09 February, 2025 06:57 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
અખબારો, ટીવી-ચૅનલ્સ અને સોશ્યલ મીડિયામાં હાલમાં સૌથી વધુ ચર્ચા મહાકુંભ વિશે થઈ રહી છે. કરોડો લોકો દેશભરમાંથી અને કેટલાય લોકો વિદેશથી આ અવસરમાં સામેલ થઈ રહ્યા હોવાથી આની વાતો હાલ પિક પર છે. મહાકુંભની ચર્ચાએ આ વખતે નવી પેઢીમાં પણ ખાસ્સો રસ જગાવ્યો છે. ત્રિવેણી સંગમ (જ્યાં ગંગા, જમુના અને સરસ્વતી નદી એકમેકને મળે છે એ સંગમ)ની વાતોની વિરાટ લહેરમાં ત્યાં નહીં જનારા લોકો પણ ભરપૂર સ્નાન કરી રહ્યા છે.
બીજી બાજુ, આ વિષયમાં ચોક્કસ વ્યવસ્થાના મામલે સરકારની ટીકા પણ થઈ રહી છે. જોકે આ ટીકાઓ પર પાણી ફરી જાય એટલા વેગથી મહાકુંભનો માહોલ છવાઈ ગયો છે. અમારે આના ધાર્મિક કે આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે વાત કરવી નથી, બલકે લોકોની આસ્થા અને શ્રદ્ધા વિશે ચર્ચાની જરાસરખી ઝાંકી કરવી છે જે એટલા માટે જરૂરી છે કે ભારત ધર્મ અને શ્રદ્ધાના નામે હજી પણ ક્યાંક તણાઈ રહ્યો હોવાનું લાગી શકે. જોકે એમાં સાચું-ખોટું શું એના જજમેન્ટમાં આપણે પડાય નહીં. આ પ્રકારના વિષયને બુદ્ધિથી તોલી શકાય નહીં. અમને તો આ માહોલ જોઈ ગંગા નદીના મહિમાને સાર્થક રીતે રજૂ કરતા એક જૂના ગીતની વાત કરીને ચૂપ થઈ જવું છે.
આજની યંગ પેઢીએ આ ગીત સાંભળ્યું નહીં હોય, પરંતુ આ ગીત આજની પેઢીએ સાંભળવું તેમ જ સમજવું આવશ્યક છે. આ ગીતની ત્રણેય પંક્તિઓ ગંગા નદીની વિરાટતા, પવિત્રતા, અને મહાનતાને ઊંચા શિખરે મૂકતી હોવાથી એનું મનન વિચાર કરવા પ્રેરે છે.
ગીતનું ટાઇટલ છે ‘ગંગા તેરા પાની અમૃત’. ગીતની પંક્તિઓ માત્ર એમ જ રજૂ કરી દઈએ તો પણ પર્યાપ્ત છે. આ શબ્દો પણ મહાકુંભ જેવા મહાન છે.
ગંગા તેરા પાની અમૃત, ઝર ઝર બહેતા જાએ, યુગ-યુગ સે ઇસ દેશ કી ધરતી તુઝસે જીવન પાએ.
દૂર હિમાલય સે તૂ આયી, ગીત સુહાને ગાતી, બસ્તી બસ્તી, જંગલ જંગલ સુખ સંદેશ સુનાતી, તેરી ચાંદી જૈસી ધારા, મિલોં તક લહેરાએ...
જિતને સૂરજ ઉભરે ડૂબે ગંગા તેરે દ્વારે, યુગોં યુગોં કી કથા સુનાએ તેરે બહતે ધારે, તુઝકો છોડકર ભારત કા ઇતિહાસ લિખા ના જાએ...
ઇસ ધરતી કા દુખ-સુખ તુને અપને બિચ સમોયા, જબ જબ દેશ ગુલામ હુઆ હૈ તેરા પાની રોયા,
જબ જબ હમ આઝાદ હુએ, તેરા તટ મુસ્કાએ...
આ શબ્દોમાં ગંગા નદીનો મહિમા સમાઈ જાય છે. આ ગીતને મોહમ્મદ રફીજીના અવાજમાં સાંભળવું એ પણ એક લહાવો છે. જેમ મહાકુંભની અનુભૂતિ ત્યાં જઈને થઈ શકે એમ આ ગંગા નદીની મહાનતાની અનુભૂતિ આ શબ્દોના ઊંડાણમાં જઈને થઈ શકે. આ સત્ય સમજાય તો પણ આપણે ગંગા નાહ્યા કહી શકીએ.
સમજ, નાસમજ, અધૂરી સમજ, ગેરસમજ...