આજે પ્રજાસત્તાક દિન : સંવિધાન નહીં, માણસની માનસિકતા મહત્ત્વની પુરવાર થતી હોય છે

26 January, 2023 07:26 PM IST  |  Mumbai | Manoj Joshi

કઘહે છેને કે માણસના જાહેરમાં હોય છે એ વ્યક્તિત્વનો કોઈ આધાર ન બનાવી શકાય, પણ તે એકલો હોય ત્યારે કેવો છે અને કેવું વર્તે છે એ સૌથી મહત્ત્વનું છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મોટા ભાગના લોકો એવું માને છે કે સંવિધાન બહુ મહત્ત્વનું છે; પણ ના, એવું નથી. સંવિધાન નહીં, માણસનો સ્વભાવ, તેની માનસિકતા અને આચરણ માટેની તેની તૈયારી જ સૌથી મહત્ત્વનાં હતાં, છે અને રહેશે. ન્યુ ઝીલૅન્ડમાં છેલ્લાં ૫૦ વર્ષમાં એક પણ રેપ નથી થયો, દુબઈમાં ચોરી નથી થતી, અમેરિકામાં સિગ્નલ તોડવાની ઘટના છેલ્લાં ૧૫ વર્ષમાં નથી બની. આ અને આ પ્રકારના જે નિયમો છે એ નિયમો પાછળ કોને આધારભૂત ગણી શકાય? સંવિધાન, કાયદો, નિયમો; કોને?

કોઈને નહીં, વ્યક્તિની માનસિકતા, તેના સ્વભાવ અને આચરણ માટેની તેની તૈયારી જ આ બધા પાછળ જવાબદાર છે. કઘહે છેને કે માણસના જાહેરમાં હોય છે એ વ્યક્તિત્વનો કોઈ આધાર ન બનાવી શકાય, પણ તે એકલો હોય ત્યારે કેવો છે અને કેવું વર્તે છે એ સૌથી મહત્ત્વનું છે. માણસ એકલો હોય ત્યારે જે તેનું વર્તન છે એ જ તેનું વ્યક્તિત્વ. કોઈ જોતું ન હોય અને એ પછી પણ તમે જો તમારા નિયમોનું પાલન કરો, તમે તમારા સંવિધાનનું ઉલ્લંન કરવાનું વિચારો નહીં તો એ સાચી નાગરિકતા છે અને આજના આ પ્રજાસત્તાક દિને આપણે સૌએ એ જ નક્કી કરવાનું છે કે આપણી માનસિકતામાં સુધારો થાય અને નાનામાં નાની વાતને પણ આપણા વ્યક્તિત્વ સાથે જોડીને આપણે વધારે બહેતર બનવાની કોશિશ કરીએ.

જ્યાં ગુના નથી ત્યાં માત્ર સંવિધાન જવાબદાર નથી જ નથી. હા, બને કે શરૂઆતમાં કડકાઈ દાખવવામાં આવી હોય, પણ એ કડકાઈની પાછળ હેતુ સર્વજન સુખાય, સર્વજન હિતાયનો જ રહ્યો છે અને જ્યાં સુધી હેતુ એવો રહેશે ત્યાં સુધી નિશ્ચિતપણે દેશનું સંવિધાન પણ એટલું જ અગત્યનું રહેશે જેટલું વ્યક્તિનું વ્યક્તિત્વ મહત્ત્વનું છે.

આ પણ વાંચો: જેમ તમે ખુશ્બૂ અનુભવી શકો, વર્ણવી ન શકો એવું જ પ્રમુખસ્વામીનગરનું છે

રસ્તા પર થૂંકવું ન જોઈએ અને ક્યાંય પીપી કરવા માટે ઊભા રહેવું અયોગ્ય છે. કચરો ફેંકવો એ આપણા જ દેશને ગંદો બનાવવા સમાન છે. આ અને આ પ્રકારની વાતો માણસ ભૂલ્યો એટલે જ તેને માટે દેશમાં કાયદા બન્યા. અમેરિકા, સિંગાપોરમાં પણ એ માટેના કાયદા છે જ છે, પણ એમ છતાં એ કાયદાઓથી સરકારને કોઈ એવી આવક નથી થતી; કારણ, કારણ કે પ્રજા સમજી ગઈ છે કે આ આપણને શીખવવા માટે હતું. શીખો અને જો ન શીખવું હોય તો પરસેવાની કમાણી ચૂકવવાની તૈયારી રાખો. આજના આ સપરમા દિવસે દેશના સંવિધાનની રચના થઈ હતી, પણ આ સંવિધાનને આજે પણ એ નાગરિકનો ઇન્તેજાર છે જે જાહેરમાં જેવો હોય એવો જ ખાનગીમાં છે. જેના વ્યક્તિત્વમાં કોઈ શેડ્સ નથી અને જેના આચરણમાં ક્યાંય બેફિકરાઈ નથી. તે રાષ્ટ્રભાવને સૌથી પહેલાં આંખ સામે રાખે છે અને એ ભાવ સાથે જ આગળ વધે છે.

સંવિધાનના આજના આ અત્યંત મહત્ત્વના દિવસે કહેવાનું એટલું જ કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો આપણને આ અવસર મળ્યો છે એ આગામી વર્ષોમાં પણ મળતો રહે એવા ભાવ સાથે થોડા વધારે ગંભીર થઈને સંવિધાનનું પાલન કરીએ અને એ પાલન કરવાની સાથોસાથ રાષ્ટ્રને કાયદા થકી નહીં, પણ વ્યક્તિત્વ થકી વધારે ઊજળું બનાવીએ. સંવિધાન પર્વની ખૂબ-ખૂબ શુભેચ્છા.

columnists manoj joshi republic day