19 October, 2025 09:27 AM IST | Indore | Gujarati Mid-day Correspondent
હરમનપ્રીત કૌર
આજે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની વીસમી મૅચ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની આ મેદાન પર પહેલવહેલી વન-ડે મૅચ રમવા ઊતરશે ત્યારે તેમનો ટાર્ગેટ ટુર્નામેન્ટમાં વાપસી કરવાનો રહેશે. વિશાખાપટનમમાં ભારતને છેલ્લી બે મૅચમાં સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સામે સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. અજેય ઇંગ્લૅન્ડ સામે ભારત હારની હૅટ-ટ્રિક રોકીને જબરદસ્ત વાપસીનો પ્રયાસ કરશે.
બન્ને ટીમ વચ્ચે ૭૯ વન-ડે મૅચ રમાઈ છે જેમાંથી ઇંગ્લૅન્ડ ૪૧ અને ભારત ૩૬ મૅચ જીત્યું છે જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારત આ હરીફ સામે ૧૨માંથી માત્ર ચાર મૅચ જીત્યું છે. ટુર્નામેન્ટમાં હમણાં સુધી ભારતીય બૅટર્સે એકંદરે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ નિષ્ણાત બોલરની ગેરહાજરીને કારણે છેલ્લી બે મૅચમાં ૨૫૧ અને ૩૩૦ રનનો ટાર્ગેટ ભારત ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું. બાકીની ત્રણ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ટીમ-કૉમ્બિનેશનમાં કેટલાક ફેરફાર થયા છે.
મૅચનો સમય
બપોરે 3 વાગ્યાથી
ભારતીય ટીમની વર્લ્ડ કપ સફર
શ્રીલંકા સામે ૫૯ રને જીત
પાકિસ્તાન સામે ૮૮ રને જીત
સાઉથ આફ્રિકા સામે ૩ વિકેટે હાર
ઑસ્ટ્રેલિયા સામે ૩ વિકેટે હાર
ઇંગ્લૅન્ડની વર્લ્ડ કપ સફર
સાઉથ આફ્રિકા સામે ૧૦ વિકેટે જીત
બંગલાદેશ સામે ચાર વિકેટે જીત
શ્રીલંકા સામે ૮૯ રને જીત
પાકિસ્તાન સામેની મૅચ નો-રિઝલ્ટ