બીજી ટી૨૦ મૅચ પહેલાં અમે પ્રેશરમાં : રોહિત શર્મા

07 November, 2019 11:05 AM IST  |  Rajkot

બીજી ટી૨૦ મૅચ પહેલાં અમે પ્રેશરમાં : રોહિત શર્મા

રોહિત શર્મા

(આઇ.એ.એન.એસ) નવી દિલ્હીમાં બંગ્લાદેશ સામે રમાયેલી પહેલી ટી૨૦ મૅચ હારી ગયા બાદ આજની મૅચ જીતવી ભારત માટે અનિવાર્ય છે. ત્રણ મૅચની સિરીઝમાં બંગલા દેશ ૧-૦થી આગળ છે એવામાં આજની મૅચ જો મહેમાન ટીમ જીતી જશે તો ભારતને ઘરઆંગણે એ આ સિરીઝમાં માત આપી જશે. ટીમ ઇન્ડિયા આ સિરીઝ વિરાટ કોહલીની ગેરહાજરીમાં રમી રહી છે એટલે રોહિત શર્મા ટીમનું સુકાનપદ સંભાળી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો આજની મૅચ પહેલાં ટીમ ઇન્ડિયા પ્રેશરમાં હોય એ સ્વાભાવિક છે.

પ્રેશર માત્ર પદર્શનને લઇને લઇને છે : રોહિત શર્મા
રોહિત શર્માએ આ વિશે કહ્યું હતું કે ‘પ્રેશર માત્ર પર્ફોર્મન્સને લઈને છે, બીજુ કાંઈ નહીં. કોઈ ચોક્કસ ડિપાર્ટમેન્ટને લઈને પ્રેશર નથી. હા, તમે એક ટીમરૂપે પહેલી મૅચ હારી ગયા છો, પણ સિરીઝ બાકી છે અને છેલ્લા બૉલ સુધી તમે કંઈ પણ ધારી ન શકો. માટે અમારું લક્ષ્ય ટીમને જિતાડવાનું છે. અમારા બૅટિંગ-ઑર્ડરમાં કોઈ સુધારા કરવાની જરૂર નથી, કેમ કે એ મારા ખ્યાલથી બરાબર છે. હા, અમે પહેલાં પિચ જોઈશું અને એ પ્રમાણે ગેમ રમીશું. દિલ્હીમાં અમે જે પ્રમાણેની બોલિંગ લાઇન-અપ રમ્યા હતા એ પિચના આધારે નક્કી થઈ હતી અને બીજી ટી૨૦માં પણ અમે એ પ્રમાણે જ અમારી બોલિંગ લાઇન-અપ નક્કી કરીશું.’


દિલ્હીમાં ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ધીમી શરૂઆત વિશે રોહિતે કહ્યું હતું કે એ શરૂઆતને બૅટ્સમૅનની માનસિકતા કરતાં વધારે પિચ સાથે લેવાદેવા હતી અને રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું. મહેમાન ટીમે ગઈ મૅચમાં સારી બૅટિંગ કરી હતી. દબાણમાં તેમણે સારી રમત દાખવી હતી. અમે દરેક ડિપાર્ટમેન્ટમાં નબળા પુરવાર થયા હતા. અમારી ટીમ યુવા છે અને સમય સાથે તેઓ પોતાની રમતમાં સુધારો કરતા રહેશે. સારી ટીમ એ છે જે પોતાની ભૂલો રિપીટ ન કરે.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

સીરિઝમાં બની રહેવા માટે ભારતે આજે મેચ જીતવી જરૂરી
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા સિરીઝમાં જળવાઈ રહેવા આજની મૅચમાં તનતોડ મહેનત કરશે, જ્યારે હાઈ જોશ સાથે બંગલા દેશ આજની મૅચ જીતીને સિરીઝ જીતવાની તૈયારી કરશે. વળી નવી દિલ્હીમાં બન્ને ટીમને જે પ્રમાણે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો એ પ્રમાણે આજની મૅચમાં ‘મહા’ વાવાઝોડાને કારણે વરસાદની પણ સંભાવના જોવાઈ રહી છે. જોકે એમ છતાં આજની મૅચ કેવી રીતે પાર પડે છે એ જોવાનું રહેશે.

gujarat rajkot cricket news rohit sharma team india bangladesh