દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કિંગ કોહલીને જોવા આવ્યું ફૅન્સનું ઘોડાપૂર

31 January, 2025 08:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફીની મૅચમાં ૨૭,૦૦૦થી વધુ દર્શકોનો રેકૉર્ડ, ૯૪ લાખ લોકોએ જિયો સિનેમા પર મૅચ જોઈ: સ્ટેડિયમની બહાર અફરાતફરી વચ્ચે કેટલાક ફૅન્સ ઘાયલ થયા

વિરાટ કોહલીને રમતો જોવા હજારોની સંખ્યામાં ફૅન્સ આવ્યા અરુણ જેટલી સ્ટેડિયમમાં.

ગઈ કાલે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવેઝ વચ્ચે રણજી ટ્રોફીના લીગ-સ્ટેજની અંતિમ મૅચ શરૂ થઈ હતી. યજમાન દિલ્હીએ ટૉસ જીતીને હરીફ ટીમને બૅટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. રેલવેઝની ટીમ પહેલા દિવસે ૬૭.૪ ઓવરમાં ૨૪૧ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. દિવસના અંતે દિલ્હીની ટીમે ૧૦ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૪૧ રન બનાવ્યા હતા.

દિલ્હી માટે સ્ટાર ફાસ્ટ બોલર નવદીપ સૈની અને સ્પિનર સુમિત માથુરે સૌથી વધુ ૩-૩ વિકેટ ઝડપી હતી. બૅટિંગ સમયે દિલ્હીનો ઓપનર અર્પિત રાણા બીજી જ ઓવરમાં ૧૦ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. દિલ્હી માટે આજે સનત સાંગવાન (૯ રન) અને યશ ધુલ (૧૭ રન) ઇનિંગ્સને આગળ વધારશે. બૅટિંગ ઑર્ડર પ્રમાણે વિરાટ કોહલી અને કૅપ્ટન આયુષ બડોની મેદાન પર ઊતરશે.

કોહલીને જોવા હજારો ફૅન્સ

૧૨ વર્ષ બાદ દિલ્હી માટે રણજી ટ્રોફી રમનાર વિરાટ કોહલી ગઈ કાલે બૅટિંગ માટે ન આવી શક્યો, પણ ફીલ્ડિંગ સમયે તેણે અને ફૅન્સે રમતને ભરપૂર માણી હતી. ટૉસ સમયે જ સ્ટેડિયમમાં લગભગ ૧૨,૦૦૦ ફૅન્સ હાજર હતા. હજારોની સંખ્યામાં આવેલા ફૅન્સે સ્ટૅન્ડમાંથી કોહલી-કોહલી અને તેની IPLની ટીમ RCBના નામના નારા લગાવ્યા હતા. કોહલી પણ ફૅન્સ સાથે ઇશારાઓથી મસ્તી કરતો જોવા મળ્યો હતો. મૅચ દરમ્યાન એક ફૅન ફેન્સિંગ કૂદીને મેદાનમાં વિરાટ કોહલીને પગમાં આવીને પડ્યો હતો, તેને મેદાનની બહાર કરવા માટે ૧૦-૧૨ જેટલા સુરક્ષા-કર્મચારીઓ મેદાન પર આવી ગયા હતા. આ ઘટના બાદ મેદાન પર પૅરામિલિટરી ફોર્સના જવાનો પણ સુરક્ષામાં તહેનાત થયેલા જોવા મળ્યા હતા.

મૅચની વચ્ચે મેદાન પર આવી વિરાટ કોહલીના પગ પકડી લીધા ફૅને, તેને મેદાન બહાર લઈ જવા એકસાથે આવ્યા ૧૦ જેટલા સુરક્ષા-કર્મચારીઓ. 

અહેવાલ અનુસાર પહેલા દિવસે મૅચ જોવા સ્ટેડિયમમાં લગભગ ૨૭,૮૧૩ ફૅન્સ હાજર રહ્યા હતા અને જિયો સિનેમા પર ઑનલાઇન ૯૪ લાખ લોકોએ આ મૅચના પહેલા દિવસની રમતને માણી હતી. રણજી ટ્રોફીની મૅચમાં ભાગ્યે જ હજારોની સંખ્યામાં દર્શકો જોવા મળે છે.

ભારે ભીડને કારણે સ્ટેડિયમની બહાર જોવા મળ્યો અફરાતફરીનો માહોલ.

સ્ટેડિયમની બહાર ફૅન્સ થયા ઘાયલ

પૅરામિલિટરી ફોર્સે સુરક્ષા માટે આવવું પડ્યું મેદાન પર.  

દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશને આ મૅચ માટે એન્ટ્રી ફ્રી રાખી છે, પણ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ફૅન્સે આધાર કાર્ડની ઓરિજિનલ કૉપી સાથે ફોટોકૉપી પણ ફરજિયાત કરી છે. પહેલા દિવસે સ્ટેડિયમની બહાર વિરાટ કોહલીના ફૅન્સની લાંબી લાઇનો જોવા મળી હતી. ઝડપથી સ્ટેડિયમમાં જવાની ઉતાવળમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં એક પોલીસ-બાઇકને નુકસાન થયું હતું અને ત્રણ જેટલા ફૅન્સ ઇન્જર્ડ થયા હતા. સ્ટેડિયમની બહાર ઘણા ફૅન્સનાં બૂટ-ચંપલ વિખરાયેલાં જોવા મળ્યાં હતાં. પહેલા ૬૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું ગૌતમ ગંભીર સ્ટૅન્ડ ખોલવામાં આવ્યું હતું, પરંતુ ભીડને ધ્યાનમાં રાખીને ૧૧,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું બિશન સિંહ બેદી સ્ટૅન્ડ પણ ખોલવું પડ્યું હતું. સ્ટૅન્ડની બેઠક-ક્ષમતાથી વધારે દર્શક હાજર રહેતાં કેટલાક ફૅન્સે ઊભા રહીને જ આખી મૅચ જોઈ હતી.

virat kohli ranji trophy new delhi arun jaitley cricket news sports news sports