વિમેન્સ આઇપીએલની શરૂઆતમાં જ ‘સિક્સર’ : બીસીસીઆઇને અપાવ્યા ૪૬૬૯.૯૯ કરોડ રૂપિયા

26 January, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન્સ આઇપીએલના મુંબઈ, દિલ્હી, બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીઓ તેમ જ અદાણી અને કૅપ્રી ગ્લોબલ કંપનીએ ખરીદી ટીમ ઃ સ્પર્ધા ‘વિમેન્સ પ્રીમિયર લીગ’ તરીકે ઓળખાશે

સ્મૃતિ મંધાના

૨૦૦૮માં પુરુષોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થયા પછી હવે મહિલાઓની પણ આગામી માર્ચમાં આઇપીએલ આવી રહી છે, જે માટેનું પ્લેયર્સ ઑક્શન ફેબ્રુઆરીમાં યોજાશે અને ટુર્નામેન્ટ માર્ચમાં રમાશે. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) તરીકે ઓળખાનારી આ સ્પર્ધાની પાંચ ટીમને ખરીદવા માટે ૧૭ કંપનીઓએ જે બિડ મોકલી હતી એમાંથી ગઈ કાલે પાંચ વિજેતા બિડ નક્કી થઈ હતી. આ પાંચ વિજેતા બિડ દ્વારા બીસીસીઆઇને કુલ ૪૬૬૯.૯૯ કરોડ રૂપિયા ઊપજ્યા છે.

ડબ્લ્યુપીએલની પાંચ ટીમ ખરીદનારાઓમાં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કૅપિટલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર તેમ જ અદાણી ગ્રુપ અને કૅપ્રી ગ્લોબલનો સમાવેશ છે. આ પાંચ ટીમ માટેના બેઝ (મૂળ સ્થળ) પણ નક્કી થઈ ગયા છે જે અનુક્રમે આ મુજબ છે : મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, અમદાવાદ અને લખનઉ.

અમદાવાદની ટીમ સૌથી વધુ ભાવે (૧૨૮૯ કરોડ રૂપિયા) વેચાઈ હતી. મુંબઈની ટીમ ૯૧૨.૯૯ કરોડ રૂપિયામાં, બૅન્ગલોરની ટીમ ૯૦૧ કરોડ રૂપિયામાં, દિલ્હીની ટીમ ૮૧૦ કરોડ રૂપિયામાં અને લખનઉની ટીમ ૭૫૭ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

આ પણ વાંચો : વિમેન્સની પાંચ ટીમ ખરીદવા મેન્સ આઇપીએલના સાત ફ્રૅન્ચાઇઝી રેસમાં

અદાણીની માલિકીની અમદાવાદની વિમેન્સ ટીમ ‘ગુજરાત જાયન્ટ્સ’ તરીકે ઓળખાશે.

વિમેન્સ આઇપીએલના ૮૦ ટકા મીડિયા રાઇટ્સની આવકનો શૅર પાંચ ફ્રૅન્ચાઇઝીઓમાં વહેંચવામાં આવશે.

વિમેન્સ પ્રીમિયર લીગની આ ઐતિહાસિક પળમાં હિસ્સેદાર હોવા બદલ હું બેહદ ખુશ છું. હું ગર્વભેર મહિલા આઇપીએલની ટીમને અમારા એમઆઇ વનફૅમિલીમાં આવકારું છું. આ નવી વિમેન્સ લીગ મારફત આપણી છોકરીઓની ટૅલન્ટ, શક્તિ અને ક્ષમતા પર ફરી પ્રકાશ પડશે અને જાગતિક સ્તરે તેઓ વધુ લોકપ્રિયતા મેળવશે. નીતા અંબાણી

ક્રિકેટ માટે બુધવાર ઐતિહાસિક દિવસ તરીકે ઓળખાશે. એમાં બીસીસીઆઇને બિડિંગમાં કુલ ૪૬૬૯.૯૯ કરોડ રૂપિયાની જે રકમ મળી એણે ૨૦૦૮ની સૌપ્રથમ મેન્સ આઇપીએલની આવકનો રેકૉર્ડ તોડ્યો છે. જય શાહ, (બીસીસીઆઇ સેક્રેટરી)

sports news sports cricket news t20 indian womens cricket team indian premier league board of control for cricket in india nita ambani