ગુરુને પગલે ચેલો : ધોનીની જેમ વિરાટે પ્રવાસની અધવચ્ચે ટેસ્ટની કૅપ્ટન્સી છોડી

16 January, 2022 03:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૫માં ધોનીએ ઑસ્ટ્રેલિયા સામેના રકાસ બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધેલી : ગઈ કાલે ભારતના સૌથી સફળ ટેસ્ટ-કૅપ્ટન કોહલીએ સુકાન છોડ્યાનો સોશ્યલ મીડિયામાં કર્યો ધડાકો

વિરાટ કોહલી

ભારતના સૌથી સફળ ટેસ્ટ-સુકાની વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ટેસ્ટ-શ્રેણીમાં થયેલા ઓચિંતા નામોશીભર્યા પરાજયને પગલે ટેસ્ટ-ટીમનું સુકાન છોડી દીધું છે. સૌરવ ગાંગુલીના પ્રમુખપદ હેઠળના બીસીસીઆઇ સાથેના તેના સંબંધો થોડા સમયથી એટલા બધા બગડી ગયા છે કે ગઈ કાલે તેણે ટ્વિટર પર સુકાન છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
બીસીસીઆઇ સાથેના તંગ સંબંધ
ટી૨૦નું સુકાન ન છોડવા તેને સમજાવ્યો હોવાનું ગાંગુલીએ અગાઉ જે કહ્યું હતું એના વિરોધાભાસી નિવેદનમાં કોહલીએ પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો હતો કે મને એવું ક્યારેય કોઈએ કહ્યું જ નહોતું. કોહલીએ ત્યારે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે ‘મને વન-ડેના કૅપ્ટનપદેથી દૂર કરવામાં આવી રહ્યો હોવાનું મને સિલેક્શન કમિટીની મીટિંગના દોઢ કલાક પહેલાં જ કહેવાયું હતું.’
કોહલીએ કદાચ એ બગડેલા સંબંધોને ધ્યાનમાં રાખીને જ ગઈ કાલે ટેસ્ટનું સુકાન છોડ્યાની સોશ્યલ મીડિયા પર જાહેરાત કરવાનું યોગ્ય માન્યું હશે.
૨૦૧૫માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારત પહેલી બન્ને ટેસ્ટ હારી ગયું અને પછી મેલબર્નની ત્રીજી ટેસ્ટ ડ્રૉમાં ગઈ ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટમાંથી ઓચિંતું રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું અને પછી ચોથી ટેસ્ટથી કોહલીને વિધિસર કૅપ્ટન્સી સોંપાઈ હતી.
ટેસ્ટમાં ભારત નંબર-વન બન્યું હતું
૩૩ વર્ષના કોહલીના સુકાનમાં ભારતીય ટીમ ટેસ્ટમાં વિશ્વમાં નંબર-વન બની હતી. એ ઉપરાંત, તેની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયામાં ભારત યાદગાર સિરીઝ (૨૦૧૯માં ૨-૧થી) પણ જીત્યું હતું.
૧૯મીથી રાહુલની કૅપ્ટન્સીમાં વન-ડે
ગઈ કાલે કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસની અધવચ્ચે ટેસ્ટની કૅપ્ટન્સી છોડી દીધી છે. આ સિરીઝ ભારત ૧-૨થી હારી ગયું છે. આ ટૂરમાં ભારતની હજી ત્રણ વન-ડે રમાવાની બાકી છે. ૧૯ જાન્યુઆરીએ શરૂ થનારી વન-ડે સિરીઝની ટીમની કૅપ્ટન્સી ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં કે. એલ. રાહુલને સોંપાઈ છે.
કોહલીએ તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપને અંતે ટી૨૦ ટીમની કૅપ્ટન્સી છોડી હતી અને ત્યાર પછી તેની પાસેથી વન-ડેનું સુકાન ખેંચી લઈને રોહિત શર્માને સોંપાયું હતું.

"વિરાટ, મારી દૃષ્ટિએ તું માથું ઊચું રાખીને કૅપ્ટન્સીમાંથી વિદાય લઈ રહ્યો છે. તેં સુકાની તરીકે જે મેળવ્યું છે એવું વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈએ હાંસલ કર્યું છે. તું ભારતનો સૌથી આક્રમક અને સૌથી સફળ કૅપ્ટન છે, એમાં કોઈ શંકા નથી. મારા માટે આ મોટી હતાશાનો દિવસ છે, કારણકે આ એ જ ટીમ છે જેને આપણે બન્નેએ ભેગા મળીને તૈયાર કરી હતી." રવિ શાસ્ત્રી

"કોહલી, ભારતીય કૅપ્ટન તરીકેની કાબિલેદાદ સફર બદલ તને અભિનંદન. તેં જે કંઈ હાંસલ કર્યું એ બદલ તારે પોતાના પર ગર્વ કરવો જ જોઈએ. ક્રિકેટજગતના શ્રેષ્ઠ સુકાનીઓમાં તારું નામ જરૂર લેવાશે." : વિવિયન રિચર્ડ્સ

કોહલીએ કહ્યું, ‘મેં પૂરી પ્રામાણિકતા બતાવી’

વિરાટ કોહલીએ ગઈ કાલે ટ્વિટર પરની પોસ્ટમાં સુકાન છોડતી વખતે આ મુજબ લખ્યું હતુંઃ ‘દરેક બાબત ક્યારેક તો અટકતી જ હોય છે અને મારા માટે એવું ભારતની કૅપ્ટન્સીની બાબતમાં બન્યું છે. મારી આ સફરમાં ઘણા ચડાવ અને ક્યારેક ઉતાર પર આવ્યા, પરંતુ મારા પ્રયાસોમાં ક્યારેય ન તો કચાશ રહી હતી અને ન તો મેં ક્યારેય આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો. મેં ૧૨૦ ટકા ક્ષમતાથી પર્ફાર્મ કર્યું. મેં કૅપ્ટન્સી દરમ્યાન ટીમ પ્રત્યે પૂરી પ્રામાણિકતા દાખવી હતી. ૭ વર્ષના આ સુકાનમાં હું ટીમને હંમેશાં યોગ્ય દિશામાં લઈ ગયો હતો, પણ સુકાન છોડવાનો મારી દૃષ્ટિએ આ યોગ્ય સમય છે. દેશની ટીમનું નેતૃત્વ સોંપવા બદલ હું બીસીસીઆઇનો આભારી છું. મારા વિઝનને અપનાવીને કોઈ પણ સ્થિતિમાં હાથ હેઠા ન મૂકવાના અભિગમ બદલ હું સાથીખેલાડીઓનો પણ આભાર માનું છું. તમે બધાએ જ મારી કૅપ્ટન્સીની સફરને સુંદર અને યાદગાર બનાવી છે. ટીમને ટેસ્ટ-ક્રિકેટમાં સતત પ્રગતિશીલ રાખવામાં મને રવિભાઈ અને સપોર્ટ-સ્ટાફનો ખૂબ સારો સાથ મળ્યો. છેલ્લે ધોનીને બિગ થૅન્ક યુ’

હવે ભારતનો નવો ટેસ્ટ-કૅપ્ટન કોણ હશે?

કોહલીએ ટેસ્ટ-ટીમનું નેતૃત્વ અચાનક છોડી દેતાં હવે ક્રિકેટ બોર્ડે અને ખાસ કરીને ચેતન શર્માના અધ્યક્ષસ્થાને સિલેક્ટરોએ નવો ટેસ્ટ-સુકાની પસંદ કરવાનો રહેશે. હાલમાં કે. એલ. રાહુલ અને રોહિત શર્માનાં નામ બોલાય છે. રહાણેના સુકાનમાં ઑસ્ટ્રેલિયામાં ભારત ૨-૧થી સિરીઝ જીત્યું હતું, પણ રહાણે ટીમમાં સ્થાન જમાવી શકતો ન હોવાથી તેની ગણતરી હમણાં ન પણ કરાય. અશ્વિનના નામ પર પણ ચર્ચા ચાલી રહી છે.

sports sports news cricket news test cricket virat kohli