ગુજરાતની ફુટબૉલ ટીમ ૩૫ વર્ષે સંતોષ ટ્રોફીના અંતિમ રાઉન્ડ માટે હવે ક્વૉલિફાય થઈ ગઈ

30 November, 2021 11:38 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત સ્ટેટ ફુટબૉલ અસોસિએશને આ સમાચાર ટ્વિટર પર આપ્યા હતા જેનાથી રાજ્યના અસંખ્ય ફુટબૉલ ચાહકોનનાં ટીમને અને અસોસિએશનને અભિનંદન મળ્યાં હતાં

ગુજરાતની ફુટબૉલ ટીમ

સંતોષ ટ્રોફી ફુટબૉલ સ્પર્ધા ૭ કરતાં વધુ દાયકાઓથી રમાય છે અને ભારતની સૌથી લોકપ્રિય સોકર સ્પર્ધાઓમાં ગણાય છે. રાજ્યો વચ્ચેની આ નૉકઆઉટ કૉમ્પિટિશનની ૨૦૨૧ની સીઝનમાં (૭૫મી સંતોષ ટ્રોફીમાં) ગુજરાતે રવિવારે ભાવનગરમાં ગોવાને ૧-૦થી હરાવીને ફાઇનલ રાઉન્ડ માટેનું ક્વૉલિફિકેશન ૩૫ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી મેળવી લીધું છે. એ સાથે, આ ટીમે સમગ્ર ગુજરાત રાજ્યને અનેરું ગૌરવ અપાવ્યું છે. 
ગુજરાત સ્ટેટ ફુટબૉલ અસોસિએશને આ સમાચાર ટ્વિટર પર આપ્યા હતા જેનાથી રાજ્યના અસંખ્ય ફુટબૉલ ચાહકોનનાં ટીમને અને અસોસિએશનને અભિનંદન મળ્યાં હતાં.
ગુજરાતની ટીમ વેસ્ટ ગ્રુપ-‘એમાં ૭ પૉઇન્ટ સાથે મોખરે છે. એ ત્રણમાંથી બે મૅચ જીતી છે અને એક મુકાબલો ડ્રૉ રહ્યો છે. હવે ડિસેમ્બરમાં આ વિજેતા ટીમ કેરલામાં અન્ય ઝોનલ ફાઇનલિસ્ટ ટીમ સામે રમશે.
ગુજરાતમાં ફુટબૉલની રમતમાં વધુ ને વધુ ખેલકૂદપ્રેમીઓ રસ લેતા થયા છે, વધુ ક્લબો તેમ જ ટીમો રમવા લાગી છે એ દૃષ્ટિએ રાજ્યમાં ફુટબૉલની રમત અત્યારે સકારાત્મક પરિવર્તનકાળમાં છે. લાંબા સમયથી સંતોષ ટ્રોફી માત્ર ભાગ લેવા સંદર્ભમાં જ મહત્ત્વની ગણાતી હતી, પરંતુ ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશને નવા નિયમો લાગુ કરીને આ સ્પર્ધાને વધુ રોમાંચક અને અર્થપૂર્ણ બનાવી છે. દરેક ટીમમાં પાંચ અન્ડર-૨૧ ખેલાડીઓ હોવા જોઈએ અને ટીમને ‘એ’ લેવલના કોચ દ્વારા કોચિંગ મળવું જોઈએ. કુંદન ચંદ્રા ગુજરાતની ટીમના કોચ છે.

gujarat sports sports news football