ભારતીય મહિલા ટીમ જ એશિયાની રાઇઝિંગ સ્ટાર

23 February, 2026 11:04 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારતીય ટીમ ફરી ચૅમ્પિયન; રાધા યાદવે ૪ મહિનામાં જીતી ત્રીજી ટ્રોફી : તેજલ હસબનીસની હાફ-સેન્ચુરી બાદ અને લેગ સ્પિનર પ્રેમા રાવતની કમાલે સતત બીજી એડિશનમાં બંગલાદેશને હરાવીને ભારતીય ટીમને બનાવી ચૅમ્પિયન

ફાઇનલમાં બંગલાદેશને પછાડીને વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની ચૅમ્પિયન ભારતીય મહિલાઓ

બૅન્ગકૉકમાં ગઈ કાલે વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની ફાઇનલમાં બંગલાદેશ A  ટીમને હરાવીને સતત બીજી વાર ઇન્ડિયા Aએ ચૅમ્પિયન બનીને તેમનો દબદબો જાળવી રાખ્યો હતો. સ્લો સ્કોરિંગ ફાઇનલમાં ભારતીય ટીમે આપેલા ૧૩૫ રનના ટાર્ગેટ સામે બંગલાદેશી મહિલાઓ માત્ર ૮૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. કટોકટીમાં ટીમના વહારે આવીને મૅચવિનિંગ 
હાફ-સેન્ચુરી ફટકારનાર તેજલ હસબનીસ પ્લેયર ઑફ ધ ફાઇનલ બની હતી.

૪૪માં ૪ બાદ તેજલ-રાધા શો

ભારતીય કૅપ્ટન રાધા યાદવે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ ઓવરમાં વિના વિકેટે ૩૦ રન સાથે ધીમી પણ મક્કમ શરૂઆત કર્યા બાદ મિની ધબડકો થયો હતો અને ૮.૧ ઓવરમાં ૪૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ટૉપની ચારેય બૅટરો પૅવિલિયન પાછી આવી ગઈ હતી. ત્યાર બાદ તેજલ હસબનીસે ૩૪ બૉલમાં બે સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૫૧ અને કૅપ્ટન રાધા યાદવે ૩૦ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૩૬ રન સાથે પાંચમી વિકેટ માટે ૬૯ રનની પાર્ટનરશિપ ટીમને ૨૦ ઓવરમબાં ૭ વિકેટે ૧૩૩ રનના સન્માનજનક સ્કોર સુધી દોરી ગઈ હતી.

બંગલાદેશે સાતમી ઓવરમાં એક વિકેટે ૩૭ રનની સારી શરૂઆત બાદ નિરંતર વિકેટ-પતનને લીધે પક્કડ ગુમાવી દીધી હતી અને ૧૯.૧ ઓવરમાં ૮૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોમાં લેગ સ્પિનર પ્રેમ રાવતે ૪ ઓવરમાં માત્ર ૧૨ જ રન અને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. એ ઉપરાંત સોનિયા મેન્ધિયા અને તનુજા કંવરે બે-બે તેમ જ સાઇમા ઠાકોર, મીનુ મની અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી. દરેક ભારતીય બોલર વિકેટ લેવામાં સફળ થઈ હતી.

૩૧ રનનું માર્જિન ૪૬ થયું

૨૦૨૩માં રમાયેલી પ્રથમ એડિશનની ફાઇનલ ગઈ કાલ જેવી જ રહી હતી. ત્યારે પણ ભારતીય ટીમે આપેલા ૧૨૮ રનમા ટાર્ગેટ સામે બંગલાદેશ માત્ર ૯૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ૩૧ રનથી પરાજય જોવો પડ્યો હતો. આ વખતે જીતનું માર્જિન વધીને ૪૬ રનનું થઈ ગયું હતું.

રાધા ૪ મહિનામાં ૩ ટ્રોફી જીતી

છેલ્લા ચાર મહિનામાં રાધા યાદવ માટે આ ત્રીજી મોટી ટ્રોફી હતી. નવેમ્બરે ભારતીય ટીમ સાથે વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ ગયા મહિને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમતા વિમેન્સ પ્રિમિયર લીગમાં બીજી વાર ચૅમ્પિયન બની હતી. હવે ગઈ કાલે ટ્રોફીની હૅટ-ટ્રિક કરતાં વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં તેની કૅપ્ટનસીમાં ટીમ વિજેતા બની હતી.

womens asia cup rising stars indian womens cricket team india bangladesh cricket news sports sports news