✕

છોડ પણ - ને બણ અને ચાલી નીકળ

08 November, 2026 07:30 AM IST  |  Mumbai | Hiten Anandpara

આજની મહેફિલમાં થોડાક મર્મસ્પર્શી વિચારોને લઈને ચાલી નીકળીએ. મસ્ત હબીબ ‘સારોદી’ પરમનિયંતા પ્રત્યેની પારાવાર શ્રદ્ધા પ્રગટ કરે છે...

પ્રતીકાત્મક તસવીર

૨૦૦૯થી ચાલી રહેલી આ કટારના સૌ વાચકોને દિવાળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન. મોબાઇલ ન્યુઝના જમાનામાં હજી પણ જેમને અખબાર વાંચ્યા વગર ‘ચેન પડે ના આમ્હાલા’ જેવી ફીલિંગ થાય છે એ સર્વને વંદન. ગુજરાતી ભાષા માટે જેમને હજી પણ લાગી આવે છે તેમની ચિંતાનું ચંદન બારાખડીની બહારને પરવશ પાનખર બનતાં રોકે એવી અંતરતમ પ્રાર્થના. આજની મહેફિલમાં થોડાક મર્મસ્પર્શી વિચારોને લઈને ચાલી નીકળીએ. મસ્ત હબીબ ‘સારોદી’ પરમનિયંતા પ્રત્યેની પારાવાર શ્રદ્ધા પ્રગટ કરે છે...

ચાલી રહ્યું છે ભાગ્યનું ચક્કર કહ્યા વિના
એના જ ફેરમાં છું બરાબર કહ્યા વિના

દુઃખ એ કરે છે દૂર, નિરંતર કહ્યા વિના
ચાલું ન કેમ, એના કહ્યા પર કહ્યા વિના

સમસ્યાથી ઘેરાયેલા હોઈએ અને નાવડી ડૂબવાની તૈયારીમાં હોય ત્યારે અચાનક કોઈ સહાય આવી પહોંચે એવો અનુભવ ઘણાને થયો હશે. આપણી ઓકાત અને આવડતની બહાર હોય એવો કોઈ કરિશ્મા આપણને તારી લે. છતાં સંજોગો અને સમસ્યાઓનું આકલન ખોટું પડે ત્યારે ભેરવાઈ ગયા હોઈએ એવી લાગણી થાય. કુલદીપ કારિયા અતીતને દૂરનાં ચશ્માંથી નિહાળે છે... 

મને પૂછો કે વૃક્ષો પર હતાં
એ પાંદડાં ક્યાં છે?
સમય પીળો હતો
ત્યારે જ તોફાની હવા ચાલી

હતા નહીં રાગ ને વૈરાગ્ય
મારા પ્રાણમાં ક્યારેય
છતાં શેનું હતું આ દર્દ ને
શેની દવા ચાલી?

દુખાવો પગમાં હોય અને તમે હાથનો ઍક્સ-રે કઢાવો તો ન ચાલે. સારવારનો આધાર નિદાન પર હોય છે. આ નિદાન જો નાદાન હાથોમાં આવી જાય તો જિંદગી દાવ પર મુકાય. તાજેતરમાં રાજકોટ, સુરત, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાંથી ૩૫  બોગસ ડૉક્ટર ઝડપાયા. વગર ડિગ્રીએ પ્રૅક્ટિસ કરતા ડૉક્ટરો અને ડિજિટલ અરેસ્ટ કરીને મૂડી સાફ કરી નાખતા ચાલબાજોને કારણે સારવારનું રૂપાંતર સણકામાં અને પ્રૉફિટનું રૂપાંતર પસ્તાવામાં થઈ જાય. બંકિમ રાવલ આવી કોઈ કારમી સ્થિતિ વ્યક્ત કરે છે... 

ઊંટ મતલબ રણ વિશે
અટક્યા વિના ચાલી જવું
ચાલવું શું છે : કદી
પૂછ્યા વિના ચાલી જવું
એક સન્નાટો ભરેલી
સીમને શું કહો તમે?
કલરવોનું મોજડી
પહેર્યા વિના ચાલી જવું

મુંબઈ જેવા શહેરમાં સન્નાટો જોવા મળે એ વિરલ સ્થિતિ ગણાય. આ શહેર કદી થંભતું નથી. લોકલ ટ્રેનના પાટા ચાર-પાંચ કલાકનો વિરામ માણે છે, પણ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક પણ ગાડી ચાલતી ન હોય એવું દૃશ્ય તમે કલ્પી ન શકો. આ દિવાળીએ કેટલાક સમાચાર રાહત આપનારા છે. વિશ્વ બૅન્કના સર્વેક્ષણ મુજબ ભારતની કારમી ગરીબી ૨૭.૧ ટકાથી ઘટીને ૨.૬ ટકાએ પહોંચી છે. અનેક દેશોની ઇકૉનૉમી તળિયે બેઠી હોય એવા માહોલમાં આ પ્રકારના  આંકડા આશા જન્માવે છે. રઈશ મનીઆર પુરુષાર્થની મહત્તા કરે છે...

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

ક્યારેક ચાલી-ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

ઠકરાત પામવી હોય તો ઠોકરો ખાવી પડે. ચાંદીની ચમચી અને સોનાની થાળી લઈને જન્મનારા બહુ જૂજ હોય છે. મોટા ભાગના લોકો બે ટંકની વ્યવસ્થા માટે ઝૂઝતા હોય છે. આ વ્યવસ્થા થઈ જાય પછી પણ વૃદ્ધાવસ્થાના આયોજન માટે બચત તો કરવી જ પડે. પૈસા હાથનો મેલ છે, પણ પૈસાથી જ જિંદગીનો ‘ગુજરાત મેલ’ ચાલે છે. ખાસ્સું કમાયા પછી પણ સાચવી ન શકનારા લોકો ઉત્તરાવસ્થામાં મજબૂર થાય એવા અનેક દાખલા મળી આવશે. તક ચૂકી જવાની ક્ષણો તકલીફ તરફ લઈ જાય છે. પાર્થ તારપરા અફસોસ વ્યક્ત કરે છે...

પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય
આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય

આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની
એવું બને એ આવી ને ચાલી ગયેલ હોય

લાસ્ટ લાઇન

જલ્દી જલ્દી ગણ અને ચાલી નીકળ

એક, બે-બે ત્રણ અને ચાલી નીકળ

ચાલવું પડવાનું સૌને એક દિ’

રાખ એ સમજણ અને ચાલી નીકળ

જિંદગી આખી વિતાવી રાહમાં

બંધ કર પાંપણ અને ચાલી નીકળ

કંઈક લેવું હો, તો લઈ લે હાથમાં

ખડિયામાં ખાંપણ અને ચાલી નીકળ

ચાલવું છે, તો ન કંઈ બીજું વિચાર

છોડ પણ - ને બણ અને ચાલી નીકળ

ભર છલોછલ પ્યાસથી તારી મશક

સાથે લઈ લે રણ અને ચાલી નીકળ

બીજ મંગળવાર, સંધ્યાને સમય

ઝડપી ‘ઝાહિદ’ ક્ષણ અને ચાલી નીકળ

- બળવંત ભાસ્કર ‘ઝાહિદ’

 

columnists hiten anandpara diwali festivals gujaratis of mumbai gujarati community news life and style lifestyle news