મુંબઈને પહેલી વખત હરાવીને ગુજરાત સતત બીજી વખત પ્લેઑફમાં પહોંચ્યું

31 January, 2026 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન હરમનપ્રીત કૌરની ૮૨ રનની ફટકાબાજી એળે ગઈ, રનચેઝ દરમ્યાન મુંબઈની ટીમે ૧૧.૫ ઓવરમાં ૮૨ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૪૮ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૮૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

હરમનપ્રીત કૌર

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં પોતાની અંતિમ મૅચ જીતીને ગુજરાત જાયન્ટ્સે સતત બીજી વખત પ્લેઑફમાં સ્થાન મેળવ્યું છે. વડોદરામાં ગઈ કાલે ગુજરાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ૧૧ રનથી જીત નોંધાવી હતી. ગુજરાતે ૪ વિકેટ ગુમાવીને ૧૬૭ રન કર્યા હતા. એના જવાબમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૬ રન કરી શક્યું હતું. ગુજરાતે આ પહેલાં મુંબઈ સામે એક પણ મૅચ જીતી નહોતી અને સતત ૮ મૅચમાં હારનો સામનો કર્યો હતો. 
રનચેઝ દરમ્યાન મુંબઈની ટીમે ૧૧.૫ ઓવરમાં ૮૨ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૪૮ બૉલમાં ૮ ફોર અને ૪ સિક્સની મદદથી ૮૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ગુજરાત માટે પેસ બોલર સોફી ડિવાઇન અને જ્યૉર્જિયા વેરહૅમે બે-બે વિકેટ ઝડપી હતી. 

પ્લેઑફની અંતિમ ટીમ કઈ રીતે નક્કી થશે? 
૧૨ પૉઇન્ટ સાથે બૅન્ગલોર પહેલેથી ફાઇનલિસ્ટ બની ગઈ છે. બીજી ફાઇનલિસ્ટ ટીમ એલિમિનેટર મૅચથી નક્કી થશે. ગુજરાતે ૧૦ પૉઇન્ટ સાથે એલિમિનેટરમાં સ્થાન મેળવ્યું છે. ૬ પૉઇન્ટ ધરાવતી દિલ્હી અને ૪ પૉઇન્ટ ધરાવતી યુપી વચ્ચે ગ્રુપ-સ્ટેજની અંતિમ  મૅચ પહેલી ફેબ્રુઆરીએ રમાશે. દિલ્હી આ મૅચ જીતશે તો એલિમિનેટર મૅચ રમનારી બીજી ટીમ બનશે. જો યુપી જીતશે તો મુંબઈ દિલ્હીની સરખામણીમાં સારા નેટ રનરેટને કારણે પ્લેઑફમાં સ્થાન મેળવશે. 

indian womens cricket team womens premier league cricket news sports news sports mumbai indians gujarat giants harmanpreet kaur