બુલેટપ્રૂફ કૉફી ટ્રાય કરી કે?

Published: Aug 16, 2019, 11:19 IST | અર્પણા શિરીષ | મુંબઈ ડેસ્ક

કૉફીને બ્રેકફાસ્ટના પર્યાય તરીકે પસંદ કરવામાં આવી રહી છે. જાણો ખરેખર કેટલું અસરદાર છે આ વેઇટલૉસ ડ્રિન્ક

બુલેટપ્રુફ કૉફી
બુલેટપ્રુફ કૉફી

તાજેતરમાં બૉલીવુડ ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસે પોતાના મૉર્નિંગ રૂટીનમાં આ કૉફીનો ઉલ્લેખ કર્યો હતો. તાજી કૉફી, મીઠા વગરનું માખણ અને વર્જિન કોકોનટ ઑઇલ આ ત્રણેનું મિશ્રણ ડાયટની દુનિયાનો નવો ટ્રેન્ડ છે; જેને કહેવામાં આવે છે બુલેટપ્રૂફ કૉફી. એક ખાસ પ્રકારની ડાયટમાં આ કૉફીને બ્રેકફાસ્ટના પર્યાય તરીકે પસંદ કરવામાં આવી રહી છે. જાણો ખરેખર કેટલું અસરદાર છે આ વેઇટલૉસ ડ્રિન્ક

જો તમે જિમ જતા હો તો આ કૉફી વિશે જરૂર સાંભળ્યું હશે. તાજેતરમાં બૉલીવુડ ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ એ પોતાના મૉર્નિંગ રૂટીન વિશે જણાવતાં કહ્યું હતું કે તે સવારે ઊઠીને વર્કઆઉટ કરે છે અને પછી તરત જ બુલેટપ્રૂફ કૉફી પીએ છે. ફક્ત જૅકલિન જ નહીં, અનેક બૉલીવુડ અને હૉલીવુડ સેલિબ્રિટી આજકાલ બુલેટપ્રૂફ કૉફીનાં વખાણ કરતા થાકતા નથી. તાજી કૉફી, મીઠા વગરનું માખણ અને વર્જિન કોકોનટ ઑઇલ આ ત્રણેનું મિશ્રણ ડાયટની દુનિયાનો નવો ટ્રેન્ડ છે; જેને કહેવામાં આવે છે બુલેટપ્રૂફ કૉફી. એક ખાસ પ્રકારની ડાયટમાં આ કૉફીને બ્રેકફાસ્ટના પર્યાય તરીકે પસંદ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે એ સવારે લેવાથી ચરબી ઓગળે છે અને એનર્જીમાં વધારો થાય છે. પહેલાં કૉફી વિશે જાણીએ અને પછી તેની અક્સીરતા પર વાતો કરીએ.

ક્યાંથી આવી?
નેપાલમાં ત્યાંના પ્રાણી યાકના દૂધમાંથી બનતા માખણને ચામાં ઉમેરવામાં આવે છે. નેપાલની આ રેસિપીથી પ્રેરણા લઈને કૅલિફૉર્નિયાની સિલિકૉન વૅલીના ડેવ એક્સપ્રે નામના એક બિઝનસમૅન અને લેખકે ૨૦૧૩માં બુલેટપ્રૂફ નામની કંપનીની શરૂઆત કરી હતી અને ૨૦૧૭માં તેણે બુલેટપ્રૂફ ન્યુટ્રિશન હેઠળ આ કૉફીની શોધ કરી. આ બિઝનેસમૅન લાઇફ-સ્ટાઇલ ગુરુ તરીકે પ્રખ્યાત છે. તેમનું કહેવું છે કે સવારના પહોરમાં સાડાચારસોથી વધુ કૅલરીવાળી આ કૉફી લેવામાં આવે તો એ આખા દિવસની ભૂખને દબાવી દે છે, વજનને ઘટાડે છે અને શરીરને ઊર્જા આપે છે. એ સિવાય તેમનો દાવો છે કે આ કૉફી પીવાથી વજન તો ઘટે જ છે પણ સાથે ઊંઘ પણ સારી આવે છે અને બ્રેઇન પાવર પણ મજબૂત બને છે. જોકે આ વિશેના કોઈ વૈજ્ઞાનિક દાવા નથી.

કીટોજેનિક ડાયટ
વજન ઘટાડવા માટે ડાયટપ્રેમીઓ અને નવી પ્રકારની ડાયટના પ્રયોગ કરતા હોય છે, જેમાંની એક એટલે કીટો તરીકે ઓળખાતી કીટોજેનિક ડાયટ. આ પ્રકારની ડાયટમાં એવો ખોરાક લેવામાં આવે છે જેમાં ફૅટનું પ્રમાણ વધારે અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય. કહેવાય છે કે કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું કરવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જેના લીધે ચરબી ઓગળે છે. બુલેટપ્રૂફ કૉફીનો સમાવેશ આ જ ડાયટમાં થાય છે.

બુલેટપ્રૂફ કૉફી બ્રેકફાસ્ટના પર્યાય તરીકે શું કામ પીવી જોઈએ એ વિશે કહેવાય છે કે સવારના સમયે જ્યારે તમે ઓટ્સ, ટોસ્ટ, ફ્રૂટ કે બીજી કોઈ ચીજથી દિવસની શરૂઆત કરો ત્યારે તમારી બ્લડ-શુગરના લેવલમાં વધારો થાય છે અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. પણ આ ચીજોમાં શુગરનું પ્રમાણ ઓછું હોવાને લીધે બેત્રણ કલાકમાં જ તમને ફરી પાછી ભૂખ લાગે છે. બરાબર આની વિરુદ્ધ બુલેટપ્રૂફ કૉફીમાં ઉમેરવામાં આવતા માખણ કે ઘીમાં સૅચ્યુરેટેડ ફૅટ હોય છે. જે સામાન્ય કૉફીના પ્રમાણમાં શરીરને વધુ સમય માટે એનર્જેટિક રાખે છે. બુલેટપ્રૂફ કૉફીની બનાવટમાં વપરાતા મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસરાઇડ ઑઇલને લીધે ભૂખ ઓછી લાગે છે. આ એક એવા પ્રકારનું તેલ હોય છે, જેમાં લૅબોરેટરીમાં પ્રયોગ દ્વારા પ્રોસેસ કરીને વધારાના માનવનિર્મિત ફૅટ્સ ઉમેરવામાં આવે છે. આ તેલની ખાસિયત એ છે કે એ શરીરમાં જતાં જ આ તેલ કેટોન્સમાં ફેરવાઈ જાય છે, જે જ્યારે કૉફીમાં રહેલા કૅફીન સાથે ભળે ત્યારે મગજને જાગ્રત કરે છે.

ટાઇપ ટૂ ડાયાબિટીઝમાં ફાયદાકારક
રિસર્ચ કહે છે કે જે ડાયટમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય એ ટાઇપ ટૂ ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે આદર્શ છે. ટાઇપ ટૂ ડાયાબિટીઝ ધરાવતા લોકો ઓછા કાર્બોહાઇડ્રેટવાળી ડાયટને ફૉલો કરીને વજન ઘટાડી શકે છે તેમ જ તેમના બ્લડ-શુગર લેવલને કન્ટ્રોલમાં રાખી શકે છે.

ભૂખ ઘટાડે છે
સવારના સમયે સવારના લાગતી ભૂખને કન્ટ્રોલ કરવામાં બુલેટપ્રૂફ કૉફી મદદરૂપ બને છે. એક સામાન્ય કૉફીની સરખામણીમાં જ્યારે તમે કૉફીમાં તેલ અને બટર અથવા ઘી ઉમેરો ત્યારે પેટ ભરેલું રહે છે અને દિવસભર ભૂખ ઓછી લાગે છે. એ સિવાય એનર્જી વધુ પ્રમાણમાં મળતી હોવાને કારણે બુલેટપ્રૂફ કોફી એક ઉત્તમ પ્રી-વર્કઆઉટ ડ્રિન્ક બને છે.

નુકસાન પણ છે
આ કૉફીના કહેવાતા ફાયદા પ્રમાણે નુકસાન પણ છે. આ વિશે વાત કરતાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ શેઠ કહે છે, ‘બુલેટપ્રૂફ કૉફીમાં બટર અને તેલ ઉમેરવામાં આવતું હોવાને કારણે એમાં ફૅટનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે સવારે એક બૅલૅન્સ બ્રેકફાસ્ટ લેવાની જગ્યાએ આવી કૉફી પીવી એ શરીર માટે લાંબા સમયે નુકસાન કરી શકે છે.’

પોષણની કમી
કહેવત છે કે સવારનો નાસ્તો એક કિંગની જેમ કરવો જોઈએ. એટલે કે સવારના સમયે બને એટલો પોષણથી ભરપૂર અને સારો ખોરાક લેવો જોઈએ. આ વિશે જણાવતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘જે પોષક તત્ત્વો સારા અને સંપૂર્ણ બ્રેકફાસ્ટમાંથી મળશે એ ફક્ત એક કપ કૉફીમાંથી નહીં મળી શકે. ભલે વધુ પ્રમાણમાં ફૅટ્સ મળતા હોય અને તમારી ભૂખ સંતોષાતી હોય તો એ બુલેટપ્રૂફ કૉફીમાં બીજાં જરૂરી પોષક તત્ત્વોની કમી હોય છે જેને કારણે એ બ્રેકફાસ્ટનો એક પર્યાય ક્યારેય ન બની શકે.’

સૅચ્યુરેટેડ ફૅટ‍નું પ્રમાણ
આ કૉફીમાં માખણ અને તેલના લીધે એમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. મોટા ભાગના હેલ્થ એક્સપર્ટ આ ફૅટને શરીર માટે નુકસાનકારક જણાવ્યું છે. આ સિવાય આગળ જતાં હૃદયવિકાર પણ ઉદ્ભવી શકે છે.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

કૉલેસ્ટરોલના લેવલમાં વધારો
કીટોજેનિક ડાયટમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધુ હોય છે, કૉલેસ્ટરોલ લેવલ વધારી શકે છે. અહીં જો પહેલેથી કૉલેસ્ટરોલની તકલીફ હોય તો એ પણ આગળ જતાં શરીર માટે વધુ નુકસાનકારક બની શકે છે. તેમ જ એકલી બુલેટપ્રૂફ કૉફી ફિટનેસનું રહસ્ય ન બની શકે. જો વજન ઘટાડવું હોય તો બુલેટપ્રૂફ કૉફી સાથે બૅલૅન્સ્ડ ડાયટ અને વર્કઆઉટ મહત્ત્વનાં છે. છેવટે વજન ત્યારે જ ઘટી શકે જ્યારે શરીરમાં કોઈ પણ સ્વરૂપે લીધેલી કૅલરીને વર્કઆઉટ કરીને બાળવામાં આવે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK