી હોય એટલું જ ખાય છે, પણ આવો ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો કઈ રીતે એ વિશે વાત કરતાં જનક કહે છે, ‘મારું કામ કન્સ્ટ્રક્શનની સાઇટ પર હોય. ઊંચાં બિલ્ડિંગ અને લિફ્ટ રેડી ન હોય કે કંઈ પ્રૉબ્લેમ હોય ત્યારે ક્લાયન્ટને ફ્લૅટ દેખાડવા દાદરા ચડવા-ઊતરવા પડે.  બન્યું એવું કે મારી સાથે  મારાથી યંગ એક ક્લાયન્ટ હતો અને અમે બન્ને દાદરા ચડી રહ્યા હતા. કેટલાક માળ ચડ્યા પછી હું હાંફવા લાગ્યો, પણ જ્યારે મેં મારા ક્લાયન્ટને જોયું તો તેના પર થાક જરાય દેખાતો નહોતો. બસ ત્યારે ધારી લીધું કે હવે વજન ઘટાડવું જ છે. ત્યારે મારું વજન ૯૬ કિલો હતો. હવે જિમ જવાનું ચાલુ કર્યું છે. સવારે નાસ્તાથી લઈને રાતે જમવા સુધી બધું જ ડાયટમાં બંધ બેસે એ રીતે ખાઉં છું. એ ઉપરાંત બહારનું તો બિલકુલ ખાવાનું છોડી જ દીધું છે. અહીં મનોબળ મક્કમ હોય તો કંઈ પણ શક્ય છે. આપણા શરીરનો સૌથી મોટો દુશ્મન એટલે સાકર. હું સ્વીટ ખાવાનો પણ શોખીન હતો. જોકે હવે પાવર એટલો થઈ ગયો છે કે સામે સ્વીટ પડી હોય તો પણ મન નથી થતું કે હું એ ખાઉં. છેલ્લા ૭ મહિનામાં ખાસ્સું વજન પણ ઉતાર્યું અને હવે મારું શરીર મને ખરેખર ગમવા લાગ્યું છે. તમે જ્યારે ફિઝિકલી ઍક્ટિવ હો ત્યારે શરીરની સાથે મગજ પણ તંદુરસ્ત રહે.  હવે હું પોતે જ્યારે આટલો ઍક્ટિવ બની ગયો છું તો બીજાને પણ ફિટનેસ તરફ કરવામાં જરાય નથી સંકોચાતો.

columnists gujarati mid-day