ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેન્જ ખાતે ડૉલરમાં BSE સેન્સેક્સ ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ ટ્રેડિંગ

04 February, 2025 09:25 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક રોકાણકારો અમેરિકન ડૉલરમાં BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝના સોદા અને પતાવટ કરી શકશે, પરિણામે આંતરરાષ્ટ્રીય ટ્રેડર્સ અને રોકાણકારોની સામેલગીરી વધશે.

ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેન્જ ખાતે ડૉલરમાં BSE સેન્સેક્સ ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ ટ્રેડિંગનો આરંભ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોમવારે ગિફ્ટ ઇન્ટરનૅશનલ ફાઇનૅશ્યલ સર્વિસ સેન્ટર (IFSC)માં સ્થિત ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેન્જ (ઇન્ડિયા INX) ખાતે અમેરિકી ડૉલરમાં BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ નવી પ્રોડક્ટ મારફત વૈશ્વિક રોકાણકારો અમેરિકન ડૉલરમાં BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝના સોદા અને પતાવટ કરી શકશે, પરિણામે આંતરરાષ્ટ્રીય ટ્રેડર્સ અને રોકાણકારોની સામેલગીરી વધશે. બાવીસ કલાકની ટ્રેડિંગ વિન્ડો સાથેની આ સુવિધાનો ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાકીય સિસ્ટમ સાથે ભારતના નાણાકીય બજારના પ્રગાઢ એકીકરણનો છે.

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે અમે વસંતપંચમીની ઉજવણી કરી અને આજે એનો આનંદ છે કે ગિફ્ટ સિટી ઇનોવેશન્સ સાથે વિકાસ કરી રહી છે. મને ઇન્ડિયા INS ખાતે નવી સુવિધાનો પ્રારંભ કરવાની તક મળી એ માટે હું બધાનો આભારી છું અને એના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.’

આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એ​ક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું કે ‘BSE એશિયાનું પ્રથમ એક્સચેન્જ છે અને BSE સેન્સેક્સ દેશનો પ્રથમ માર્કેટ ઇન્ડેક્સ છે. ઇન્ડિયા INX ખાતે BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝનું લૉન્ચિંગ એ વૈશ્વિક રોકાણકારો માટે ભારતના બેન્ચમાર્ક ઇન્ડેક્સની પહોંચને વિસ્તારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. ભારતીય ઇક્વિટી માર્કેટનું પ્રતિનિધિત્વ કરતાં સૌથી વધુ સ્વીકૃત ઇન્ડાઇસિસમાંના એક એવા BSE સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ભારતની વિકાસયાત્રામાં સામેલ થવા માટેનો એક સક્ષમ માર્ગ પૂરો પાડશે. સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રજૂઆત એ વૈશ્વિક નાણાકીય હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. છેલ્લા વીસ મહિનામાં BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝમાં લગભગ ૪૦ અબજ કૉન્ટ્રૅક્ટ્સનો વેપાર થયો છે.’

ઇન્ડિયા INX પર ટ્રેડિંગ કરવાના ફાયદાઓ વર્ણવતાં ઇન્ડિયા INXના મૅનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે ‘ઇન્ડિયા INX (ઇન્ટ.એક્સચેન્જ)એ ગિફ્ટ IFSC ખાતે એના પ્રોડક્ટ્સની શૃંખલાને વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે જે વૈશ્વિક રોકાણકારોને વિશાળ, નિયંત્રિત, કર-કાર્યક્ષમ અને ટે​ક્નિકલ રીતે અદ્યતન વાતાવરણમાં મૂડીરોકાણની તકો પૂરી પાડે છે.’

bhupendra patel bombay stock exchange sensex finance news stock market share market indian economy business news gujarat gujarat news news