06 September, 2025 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર અને યુવરાજ સિંહ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે યુવીના ભૂતપૂર્વ સાથી પ્લેયરો પર જબરદસ્ત પ્રહાર કર્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે ‘એમ. એસ. ધોની પછી વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બન્યો હતો. તો યુવીનો સારો મિત્ર હોવા છતાં તેણે તેને ટીમમાં વાપસી કરવામાં મદદ કેમ ન કરી?’
આ સવાલનો જવાબ આપતાં યોગરાજ સિંહે કહ્યું હતું કે ‘સફળતા, પૈસા અને ખ્યાતિના ક્ષેત્રમાં કોઈ મિત્રો નથી હોતા, હંમેશાં પીઠમાં છરા મારનારા હોય છે જે તમને નીચે લાવવા માગે છે. લોકો યુવરાજ સિંહથી ડરતા હતા, કારણ કે તેમને પોતાનું સ્થાન ગુમાવવાનો ડર હતો. તે સર્વશક્તિમાન ભગવાન દ્વારા બનાવવામાં આવેલો એક મહાન પ્લેયર હતો.’
યોગરાજ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘યુવીનો એકમાત્ર મિત્ર સચિન તેન્ડુલકર હતો, જે મારો અને બધાનો પ્રિય છે. તે મહાન ક્રિકેટર અને મહાન માણસ છે, કારણ કે તે બધાને ભાઈની જેમ સમજીને પ્રેમ કરે છે. તે બધાની પ્રગતિ ઇચ્છે છે એટલે તેને લોકો ભગવાન કહે છે.’