ગુજરાતની ગેમ્સમાં સંકલ્પ સાથે રમજો અને નવરાત્રિનો આનંદ પણ માણજો : વડા પ્રધાન

30 September, 2022 12:01 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નૅશનલ ગેમ્સના ઉદ્ઘાટન વખતે ઍથ્લીટ્સને સંબોધીને કહ્યું, ‘આ પ્લૅટફૉર્મ તમારા બધા માટે નવા લૉન્ચિંગ પૅડનું કામ કરશે

નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે નૅશનલ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે રમતોત્સવના પ્રતીક સાથે મેદાન પરની પરેડમાં હજારો પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું (ઉપર). રાષ્ટ્રીય મહોત્સવનું શાનદાર ઓપનિંગ થયું (ડાબે) મંચ પર સિંધુ, નીરજ, મીરાબાઈ ચાનુ અને અન્ય ઍથ્લીટ્સ ઉપસ્થિત હતાં. તસવીર પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૬મી નૅશનલ ગેમ્સનો શુભારંભ કરાવ્યો હતો અને ઉપસ્થિત ઍથ્લીટ્સ-ખેલાડીઓને કહ્યું હતું કે નૅશનલ ગેમ્સનું આ પ્લૅટફૉર્મ તમારા બધા માટે નવા લૉન્ચિંગ પૅડનું કામ કરશે.

વડા પ્રધાને સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ ખેલાડીઓને મંત્ર આપતાં કહ્યું હતું કે ‘હું એક મંત્ર આપવા માગું છું કે તમારે કૉમ્પિટિશન જીતવી હોય તો કમિટમેન્ટ અને કન્ટિન્યુટીને માણતાં શીખવું પડશે. ખેલમાં હાર-જીતને ક્યારેય આખરી ન માનવી જોઈએ. આ સ્પોર્ટ્‍સ સ્પિરિટ તમારા જીવનનો હિસ્સો હોવો જોઈએ. તમારે લડવું પડી શકે છે, ઝૂઝવું પડી શકે છે, લડખડી શકો છો, પડી શકો છો, પણ તમે દોડવાનો જઝ્‍‍બો નહીં છોડ્યો હોય તો વિજય તમને મળીને જ રહેશે. ખેલકૂદના પથ પર એવું માનીને ચાલો કે જીત જાણે ખુદ એક-એક કદમ તમારા તરફ વધી 
રહી છે. ખેલના મેદાનમાં ખેલાડીઓની જીત અને તેમનું દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રમાં દેશની જીત માટેનો રસ્તો બનાવે છે.’

અદ્ભુત અને અદ્વિતીય આયોજન

મોદીએ કહ્યું કે ‘આ દૃશ્ય, આ તસવીર, આ માહોલ શબ્દોથી પર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વનો આટલો યુવા દેશ અને દેશનો સૌથી મોટો ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદ્ભુત અને અદ્વિતીય હોય તો એની ઊર્જા આવી જ અસાધારણ હશે. દેશનાં ૩૬ રાજ્યોમાંથી ૭૦૦૦થી વધુ ઍથ્લીટ્સ, ૧૫,૦૦૦થી વધુ પ્રતિભાગી, ૩૫,૦૦૦થી વધુ કૉલેજ, યુનિવર્સિટી અને સ્કૂલના સહભાગીઓ તથા ૫૦ લાખથી વધુ સ્ટુડન્ટ્સ વચ્ચે નૅશનલ ગેમ્સથી સીધું જોડાણ થઈ રહ્યું છે, જે અદ્ભુત અને અભૂતપૂર્વ છે.’

ઊણપ માટે અગાઉથી ક્ષમાયાચના

મોદીએ ખેલાડીઓને શુભકામના પાઠવીને કહ્યું હતું કે ‘અહીં તમને કમી મહેસૂસ થાય, અસુવિધા મહેસૂસ થાય તો હું ગુજરાતીના નાતે તમારાથી ઍડ્વાન્સમાં ક્ષમા માગું છું. જે ખેલાડીઓ બીજાં રાજ્યોમાંથી આવ્યા છે તેમને કહીશ કે ખેલની સાથે નવરાત્રિનો આનંદ જરૂરથી લેજો. ગુજરાતના લોકો તમારા સ્વાગતમાં કોઈ કસર નહીં છોડે. નીરજ ચોપડા ગઈ કાલે ગરબાનો આનંદ લઈ રહ્યા હતા. ઉત્સવની આ ખુશી ભારતીયોને જોડે છે. આજે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જનઆંદોલન બની રહ્યાં છે.’

‘જય જય ગરવી ગુજરાત’

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ રીતે નૅશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાતના ગાયક કલાકારો અને ૭૫૦થી વધુ નૃત્ય કલાકારોએ ‘જય જય ગરવી ગુજરાત’ ગીત પર કાર્યક્રમ રજૂ કર્યો હતો. સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખેલપ્રધાન અનુરાગ ઠાકુર, ગુજરાતના ખેલપ્રધાન હર્ષ સંઘવી સહિતના પ્રધાનમંડળના સભ્યો, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, વિદ્યાર્થીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં. આ પ્રસંગે મોદીએ સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્‍સ યુનિવર્સિટીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

ભૂતકાળમાં ભ્રષ્ટાચાર અને સગાવાદને કારણે આપણા સ્પોર્ટ્સપર્સન્સના પર્ફોર્મન્સિસ પર ખરાબ અસર પડી હતી. : નરેન્દ્ર મોદી

sports news sports narendra modi motera stadium ahmedabad