આજે વિમેન્સ ટી૨૦માં ભારત v/s ઇંગ્લૅન્ડ

06 August, 2022 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત આજે જીતશે તો ફાઇનલમાં પહોંચ્યા પછી ગોલ્ડ અથવા સિલ્વર મેડલ મેળવશે, પરંતુ આજે હારશે તો ત્રીજા સ્થાન માટેની મૅચમાં રમવું પડશે અને અએમાં જીતીને બ્રૉન્ઝ જીતી શકશે.

મૅચનો સમય : બપોરે 3.૩૦ વાગ્યાથી

કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલી જ વાર રમાતી મહિલાઓની ક્રિકેટ સ્પર્ધામાં ભારત માટે મેડલ હવે બહુ દૂર નથી. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આજે યજમાન ઇંગ્લૅન્ડ સામે સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો છે. ભારત આજે જીતશે તો ફાઇનલમાં પહોંચ્યા પછી ગોલ્ડ અથવા સિલ્વર મેડલ મેળવશે, પરંતુ આજે હારશે તો ત્રીજા સ્થાન માટેની મૅચમાં રમવું પડશે અને અએમાં જીતીને બ્રૉન્ઝ જીતી શકશે.

ઇંગ્લૅન્ડે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલ જેવી ગ્રુપ ‘બી’ની મૅચમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને કચડી નાખી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૯ વિકેટે ૭૧ રન બનાવી શકી હતી. બ્રિટિશ પેસ બોલર્સ કૅથરિન બ્રન્ટ અને ઇસી વૉન્ગે બે-બે વિકેટ તથા લેગ સ્પિનર સારા ગ્લેને પણ બે વિકેટ લીધી હતી. વન-ડેની વર્લ્ડ નંબર વન બોલર સૉફી એકલસ્ટનને એક વિકેટ મળી હતી. ઇંગ્લૅન્ડે ૧૧.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૭૨ રન બનાવી લીધા હતા; એમાં ઍલીસ કૅપ્સીના ૨૩ રન, વિકેટકીપર ઍમી જૉન્સના અણનમ ૧૮ રન અને સોફિયા ડન્ક્લીના ૧૯ રન હતા.

ભારત આજે મજબૂત બૅટિંગ લાઇન-અપના આધારે ફાઇનલમાં પહોંચી શકશે. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, જેમાઇમા રૉડ્રિગ્સ અને દીપ્તિ શર્મા ભારતને મોટું ટોટલ અપાવી શકશે, પરંતુ સેમીમાં તેમણે બ્રિટિશ બોલર્સથી ખૂબ ચેતવું પડશે. આજે બીજી સેમી ફાઇનલ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે.

sports sports news cricket news india indian womens cricket team