27 September, 2026 11:54 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
સચિન કરતાં ૬૦+ મૅચ વહેલા ૧૫,૦૦૦ રન પૂરા કરવાની કોહલી પાસે તક વિરાટ કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની ૩૧૪ મૅચમાં ૫૮.૫૯ની ઍવરેજથી ૧૪,૯૪૧ રન બનાવ્યા છે, જેમાં વિક્રમજનક ૫૪ સદી અને ૭૯ અડધી સદી સામેલ છે. કોહલીને વન-ડેમાં ૧૫,૦૦૦ રનનો આંકડો વટાવવા અને સચિનનો મોટો રેકૉર્ડ તોડવા માટે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મૅચમાં માત્ર ૫૯ રનની જરૂર છે. સચિન તેન્ડુલકરે ૨૦૦૭માં ૩૮૭ વન-ડે મૅચની ૩૭૭ ઇનિંગ્સમાં ૧૫,૦૦૦ રન પૂરા કર્યા હતા. જ્યારે ૩૭ વર્ષીય વિરાટ કોહલી પાસે સચિન કરતાં ૬૨ કરતાં પણ વધુ મૅચ વહેલા આ સીમાચિહ્ન સર કરવાનો મોકો છે. ૫૯ રન બનાવતાં જ કોહલી વિશ્વક્રિકેટમાં સૌથી ઝડપી ૧૫,૦૦૦ રન બનાવનારો ખેલાડી બની જશે. જુલાઈ મહિનામાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી વન-ડે સિરીઝમાં કોહલીએ ૫, ૬૫ અને ૭૪ રન ફટકારીને શાનદાર ફૉર્મ દર્શાવ્યું હતું.
ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રોહિત શર્મા વન-ડેમાં ૧૨,૦૦૦ રનનો માઇલસ્ટોન પાર કરવાથી માત્ર થોડાં ડગલાં દૂર છે. હિટમૅને અત્યાર સુધી ૨૮૮ મૅચની ૨૮૦ ઇનિંગ્સમાં ૪૮.૯૫ની સરેરાશથી ૧૧,૮૯૫ રન ફટકાર્યા છે, જેમાં ૩૪ સદી અને ૬૨ અડધી સદી સામેલ છે. તેને ૧૨,૦૦૦ રન પૂરા કરવા માટે ૧૧૫ રનની જરૂર છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૨,૦૦૦ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ વિરાટ કોહલી (૨૫૧ મૅચ, ૨૪૨ ઇનિંગ્સ)ના નામે છે. હાલ સચિન તેન્ડુલકર ૩૦૯ મૅચ અને ૩૦૦ ઇનિંગ્સ સાથે બીજા સ્થાને છે. રોહિત શર્મા પાસે આગામી દસથી વધુ મૅચ બાકી હોવાથી તે સચિન કરતાં ઘણી ઓછી ઇનિંગ્સમાં ૧૨,૦૦૦ રન પૂરા કરીને વિશ્વમાં બીજા ક્રમે આવી શકે છે.