06 August, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીને મળ્યો ભજ્જી, મેળવી ઉપયોગી ટિપ્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે BJPના રાજ્યસભાના નવા સંસદસભ્યો તથા પાર્ટીમાં જોડાયેલા નેતાઓ તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આમ આદમી પાર્ટી છોડીને BJPમાં જોડાયેલો ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાનો સભ્ય હરભજન સિંહ પણ આ મીટિંગમાં હાજર રહ્યો હતો. તેણે મોદીની સાથેની મીટિંગનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને તેમનાં વિઝન, નેતૃત્વ અને દેશની પ્રગતિ માટેની કટિબદ્ધતાનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. વડા પ્રધાને આ મીટિંગમાં સંસદસભ્યોને અમુક ઉપયોગી ટિપ્સ આપી હતી, જેમાં સોશ્યલ મીડિયામાં સતર્કતાપૂર્વક ઍક્ટિવ રહેવાનું તેમ જ સંસદમાં ગુસ્સેથી કે બરાડા પાડવાને બદલે શાંતિથી પોતાની વાત રજૂ કરવાની વાત સામેલ હતી.
થાઇલૅન્ડમાં મંગળવારે રીજનલ કપની એક મૅચ દરમ્યાન વીજળી પડતાં ૨૪ વર્ષના એક ફુટબૉલરનું મૃત્યુ થયું હતું. મૅચ દરમ્યાન મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં નવથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સાઉથ આફ્રિકાની T20 ટુર્નામેન્ટ SA20ની પાંચમી સીઝન માટેના ઑક્શન પહેલાં ઘણી ઊથલપાથલ જોવા મળી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સની કેપ ટાઉન ટીમે અનુભવીઓ કાયરન પોલાર્ડ અને ટ્રેન્ટ બોલ્ટને છૂટા કર્યા હતા. મુંબઈની ટીમે ઑક્શનમાં હવે ૬ જગ્યા ભરવાની રહેશે. ઑક્શન પહેલાંના મહત્ત્વના બદલાવમાં સૅમ કરેન ડરબન સુપર જાયન્ટ્સ, મિચલ માર્શ ત્રણ વખતની ચૅમ્પિયન સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ ટીમમાં જોડાયો છે. ઑક્શન પહેલાં જ ડરબન સુપર જાયન્ટ્સ અને પાર્લ રૉયલ્સ ટીમે ૧૯ ખેલાડીઓ ફાઇનલ કરી લીધા છે અને હવે ઑક્શનમાં બાકીની ૪ ટીમ કુલ ૧૯ ખેલાડી માટે સંઘર્ષ કરશે. પાંચમી સીઝન આવતા વર્ષે ૧૭ જાન્યુઆરીથી શરૂ થશે.
કાવ્ય મારનની માલિકીવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ IPLમાં ૨૮૭ રનનો હાઇએસ્ટ ટીમ-સ્કોરનો રેકૉર્ડ ધરાવે છે. એવો જ ધમાકો તેની ટીમ સનરાઇઝર્સ લીડ્સે હવે ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં પણ કરી દીધો છે. ૧૦૦ બૉલની આ ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સે મંગળવારે સાંજે મિચલ માર્શ (૩૭ બૉલમાં ૭૬), રાયન રિકલ્ટન (૪૨ બૉલમાં અણનમ ૯૪) અને હૅરી બ્રૂક (૧૮ બૉલમાં ૫૫ રન)ની હાફ-સેન્ચુરી તેમ જ રેકૉર્ડ ૨૧ સિક્સર અને ૧૮ ફોર સાથે ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ૨૪૧ રનનો સ્કોર બનાવ્યો હતો. તેમણે ગયા વર્ષે ઓવલ ઇન્વિન્સિબલ ટીમના ૨૨૬ રનના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. જવાબમાં લંડન સ્પિરિટ ટીમે પણ જોર લગાવ્યું હતું, પણ ૬ વિકેટે ૨૦૪ રન જ બનાવી શકી હતી. આ જીત સાથે સનરાઇઝર્સ ટીમ પાંચમી મૅચમાં ત્રીજી જીત સાથે પૉઇન્ટ-ટેબલમાં ચોથા નંબરે પહોંચી ગઈ હતી.