ડ્રૉ મૅચ પછી હરીફો વચ્ચે ઝપાઝપી, રેફરીએ બતાડ્યાં ત્રણ રેડ કાર્ડ

06 April, 2023 12:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લુકાકુએ પ્રેક્ષકોની ઇશારાથી હાંસી ઉડાવતાં રેફરીએ તેને મૅચનું બીજું યલો કાર્ડ બતાડ્યું હતું.

ઇટલીના તુરિન શહેરમાં મંગળવારે યુવેન્ટસનો એકમાત્ર ગોલ કરનાર ક્વુઆડ્રો (સફેદ ડ્રેસમાં જમણેથી બીજો) સાથે દલીલ કરતો ઇન્ટર મિલાનનો રૉમેલુ લુકાકુ (વચ્ચે). તસવીર એ.એફ.પી.

ઇટાલિયન કપ ફુટબૉલ ચૅમ્પિયનશિપની તુરિન ખાતેની સેમી ફાઇનલના પ્રથમ રાઉન્ડમાં મંગળવારે ઇન્ટર મિલાન અને યુવેન્ટસ વચ્ચેની રસાકસીભરી મૅચ ૧-૧થી ડ્રૉમાં ગયા બાદ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ગોલના મુદ્દે ઝપાઝપી થઈ હતી અને રેફરીએ ત્રણ ખેલાડીને રેડ કાર્ડ બતાવ્યાં હતાં. ૦-૧થી પાછળ રહેનાર ઇન્ટરના રૉમેલુ લુકાકુએ સ્ટૉપેજ ટાઇમમાં (૯૫મી મિનિટમાં) ગોલ કરીને સ્કોર ૧-૧ની બરાબરીમાં થયો હતો અને મૅચ ડ્રૉ જાહેર થઈ હતી. જોકે લુકાકુએ પ્રેક્ષકોની ઇશારાથી હાંસી ઉડાવતાં રેફરીએ તેને મૅચનું બીજું યલો કાર્ડ બતાડ્યું હતું.

યુવેન્ટસ વતી ૮૩મી મિનિટમાં ગોલ કરીને ટીમને ૧-૦થી સરસાઈ અપાવનાર યુઆન ક્વુઆડ્રો અને ઇન્ટરના ગોલકીપર સામીર હૅન્ડેનૉવિચ વચ્ચે રેફરીની ફાઇનલ વ્હીસલ બાદ ઝપાઝપી થઈ હતી અને તેમને છોડાવવા આવનાર બન્ને ટીમના પ્લેયર્સ વચ્ચે પણ દલીલો અને ઝપાઝપી થઈ હતી. લુકાકુને બે યલો કાર્ડ મળતાં તે તેમ જ રેડ કાર્ડ જેમને બતાડવામાં આવ્યા એ બે ખેલાડીઓ ક્વુઆડ્રો અને હૅન્ડેનૉવિચ સેમી ફાઇનલના બીજા રાઉન્ડના મુકાબલામાં નહીં રમી શકે.

રેફરીને ધક્કો મારનાર ફુટબૉલર આઠ મૅચ માટે સસ્પેન્ડ

મૅન્ચેસ્ટરમાં ગયા મહિને ઇંગ્લિશ એફએ કપની ક્વૉર્ટર ફાઇનલ દરમ્યાન ઇંગ્લૅન્ડના રેફરી ક્રિસ કૅવાનૉફ સાથે દલીલ પર ઊતર્યા પછી તેમને વારંવાર ધક્કા મારવા બદલ ફુલ્હમ ક્લબના સર્બિયન ખેલાડી ઍલેક્સાન્ડર મિત્રોવિચ (જમણે)ને આઠ મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. માર્ચમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ સામેની મૅચમાં રેફરીએ ફુલ્હમના ખેલાડી વિલિયનને ગોલપોસ્ટ નજીકના એરિયામાં હૅન્ડબૉલની કસૂર બદલ રેડ કાર્ડ બતાડીને મૅચમાંથી જતા રહેવા કહ્યું એને પગલે મિત્રોવિચ ગુસ્સે થયો હતો અને રેફરીને ધક્કા માર્યા હતા. તસવીર પી.ટી.આઇ.

sports news sports football inter milan