નવ વર્ષ બાદ ઇંગ્લૅન્ડ ગ્રુપમાં ટૉપ પર રહ્યું

24 June, 2021 03:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચેક રિપબ્લિકને હરાવી અંગ્રેજ ટીમ પહોંચી પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં, એની ટક્કર ગ્રુપ ‘એફ’માં બીજા ક્રમાંકે આવનારી પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની કે હંગેરી સાથે થઈ શકે છે

ગોલની ઉજવણી કરતો ઇંગ્લૅન્ડનો ખેલાડી રહીમ સ્ટર્લિંગ (તસવીરઃ એ.એફ.પી.)

ઇંગ્લૅન્ડની ટીમે ચેક રિપબ્લિકને ૧-૦થી હરાવી ‘ડી’ ગ્રુપના વિજેતા તરીકે યુરો કપની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લે ૨૦૧૨માં તે ગ્રુપમાં ટૉપ પર રહ્યું હતું. જોકે બન્ને ટીમ મંગળવારે મધરાત બાદ થયેલી મૅચ પહેલાં જ પ્રી-ક્વૉર્ટરમાં પોતાનું સ્થાન મેળવી ચૂકી હતી. જોકે ગ્રુપ વિનર બનવા ચેક રિપબ્લિક સામે વિજય જરૂરી હતો. ઇંગ્લૅન્ડે મૅચની શરૂઆતથી દબદબો બનાવ્યો હતો. માત્ર બે જ મિનિટમાં રહીમ સ્ટર્લિંગે ગોલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એની ૧૦ મિનિટ બાદ ગ્રૅલીસના શૉટને કુદકો મારી માથા વડે સ્ટર્લિંગે ગોલ પોસ્ટમાં સફળતાપૂર્વક મોકલીને ટીમને ૧-૦ લીડ અપાવી હતી. મૅચ બાદ રહીમ સ્ટર્લિંગે કહ્યું હતું કે આ એક ઘણું સારુ પ્રદર્શન હતું. અમે હરીફ ટીમ માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી. જે જોઈતો હતો એ ગોલ કર્યો.’ ક્રોએશિયા સામેની ઇંગ્લૅન્ડની મૅચમાં પણ રહીમ સ્ટર્લિંગે ગોલ કર્યો હતો.

ગોલની સંખ્યાના તફાવતને કારણે ચેક રિપબ્લિક ગ્રુપમાં આગળ હતું, પરંતુ અગાઉની બે મૅચમાં કુલ ત્રણ ગોલ કરનાર પેટ્રિક ચિક ઇંગ્લૅન્ડના ડિફેન્સને આ મૅચમાં ભેદી શક્યો નહોતો. ચેક રિપબ્લિકે પણ વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ સફળ થયા નહોતા. બીજો હાફ પ્રમાણમાં નબળો રહ્યો હતો. બન્ને ટીમે પ્રયાસ કર્યો, પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. બે વિજય અને એક ડ્રોને કારણે ઇંગ્લૅન્ડ ગ્રુપમાં ટોચ પર રહ્યું. જ્યારે ચેક રિપબ્લિકે ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો કારણ કે ક્રોએશિયાએ સ્કોટલૅન્ડને ૩-૧થી હરાવ્યું હતું. ઇંગ્લૅન્ડની ટક્કર ‘એફ’ ગ્રુપના બીજા ક્રમાંકની ટીમ સાથે થશે જેમાં પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની કે હંગેરી હોઈ શકે છે.

sports sports news football czech republic england