11 October, 2025 12:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલે સદી ફટકાર્યા બાદ દિલની સાઇન સાથે સેલિબ્રેશન કર્યું હતું. તે ૧૭૩ રન પર નૉટઆઉટ છે.
અમદાવાદની જેમ દિલ્હી ટેસ્ટ-મૅચમાં પણ ભારતે પહેલા દિવસથી હરીફ વેસ્ટ ઇન્ડીઝ સામે દબદબો સ્થાપિત કરી દીધો છે. દિલ્હી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ભારતે ઓપનર યશસ્વી જાયસવાલની ૧૭૩ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ૯૦ ઓવરમાં ૨ વિકેટે ૩૧૮ રન ફટકાર્યા હતા. યશસ્વી આજે બીજા દિવસે કૅપ્ટન શુભમન ગિલ સાથે પહેલી ઇનિંગ્સને આગળ વધારશે.
ભારતે અઢારમી ઓવરમાં અનુભવી ઓપનર કે. એલ. રાહુલના સ્ટમ્પિંગ આઉટને કારણે ૫૮ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. તેણે પાંચ ફોર અને એક સિક્સરની મદદથી ૫૪ બૉલમાં ૩૮ રનની ઇનિંગ્સ રમી હતી. ૨૨ સિક્સરની મદદથી ૨૫૩ બૉલમાં ૧૭૩ રનની ઇનિંગ્સ રમનાર યંગ ઓપનર યશસ્વી જાયસવાલે ત્રીજા ક્રમના બૅટર સાઈ સુદર્શનનો આત્મવિશ્વાસ વધારીને તેની સાથે બીજી વિકેટ માટે ૩૦૬ બૉલમાં ૧૯૩ રનની ભાગીદારી કરી હતી. સાઈ સુદર્શન ૧૩ રનથી કરીઅરની પ્રથમ સદી ચૂકી ગયો હતો, પણ પોતાની પાંચમી ટેસ્ટ-મૅચમાં ૧૨ ફોરની મદદથી ૧૬૫ બૉલમાં કરીઅર બેસ્ટ ૮૭ રન કર્યા હતા.
૬૯મી ઓવરથી ૯૦મી ઓવર સુધી કૅપ્ટન શુભમન ગિલ ૩ ફોરના આધારે ૬૮ બૉલમાં ૨૦ રન ફટકારી પિચ પર ટકી રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના ૬ બોલરોમાંથી સ્પિનર જોમેલ વૉરિકન ૬૦ રન આપી બે વિકેટ લઈને સૌથી સફળ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની બોલિંગ પહેલાં એક કલાકમાં શિસ્તબદ્ધ રહી પણ પછીથી તેમની બોલિંગ વિખેરાઈ ગઈ હતી. જેના પરિણામે પહેલા દિવસે ૪૨ ફોર અને એક સિક્સરની મદદથી યજમાન ટીમે ૩૦૦ રનને પાર સ્કોર કર્યો હતો.
યશસ્વી જાયસવાલ પાસે હવે માત્ર ડબલ સેન્ચુરી જ નહીં, પણ કદાચ ટ્રિપલ સેન્ચુરી ફટકારવાની સારી તક છે - ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે
50 - ક્રિકેટ લેજન્ડ્સના રેકૉર્ડની બરાબરી કરી જાયસવાલે
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથે ઓપનર તરીકે ૨૩ વર્ષની ઉંમરે હાઇએસ્ટ સાત ટેસ્ટ-સદી ફટકારી હતી. યશસ્વી જાયસવાલે આ રેકૉર્ડની બરાબરી કરવાની સાથે ૨૩ વર્ષની ઉંમરે ઓપનર ૪૮ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ સાત ટેસ્ટ-સદી કરીને સ્મિથનો ૫૦ ઇનિંગ્સનો રેકૉર્ડ તોડ્યો હતો.
૨૩ વર્ષની ઉંમર પહેલાં ટેસ્ટ-મૅચમાં ભારત માટે હાઇએસ્ટ પાંચ વખત ૧૫૦+ રનની ઇનિંગ્સ રમી યશસ્વીએ સચિન તેન્ડુલકરનો ચાર વખતનો રેકૉર્ડ તોડ્યો. આ મામલે તે ઑસ્ટ્રેલિયન લેજન્ડ ડૉન બ્રૅડમૅન (૮ વખત) બાદ બીજા ક્રમે પહોંચ્યો છે.
ભારતની ધરતી પર ટેસ્ટ-મૅચના ઓપનિંગ-ડે પર ૧૫૦+ રનની ઇનિંગ્સ રમનાર જાયસવાલ વિરાટ કોહલી બાદ બીજો પ્લેયર બન્યો છે. બન્નેએ આ કમાલ વિશાખાપટ્ટનમ અને દિલ્હીમાં જ કર્યો છે.જસપ્રીત બુમરાહ ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં આટલી મૅચ રમનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો