૨૩ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન

14 February, 2021 10:33 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૨૩ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરાનું ઉદ્ઘાટન ઇન્ડિયા-ઇંગ્લૅન્ડની ત્રીજી ટેસ્ટ મૅચના એક દિવસ પહેલાં એટલે કે ૨૩ ફેબ્રુઆરીએ થશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે. ઇન્ડિયા-ઇંગ્લૅન્ડની ત્રીજી અને ડે-નાઇટ ટેસ્ટ ૨૪ ફેબ્રુઆરીએ આ ગ્રાઉન્ડમાં રમાશે. ચોથી ટેસ્ટ અને ત્યાર બાદ પાંચ ટી૨૦ મૅચની સિરીઝ પણ મોટેરામાં જ રમાવાની છે. મોટેરાના આ સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે.

મોટેરા સ્ટેડિયમમાં સિવિલ ડ્રેસમાં અલગ-અલગ જગ્યાએ પોલીસ-કર્મચારીઓ ઉદ્ઘાટન સમયે અને ત્રીજી ટેસ્ટ મૅચ વખતે ફરજ બજાવશે. કોરોનાને લીધે સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવશે. મોટેરાની ક્ષમતા ૧.૧૦ લાખ પ્રેક્ષકોની છે. ઉલ્લેખનીય છે કે મૅચ વખતે દર્શકોને સાબરમતી નદી પાસેના મેઇન ગેટમાંથી એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે ટીમ ઇન્ડિયા આસારામ આશ્રમ પાસે બનેલા ગેટથી સ્ટેડિયમમાં એન્ટ્રી લેશે. આ ગેટ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત ‘નમસ્તે ટ્રમ્પ’ વખતે બનાવવામાં આવ્યો હતો. ભારતીય ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પણ આ જ ગેટથી એન્ટ્રી કરશે.

sports sports news cricket news ahmedabad motera stadium