શું મહેન્દ્ર સિંહ ધોની રાજનીતિમાં જોડાશે?

21 August, 2020 02:52 PM IST  |  Ranchi | Gujarati Mid-day Online Correspondent

શું મહેન્દ્ર સિંહ ધોની રાજનીતિમાં જોડાશે?

મહેન્દ્ર સિંહ ધોની

'કૅપ્ટન કુલ' તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની ચુપકીદી હંમેશા અફવાઓને જન્મ આપે છે. 15 ઓગસ્ટના રોજ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી મહેન્દ્ર સિંહ ધોની હવે શું કરે છે તે બાબતે ચર્ચાઓએ જોર પકડયું છે અને એક એવી પણ ચર્ચા છે કે, ધોની રાજનીતિમાં પણ જોડાઈ શકે છે. તેમજ પૉલિટિકલ પાર્ટીઓ પણ એમએસ ધોનીના સ્વાગત માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને ધોનીના હોમટાઉન રાંચીમાં આ અંગે વધુ અટકળો ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મહેન્દ્ર સિંહ ધોનીને પૉલિટિક્સમાં જોડાવવાની ઓફર સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ આપી હોવાના અહેવાલો છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, રાંચીના ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું કે, જો ધોની રાજકારણમાં જોડાવા ઈચ્છે તો તે રાંચી આવશે ત્યારે તેની સાથે વાત કરવામાં આવશે. બધું ધોનીની ઇચ્છા પર આધારિત છે. જો તે ભાજપમાં જોડાવા માંગે છે તો પાર્ટી તેમની સાથે ચોક્કસ વાત કરશે.

બીજી બાજુ, ઝારખંડ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજેશ ઠાકુરે કહ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં પ્રવેશ કરશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે. ધોની યુવાનો માટે રોલ મોડેલ રહ્યો છે. તેથી તેણે યુવાનોને ધ્યાનમાં રાખીને રાજકારણ કરવું જોઈએ.

આ દરમિયાન, રાજ્યના શાસક પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ પણ પૂર્વ ક્રિકેટર રાજકારણમાં આવવાની અટકળોને વધારી દીધી છે. પાર્ટીના કેન્દ્રીય મહામંત્રી વિનોદ પાંડેએ કહ્યું કે, જો ધોની રાજકારણમાં આવે છે તો તે ખુશીની વાત છે. જો તે જેએમએમમાં જોડાવાની ઇચ્છા દર્શાવે છે તો તેનું સ્વાગત કરવામાં આવશે.

આમ જુદી જુદી પાર્ટીઓ મહેન્દ્ર સિંહ ધોની રાજનીતિમાં જોડાય તેની રાહ જોઈ રહી છે. પરંતુ 'કૅપ્ટન કુલ'ના મનમાં શું ચાલી રહ્યું છે તે તો ફક્ત તે જ જાણે.

sports sports news ranchi jharkhand ms dhoni mahendra singh dhoni bharatiya janata party nationalist congress party congress